આપણી સંસ્કૃતિમાં દર વર્ષે નાગપૂજા કરવામાં આવે છે જેને સામાન્ય ભાષામાં નાગપંચમી કહેવામાં આવે છે. ભગવાન શિવ પણ સર્પોની માળા ગળામાં ધારણ કરનાર નાગ દેવતા પ્રત્યે આદર કરવાનો ઉપદેશ આપે છે. જૈન ધર્મ, દર્શન તથા સાહિત્યમાં પણ નાગને વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું છે. તેવીસમા તીર્થંકર પાશ્વનાથના ગર્ભકાળમાં જ માતા વામાદેવીની નજીકમાં સરકતા નાગદેવતા જોયા જે દેવી દિવ્યતાનું પ્રતીક હતા. માન્યતા છે કે શ્રાવણ માસની પંચમી નાગોને આનંદ આપનાર તિથિ છે એટલે તેને નાગપંચમી કહે છે.
શ્રાવણ માસની શુક્લ પંચમી નાગપંચમી તરીકે ઓળખાય છે. આ દિવસે નાગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે નાગ દર્શનનું પણ વિશેષ મહત્વ હોય છે. આ દિવસે સાંપને મારવાની મનાઈ છે. આખા શ્રાવણ મહિનામાં અને ખાસ કરીને નાગપંચમીના દિવસે ધરતીને ખોદવાની મનાઈ છે. આ દિવસે સાંપને દૂધ પીવડાવવામાં આવે છે. કેટલીક જગ્યાએ ખાસ કરીને ગુજરાતમાં શ્રાવણ માસની કૃષ્ણ પંચમીએ પણ નાગપંચમી ઉજવવામાં આવે છે. આ દિવસે પૂજામાં સફેદ ફૂલ મૂકવામાં આવે છે.
પૌરાણિક કથા પ્રમાણે એક વાર માતૃ-શ્રાપથી નાગલોક બળવા લાગ્યો, ત્યારે નાગોની દાહ-પીડા શ્રાવણની પંચમીના દિવસે શાંત થઈ હતી. આ કારણે નાગ પંચમી પર્વ વિખ્યાત થઈ ગયું છે. પ્રાચીન સમયમાં જન્મેજય દ્વારા નાગોને નષ્ટ કરવા માટે કરવામાં આવેલ યજ્ઞથી જ્યારે નાગ-જાતિનું સમાપ્ત થઈ જવાનું સંકટ ઊભુ થયું, ત્યારે શ્રાવણની પંચમીના દિવસે જ તપસ્વી જરત્કારુના પુત્ર આસ્તીકે તેમની રક્ષા કરી હતી. આ પણ એક કારણ છે કે શ્રાવણની પંચમીને નાગપંચમી કહેવા પાછળનું.
ક્યાંક-ક્યાંક સોના, ચાંદી અથવા લાકડાંની કલમ દ્વારા પાંચ ફેણ વાળા પાંચ સર્પોને બનાવવાની પ્રથા પણ છે. સર્પોની પૂજામાં દૂધ, પંચામૃત કે ખીર ચઢાવવામાં આવે છે. હકીકતમાં નાગપંચમીનો તહેવાર આપણા લોકોના સંરક્ષણની પ્રેરણા આપે છે. પર્યાવરણની રક્ષા અને વનસંપદાના સંવર્ધનમાં દરેક જીવ જંતુની પોતાની ભૂમિકા તથા યોગદાન છે, માત્ર સર્પ તો લોક આસ્થામાં પણ વસેલા છે.