વરસાદના વિરામ બાદ રાજ્યમાં રોગચાળો વકર્યો છે. ઝાડા-ઉલ્ટી તથા તાવના કેસો સામે આવ્યા છે. તાવના સૌથી વધુ અમદાવાદમાં 923 કેસ નોંધાયા છે. જ્યારે કે વડોદરામાં 687 કેસ, મહેસાણામાં 649, પંચમહાલમાં 486 તો પાટણમાં 379 ઝાડાં-ઉલ્ટીના કેસ નોંધાય છે.
તાવ અને ઝાડા-ઉલ્ટીના વધતા કિસ્સાને પરિણામે આરોગ્ય વિભાગ સક્રિય થયું છે અને ક્લોરિનની ગોળી તથા ઓઆરએસનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી 3 લાખ 18 હજાર 503 ક્લોરિન ગોળી તથા 19 હજાર 413 ઓઆરએસનું વિતરણ કરાયું છે. સ્થાનિક હેલ્થની ટીમને સૂચનાઓ આપીને રોગચાળાગ્રસ્ત વિસ્તારમાં સાફ સફાઈ સહિત દવાઓનો છટકાવ કરવાની સૂચના આપી છે.
રાજ્યના મોટા શહેરોમાં તાવ- શરદી, ઝાડા-ઉલટીના કેસો જોવા મળી રહ્યાં છે. રાજ્યના મહાનગરોમાં મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. રાજ્યના મહાનગર રાજકોટમાં જ છેલ્લા એક મહિનામાં 21 હજાર કેસો નોંધાયા છે, જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 17 દિવસમાં 1300થી વધુ કેસ નોંધાયા છે.
ઉઘાડ નીકળતાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. મચ્છરોના કારણે અમદાવાદ શહેરમાં મલેરિયાના 495 કેસો નોંધાયા છે. જ્યારે 13 દિવસમાં ડેગ્યૂના 78 કેસો નોંધાયા છે. રાજકોટ શહેર પણ રોગચાળાના ભરડામાં છે.