ગૌરીશંકર ઉદયશંકર ઓઝાની જન્મજયંતિ પર તેમના વિષે એટલું જાણો :
ભાવનગરના ઘડવૈયા ગૌરીશંકર ઉદયશંકર ઓઝાનો જન્મ 21 ઓગષ્ટ 1805માં ધોધા ખાતે વડનગરા બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો એ દોઢ વરસના હતા ત્યારે એમની માતાનું અવસાન થયું હતું. એમણે પ્રાથમિક અભ્યાસ ગુજરાતી માધ્યમમાં કર્યો હતો.
તેમણે 17 વર્ષની ઉમરે સેવકરમ દેસાઇના સહાયક તરીકે ભાવનગર રાજ્યમાં નોકરી મેળવી હતી. એક વરસ પછી એમની બદલી એ સમયનાં ભાવનગર રાજ્યનાં કુંડલા પરગણામાં કરવામાં આવી. કુંડલામાં તેઓ આસિસ્ટન્ટ રેવન્યું ઓફિસરની પદવી પર હતાં. આ કાર્યભાર તેમણે ચાર વર્ષ સુધી સંભાળ્યો હતો. આ સમય દરમિયાન તેમના અને ભાવનગર રાજ્ય માટે ખૂબ કપરો સમય રહ્યો હતો કેમકે એ સમય ગાળામાં જ કુંડલાનાં ખુમાણો, હાદા ખુમાણ અને એમના પુત્ર જોગીદાસ ખુમાણ, ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડયા હતાં. ખુંમાણોનાં બહારવટાને નબળું પાડી દેવાના કાર્યમાં એમનું યોગદાન જોઇને એ વખતના ભાવનગર રાજ્યનાં ઠાકોર વજેસિંગએ એમને નોકરીમાં બઢતી સાથે ભાવનગરમાં સ્થાન આપ્યું હતું.
1847ના વર્ષમાં ઠાકોર સાહેબે પોતાના અન્ય જુના એક કારભારી સેવકરમ રાજારામ દેસાઈના દિકરા સંતોકરામ સેવકરામ દેસાઈ અને ગૌરીશંકર ઉદયશંકર ઓઝાને મુખ્ય કારભારી પદની સંયુક્ત જવાબદારી સોંપી. કારભારી પદે નિયુક્ત થયા પછી એમની જાણમાં આવ્યું કે રાજ્યે સામે કંપની સરકારના ૭૦ જેટલા વિવિધ મુકદમાને કારણે રાજ્યે દર મહીને રૂ ૧૫૦૦ જેટલી રકમ ભરવી પડે છે. આથી કાઠીયાવાડના પોલીટીકલ એજન્ટ કર્નલ લેંગની સાથે વાટાઘાટો કરીને રાજ્યને દર મહીને ચુકવવા પડતા દંડથી બચાવ્યું હતું.
તેમને ભાવનગરમાં 12 અને રાજ્યના સમગ્ર વિસ્તારમાં 100 જેટલી શાળાઓ શરુ કરી હતી. તેમણે રાજકોટમાં રાજકીય રાજકુમારોના શિક્ષણ માટે રાજકુમાર કોલેજને સ્થાપવામાં મદદ કરી હતી. તેમણે રાજસ્થાન અદાલતની પણ સ્થાપનામાં મદદ કરી કે જેને જમીન-માલિકીના વર્ગો અને વડાઓ વચ્ચેના અસંખ્ય વિવાદો સમાધાન કાર્ય.
13 જાન્યુઆરી 1879 ના દિવસે તેઓએ સેવા-નિવૃત્તિ લીધી ત્યારે એમનો કાર્યકાળ 55 વરસનો થતો હતો જેમાં મુખ્ય કારભારી પદ પર 35 વરસ સેવા આપી હતી. મુખ્ય કારભારી તરીકે સેવા નિવૃત્ત થયા પછી તેમણે વેદાંતનો અભ્યાસ કરવાનું ચાલુ કર્યુ હતુ. ૧૮૮૪માં એમણે સ્વરૂપનું સંસાધન નામનું પુસ્તક પણ પ્રકાશિત કર્યુ હતુ. ૮૧ વરસની ઉંમરે એમણે સન્યાસ લેવાનો નિર્ણય કર્યો. એમના આધ્યાત્મીક ગુરૂએ એમનું સંન્યાસ-જીવનનું નામ “સચ્ચિદાનંદ સરસ્વતિ” આપ્યું. એમણે સન્યસ્ત લીધુ એ પ્રસંગના માનમાં ભાવનગર રાજ્યની તમામ સરકારી કચેરીઓ બે દિવસ બંધ રાખવામાં આવી હતી.
એમની સેવાઓ યાદ કરીને શહેરને એક સમયે પાણી પુરુ પાડતા તળાવનું નામ “ગૌરીશંકર તળાવ” રાખવામાં આવ્યું.