રાજઠાકરેને ઈડીની નોટીસ બાદ મનસેએ શેરી પ્રદર્શનની ચીમકી આપતા ફડણવીસની ચેતવણી લોકોને મુશ્કેલી પડે તો સરકાર આકરા પગલા લેશે
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેને તાજેતરમાં આઈએલએન્ડએફએસ કેસમા મની લોન્ડ્રીંગ મુદે ઈડીએ નોટીસ પાઠવી છે. રાજ ઠાકરેને ઈડીની નોટીસથી મનસેના કાર્યકરો તોફાન મચાવે તેવી સંભાવના વ્યકત થઈ રહી છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આવુ દુ:સાહસ ન કરવા મનસેને ચેતવણી આપીને રાજ ઠાકરેને સલાહ આપી છે કે તેમણે ખોટું ન કર્યું હોય તો ડરવાની જરૂર નથી.
દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા આઈએલએન્ડ એફ એસ ડિફોલ્ડ કેસની તપાસ કરી રહેલી ઈડીએ મની લોન્ડ્રીંગ મુદે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને નોટીસ પાઠવીને ૨૨મી ઓગષ્ટે જવાબ આપવા તપાસ અધિકારી સમક્ષ હાજર થવા જણાવ્યું છે. જેને મનસેના નેતાઓએ રાજકીય બદલ પ્રેરીત ગણાવીને ઉગ્ર વિરોધ કર્યો છે. સાથે આ મુદે મનસેના કાર્યકરોમાં આક્રોશ હોય શેરીમાં વિરોધ પ્રદર્શન કરવાની રાજય સરકારને ચીમકી આપી હતી.
મનસેનાઆ ચીમકીનો જવાબ આપતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકોને મુશ્કેલી ઉભી થાય તેવી મનસે દ્વારા કોઈ વિરોધ પ્રદર્શન કરાશે તો તેની સામે મહારાષ્ટ્ર સરકાર આકરા પગલા લેશે.
મનસેના કાર્યકરો કોઈપણ અઈચ્છનીય ઘટનામાં સામેલ થશે તો તેના પરિણામો તેમને ભોગવવા પડશે ફડણવીસે વધુમાં જણાવ્યું હતુ કે રાજ ઠાકરે કાંઈ ખોટુ ન કર્યું હોય તો તેમની પાર્ટીએ લોકોને મુશ્કેલી ઉભી થાય તેવું કોઈપણ કાર્ય કરવું ન જોઈએ રાજે પણ ઈડી સમક્ષ પોતાનો શાંતિપૂર્ણ રીતે જવાબ રજૂ કરવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે ઈડી કોહિનૂર સીટીએનએલ નામની કંપનીમાં આઈએલ એન્ડ એફએસ જૂથની લોન ઈકિવટી રોકાણના મામલે ઠાકરેની સંડોવણીની તપાસ કરી રહી છે. આ કેસમાં ઈડીએ રાજ ઠાકરે ઉપરાંત મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોષીના પુત્ર ઉન્મેશ જોષીને પણ આ કેસમાં સમન્સ પાઠવ્યું છે. આ કંપનીને ઉન્મેશ જોષીએ પ્રમોટ કરી હતી અને તે મુંબઈમાં કોહિનૂર સ્કેવર ટાવર બનાવી રહી છે. આઈએલએન્ડ એફએસે કોહિનૂર સીટીએનએલમાં ૨૦૦ કરોડ રૂા.થી વધારેનું રોકાણ કર્યા બાદ સોદામાં નુકશાન થતા કંપની ડિફોલ્ડ બની હતી.