‘મલ્હાર’ લોકમેળાને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ખુલ્લો મુકાશે

લોકમેળામાં ૭૮ અધિકારી ઉપરાંત ૧૩૭૩ કર્મચારી સાથે ૧૪૫૦નો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે

પાંચ દિવસીય મલ્હાર મેળાની તૈયારીને આખરીઓપ

લોકમેળાને પ્રથમ વખત ઈ-બંદોબસ્ત, બાયોમેટ્રીક ફિંગર પ્રિન્ટથી હાજરી, સીસીટીવી કેમેરાથી સજજ કરાયો

રાજકોટનો લોકમેળો માણીગરોને આવકારવા સજજ થઈ ચુકયો છે. આકાશને આંબતા ફજર અને હૈયાનાં ધબકારા વધારી દેતા ઝુલા, ટોરા-ટોરા, બ્રેક ડાન્સ જેવી રાઈડો લોકમેળામાં લાગી ચુકી છે. આવતીકાલથી રંગીલા રાજકોટમાં લોકમેળાનો હર્ષોલ્લાસથી પ્રારંભ થઈ રહ્યો છે. આવતીકાલે બપોર પછી પાંચ કલાકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રેસકોર્સ ખાતે મલ્હાર લોકમેળો ખુલ્લો મુકતા જનસમુદાય ઉમટી પડશે. દરમિયાન બોળચોથથી જ શરૂ થતા જન્માષ્ટમીનાં તહેવારોની ઉજવણી માટે સૌરાષ્ટ્રવાસીઓ આતુર થયા છે. લોક સંસ્કૃતિનાં ધબકારા જેવા લોકમેળાનો સૌરાષ્ટ્રની આગવી ઓળખ જેવા છે.

રેસકોર્સનાં મેદાનમાં ૨૨ થી ૨૬ ઓગસ્ટ સુધી યોજાનાર મલ્હાર લોકમેળામાં દર વર્ષની જેમ આ વખતે પણ જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. લોકમેળાની અંદર ૭૮ અધિકારી ઉપરાંત ૧૩૭૩ કર્મચારી મળી ૧૪૫૦નો સ્ટાફ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવશે. આ ઉપરાંત એસઆરપીની ૩ કંપનીની પણ મદદ લેવાશે. જન્માષ્ટમીનાં તહેવારોમાં મેળાની બહાર અને મુખ્ય માર્ગો પર ટ્રાફિકજામ ન થાય તે માટે ૨૩ અધિકારી અને ૯૦૦ પોલીસમેનોની મદદ લેવાશે. એકંદરે લોકમેળાની અંદર અને શહેરભરમાં અંદાજે ૨૭૦૦ સુરક્ષા જવાનો તહેનાત રહેશે.

DSC 4138

મેળામાં પાંચ દિવસ દરમિયાન લાખોની જનમેદની ઉમટી પડે છે. જેમાં ખિસ્સા કાતરૂઓ, ગુનેગારો, ટપોરીઓ, લુખ્ખાઓ, લફગાંઓ પણ પોતાનું પોત પ્રકાશી લેતા હોય છે. લુખ્ખાઓ, ટપોરીઓ, સડક છાપ રોમિયો માટે પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન તૈયાર કરાયો છે. મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસની ખાસ ટીમ પણ અલગથી કાર્યરત રહેશે. આ સાથે એસઆરપી હોમગાર્ડ જવાનોની પણ મેળા દરમિયાન સેવા લેવાશે. ૧૫૦૦થી વધુ જવાનોની ફરજમાં પ્રથમ વખત એ.એસ.આઈ થી લઈ પી.સી. સુધીનાં ફરજ પર આવતા જવાનોનાં મોબાઈલ ફોન ફરજ દરમિયાન જમા લઈ લેવાશે. સાથે જ ફરજ પર આવ્યાની સાથે બાયોમેટ્રીક ફીંગર પ્રિન્ટથી હાજરી પુરવાની રહેશે. ફોર-જી એટીઈ પરમીશન હોવાથી વિદેશી કંપની પણ ટેસ્ટીંગ કરશે. પીએસઆઈનાં ગુગલમેપ લોકેશન લેવાશે. માઉન્ટેડ (ઘોડે સવાર) પોલીસની પણ મદદ લેવાશે.

DSC 4150

લોકમેળાનાં તમામ ચારેય પ્રવેશદ્વારો ઉપર ડોર ફ્રેમ મેટલ ડિટેકટરથી સઘન ચેકિંગ કરવામાં આવશે. પ્રવેશદ્વારો ઉપર ભીડ ન થાય તે માટે એન્ટ્રી ગેઈટથી ૫૦ મીટરનાં અંતરથી કયુમેકર લગાડવામાં આવશે. આ લોકમેળામાં વિવિધ પ્રકારની રાઈડસ પણ ૧૧ નિયમોને ધ્યાનમાં રાખીને મુકવામાં આવી છે. જેનો લાભ લેવા સૌ કોઈ થનગની રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.