પાર્ટીકલ એકસલેટર સંશોધનોનાં નવા આયામો માટે કોલોબ્રેશનનાં દરવાજા ખુલ્યા: કુલપતિ અને ઉપકુલપતિએ અભિનંદન પાઠવ્યા
પાર્ટીકલ એકસલેટર વિજ્ઞાનનું ખુબ જ રસપ્રદ સંશોધન છે. જેમાં નાના-નાના પાર્ટીકલો (અણુ-પરમાણુ)ને યંત્રોની મદદથી ઉર્જા પ્રદાન કરી ગતિશીલ બનાવાય છે જેનાં માધ્યમથી વિવિધ ટેકનોલોજીનાં યંત્રો થકી વિજ્ઞાનનાં કેટલાય રહસ્યો સંદર્ભ નોંધપાત્ર સંશોધન થયા છે, કેન્સર જેવા અસાઘ્ય રોગોમાં કેન્સરની ગાંઠોને ઓગાળવા પણ લીનીયર પાર્ટીકલ એકસલેટરનો ઉપયોગ થાય છે જે સામાન્ય થેરાપી બની ચુકી છે. સેમીક્ધડકટર ઈન્ડસ્ટ્રીઝમાં ફોકસ આયન બીમ, સીમ વગેરે ટેકનોલોજીનાં કારણે આજે આપણે અતિસૂક્ષ્મ સ્પાઈ કેમેરા કે સ્માર્ટ મોબાઈલ વાપરતા થયા છીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૌતિકશાસ્ત્ર ભવનમાં ફંકશન ઓકસાઈડ વિષય ઉપર સંશોધન કરતા કૃણાલસિંહ રાઠોડનાં સંશોધનને સપ્ટેમ્બર તા.૧ થી ૬ દરમ્યાન અમેરીકા ખાતે યોજાનારી વિશ્ર્વની પ્રતિષ્ઠિત નોર્થ અમેરીકન પાર્ટીકલ એકસલેટર કોન્ફરન્સમાં લેન્સીંગ, મીસીગન (રાજય) અમેરીકા ખાતે સંશોધનપત્ર રજુ કરવા માટે આમંત્રણ મળેલ છે. કૃણાલસિંહ ભૌતિકશાસ્ત્ર ભવન ખાતે યુજીસી સ્પેશ્યલ આસીસ્ટન્ટ પ્રોગ્રામ અંતર્ગત બી.એસ.આર.ફેલો છે અને મેગ્નેનાઈ મલ્ટી ફેરોઈડ થીન ફિલ્મ ડીવાસીઝ વગેરે મટીરીયલ્સમાં ડો.નિકેશભાઈ શાહ અને ડો. પિયુષભાઈ સોલંકીનાં માર્ગદર્શન હેઠળ આઈ.યુ.એસ.સી. ન્યુ દિલ્હી ખાતે ઉપલબ્ધ પાર્ટીકલ એકસલેટર ઉપયોગથી પ્રતિકારક સ્વીચીંગ ટેકનોલોજી ઉપર નોંધપાત્ર સંશોધન કરેલ છે. રાઠોડને ભારતની પ્રતિષ્ઠિત પાર્ટીકલ એકસલેટરની સંસ્થાન આઈ.યુ.એસ.સી., ન્યુ દિલ્હી મારફત બે વર્ષ પહેલા સંશોધન પ્રકાર માટે અનુદાન મળેલ છે. વિશ્ર્વભરનાં પાર્ટીકલ એકસલેટર અને ટેકનોલોજી ક્ષેત્રનાં વૈજ્ઞાનિકોનો મેળાવડો અમેરિકાનાં મીસીંગન રાજય ખાતે યોજાવાનો છે. તેમાં રાઠોડનાં આયન બીમ ઈરેડીયેડ ફિલ્મનું પ્રતિકારક સ્વીચીંગ માટે સ્પ્રેકટ્રોસ્કોપીક સંબંધો સંશોધન પત્રને રજુ કરવા આમંત્રણ પાઠવેલ છે.
ભારત સરકાર વિજ્ઞાન અને ઈજનેરી સંશોધન બોર્ડ મારફતે રાઠોડનાં પ્રતિકારક સ્પીચીંગનાં સંશોધનની અગત્યતા અને ઉપયોગીતાની નોંધ લઈ તેમને અમેરિકા ખાતે જવા-આવવા માટે એરફેર, વિઝા, રજીસ્ટ્રેશન વિગેરે તમામ ખર્ચ મંજુર કરાયેલ છે. વિશ્ર્વની સૌથી મોટી એકસલેટર કોન્ફરન્સમાં ગુજરાત રાજયની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એકમાત્ર સંશોધન કૃણાલસિંહ રાઠોડને તેનાં સંશોધનપત્રની ચકાસણી ટોચનાં વૈજ્ઞાનિકો મારફત કરી તેને પોસ્ટર સ્વરૂપે રજુ કરવા આમંત્રણ મળેલ છે. રાઠોડ છેલ્લા ૩ વર્ષથી ઉપરોકત વિષય ઉપર સંશોધન કરે છે અને તેમને ઘણા સંશોધનપત્રો પણ પ્રસિઘ્ધ કર્યા છે. સામાન્ય પરિવારમાંથી આવતા કૃણાલસિંહ રાઠોડે તેમની તેજસ્વીતા અને પરિશ્રમથી પ્રતિકારક સ્વીચીંગ ટેકનોલોજીમાં નોંધનીય કામગીરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રયોગશાળા મારફત કરેલ છે જે ગૌરવપ્રદ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવા સંશોધક ડો.કૃણાલસિંહ રાઠોડને તેમનાં સંશોધન માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં કુલપતિ પ્રો.નિતીનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, ભૌતિકશાસ્ત્ર ભવનનાં અધ્યક્ષ પ્રો.મિહીરભાઈ જોષી, પ્રો.હિરેનભાઈ જોષી, પ્રો. નિકેશભાઈ શાહ, ડો. પિયુષભાઈ સોલંકી, ડો.કેવલ ગદાણી, ડો.દેવિત ધ્રુવ, ડો. વેકટેશ ડી વગેરેએ અભિનંદન પાઠવેલ છે.