એસ.ટી.ચેકીંગ ડ્રાઈવમાં વોલ્વો બસ, મીની બસ, ઈકો વાન સહિતના ૨૨ વાહનો ડીટેઈન: ૧૨૦૦૦નો દંડ
રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા ફરી એકવાર નિયમભંગ કરનારા વાહનો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજ સવારથી જ નિયમ ભંગ કરતા વાહનો સામે એસ.ટી. અને આરટીઓએ લાલ આંખ બતાવી સપાટો બોલાવી દીધો છે. છેલ્લા ઘણા સમયથી રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે બપોરે સુધીમાં ૨૨ વાહનો ડીટેઈન કર્યા છે.
છેલ્લા ઘણા સમયથી એસ.ટી.વિજિલન્સ ટીમ દ્વારા આવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં બેદરકારી કરીને ચલાવતા વાહનોને ડીટેઈન કરાયા હતા. ઉપરાંત દારૂ પીને ચલાવતા તેમજ પ્રદુષણ ફેલાવતા વાહનો, નિયમથી વધુ ભરેલા મુસાફરો તેમજ બેદરકારી દાખવતા વાહનો સામે એસ.ટી.વિજીલન્સ અને આર.ટી.ઓ દ્વારા લાલ આંખ કરી છે. આજ દિવસ દરમિયાન એસ.ટી. અને આર.ટી.ઓની સઘન ચેકીંગ ઝુંબેશ હાથ ધરાતા ૨૨ વાહનો સામે આકરી કાર્યવાહી કરી અંદાજે ૧૨૦૦૦નો દંડ ફટકાર્યો હતો. રાજકોટ એસ.ટી.ડિવીઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારથી જ વિજીલન્સ ટીમ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ૨૨ વાહનોને ડીટેઈન કરવામાં આવ્યા છે. જેમાં અલગ અલગ વોલ્વો બસ, ઈકો વાન, ટેમ્પો સહિતના વાહનોને અંદાજે ૧૨૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને રાજકોટ એસ.ટી.ડિવીઝન દ્વારા આગામી દિવસોમાં પણ બેદરકારી દાખવતા વાહનો સામે કડક પગલા લેવામાં આવશે.