24 કલાક દરમિયાન ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં ધોધમાર વરસાદ પડ્યો છે.
પોશીનામાં અને સતલાસણામાં 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. એકદરે ઉત્તર ગુજરાતમાં બંગાળના દરિયામાં લો પ્રેસર બન્યું હતું તે આગળ વધી રહ્યું છે. જેને પગલે આજે ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે.
ભારે વરસાદને પગલે પાલનપુર આબુરોડ હાઈવે પર પાણી ભરાયા હતા. ઢીંચણ સમા પાણી ભરાવાના પગલે એક તરફનો માર્ગ બંધ કરી દેવાયો હતો. જેને પગલે રાજસ્થાનથી ગુજરાત આવતો વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
અરવલ્લી જિલ્લામાં ખાબકેલ સાર્વત્રિક વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે. સૌથી વધુ ભિલોડા તાલુકામાં અને મોડાસા તાલુકામાં વરસાદ ખાબક્યો છે. ભિલોડા તાલુકામાં 3.5 ઇંચથી વધુ વરસાદ થયો છે.
આસપાસના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભિલોડા તાલુકાની નાદરી નદીમાં નવા નીરની આવક થઈ છે. આસપાસના ચેકડેમ પણ છલકાયા છે. નાદરી નદી બે કાંઠે વહી રહી છે. તો ખેતીવાડીને પણ જીવનદાન મળ્યું છે.