પેરા ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા એથ્લીટ દીપા મલિક અને એશિયન ગેમ્સ-કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલવાન બજરંગ પૂનિયાને દેશના સૌથી મોટા સ્પોર્ટ્સ એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવશે.
ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને ગુજરાતના ટેબલ ટેનિસ પ્લેયર હરમિત દેસાઈને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. શનિવારે એવોર્ડ સમિતિ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
દીપા મલિકે 2016માં રિયો ડી જાનેરો પેરા ઓલિમ્પિકમાં શોટ પુટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિવાય દીપાએ એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ બજરંગ પૂનિયાએ ગત વર્ષે જકાર્તા એશિયન ગેમ્સમાં 65 કિગ્રા સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
તેણે ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં આ વજન વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. તે આગામી વર્ષે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પ્રબળ દાવેદારોમાં સામેલ છે.