જો તમે દિવસમાં મોટાભાગના સમયમાં ઈયરફોન ભરાવીને કલાકો સુધી ગીતો સાંભળતા હો તો સતર્ક થઈ જાઓ. તમારી આ ટેવ તમને બીમાર પાડી શકે છે. ઓફિસમાં કામ કરતાં, ડ્રાઇવ કરતાં, મોર્નિંગ વોકમાં, પુસ્તક વાંચતા વગેરે કામો કરતી વખતે આજના યુવાનોને કાનમાં ઈયરફોન ભરાવી ગીતો સાંભળવાની ટેવ હોય છે જેની કારણે ઘણા રોગો થવાની શક્યતા વધે છે.
બહેરાશ :
એક અભ્યાસ અનુસાર, જો કોઈ વ્યક્તિ એક દિવસમાં બે કલાકથી વધુ સમય માટે 90 ડિસેબલથી વધારે અવાજમાં ગીત સાંભળતું હોય તો તે બહેરાશનો ભોગ બનવાની સાથે અન્ય મોટા રોગોની ઝપેટમાં આવી શકે છે. કાનની સાંભળવાની ક્ષમતા માત્ર 90 ડેસેબલ(અવાજની તીવ્રતા માપવાનો એકમ) હોય છે, જે સતત ગીત સાંભળવાના સમયની સાથે 40થી 50 ડિસેબલ સુધી ઓછી થઈ જાય છે. તેના કારણે વ્યક્તિ દૂરનો અવાજ સાંભળી શકતો નથી.
હૃદય રોગ :
મોટા અવાજે ગીતો સાંભળવાથી માત્ર કાનને જ નહીં પણ વ્યક્તિનાં હૃદયને પણ નુકસાન પહોંચે છે. મોટા અવાજમાં ગીત સાંભળવાથી હાર્ટ બીટ ફાસ્ટ થઈ જાય છે અને તે નોર્મલ સ્પીડની સરખામણીએ ઝડપથી ધબકવા લાગે છે. જેના કારણે હૃદયને નુકસાન પહોંચી શકે છે.
માથામાં દુખાવો :
ઇયરફોનમાંથી નીકળતા વિદ્યુત ચુંબકીય તરંગો વ્યક્તિના મગજ પર ખરાબ અસર કરે છે. જેના કારણે વ્યક્તિને માથામાં દુખાવો અથવા ઊંઘ ન આવવાની સમસ્યા શરૂ થઈ જાય છે.
કાનમાં ચેપ :
જો તમે પણ ઓફિસમાં અથવા ઘરે ગીત સાંભળતી વખતે એકબીજા સાથે પોતાના ઈયરફોન શેર કરો છો તો આવું કરવાનું ટાળો. ઈયરફોન કોઈ અન્ય વ્યક્તિના કાનમાં ભરાયા બાદ તેના કાનમાં રહેલી ગંદકી અને બેક્ટેરિયા ચોંટી જાય છે. જેના કારણે કાનમાં ઈન્ફેક્શન લાગવાનું જોખમ વધી જાય છે.
સંભળાવાનું બંધ થઈ જવું :
લાંબા સમય સુધી ઈયરફોનથી ગીત સાંભળવાથી વ્યક્તિના કાનમાં બહેરાશ આવી શકે છે. જેના કારણે સમય જતા સાંભળવાની ક્ષમતા ઓછી થતી જાય છે. મોટા અવાજે ગીતો સાંભળવાથી સાંભળવાની ક્ષમતા પર તો અસર પડે જ છે પણ સાથે માનસિક સમસ્યા પણ પેદા થવા લાગે છે. ઈયરફોનના વધુ ઉપયોગથી કાનમાં છમ-છમ અવાજ આવવો, ચક્કર આવવા, ઊંઘ ન આવવી, માથા અને કાનમાં દુખાવો થવો વગેરે લક્ષણો જોવા મળે છે.
ઉપાય :
જો તમે પણ કાન સંબંધિત સમસ્યાઓથી બચવા માગતા હો તો જરૂર પડે ત્યારે જ ઈયરફોનનો ઉપયોગ કરો. સસ્તા ઈયરફોનનો ઉપયોગ કરવાને બદલે સારી ક્વોલિટીવાળા ઈયરફોન જ વાપરવા.