હોટલ, રિસોર્ટ હાઉસફૂલ: વેપારીઓને તડકો: ખાનગી વાહન ચાલકોએ ભાડા વધારી દીધા
સૌરાષ્ટ્રમાં તહેવારની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે જન્માષ્ટમી પર્વનું ખાસ મહત્વ રહેલું છે. જન્માષ્ટમી પર્વનું આઘ્યાત્મિક જગતમાં ખુબ જ મહત્વ છે ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ જન્માષ્ટમી પર્વની ધામધુમથી ઉજવણી કરે છે. જન્માષ્ટમીનાં તહેવારને લઈને શાળા-કોલેજો, યુનિવર્સિટી અને નોકરી તથા વેપારીઓ પણ રજા રાખે છે અને મીની વેકેશનનો માહોલ સર્જાયો હોય તેમ લાગે છે. પાંચ દિવસનાં આ તહેવારને ઉજવવા લોકો સૌરાષ્ટ્રનાં ફરવાલાયક રમણીય સ્થળો અને ધર્મસ્થળોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ત્યારે આવતીકાલે આઠમ હોય તે અગાઉ જ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરનાં અનેક પ્રવાસીઓ સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળો પર ઉમટી પડયા હતા.
જન્માષ્ટમીનાં તહેવારોની રજાને લઈ સૌરાષ્ટ્રનાં વિવિધ ફરવાલાયક સ્થળો જેમાં ગીરનું જંગલ, કનકાઈ, તુલસીશ્યામ, સતાધાર, વેરાવળ, પરબધામ, સોમનાથ, વીરપુર, દ્વારકા, ઘેલા સોમનાથ, જડેશ્ર્વર મહાદેવ, ભુતનાથ મહાદેવ, દીવ સહિતનાં સ્થળો પર હકડેઠઠ મેદની જોવા મળી છે. હજુ આગામી ૩ દિવસ દરમિયાન પણ પ્રવાસીઓ ઉમટી પડે તેવી શકયતા સેવાઈ રહી છે.
શ્રાવણ મહિનો ચાલતો હોય સાથોસાથ જન્માષ્ટમીનો તહેવાર એટલે મોટાભાગનાં શિવભકતો અને કાનુડાપ્રેમીઓ દ્વારકા અને સોમનાથમાં દર્શનાર્થે ઉમટી પડયા છે. બંને ધર્મસ્થાનોમાં ભાવિકો માટે ભોજન પ્રસાદની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. હજુ આગામી સોમવાર એટલે કે દસમ સુધી પ્રવાસીઓનો તમામ ધાર્મિક સ્થળો પર આવો જ ઘસારો મળે તેવી ધારણા રખાઈ રહી છે.