શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક :
આજે શ્રી રામકૃષ્ણ પરમહંસની પુણ્ય તિથિએ તેમના વિષે થોડું જાણીયે :
રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિવસે બંગાળ પ્રાંત સ્થિત કામારપુકુર ગામમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. ત્યાર બાદ તે તેમના મોટા ભાઈ રામકુમાર સાથે રહેતા. રામકૃષ્ણના મોટાભાઈ રામકુમારે કોલકાતામાં સંસ્કૃતની પાઠશાળા શરૂ કરી હતી. રામકૃષ્ણએ શરૂઆતમાં પુજારી ની ભૂમિકા પણ ભજવી છે. પુજારી તરીકે કાલી માતાની પુજા-અર્ચના તો આરંભી દીધી, પરંતુ એમના મનમાં સંખ્યાબંધ પ્રશ્નો તોફાન મચાવતા હતા. એમણે ખાનગીમાં કાલી માતાની પુજા કરીને તેને પ્રત્યક્ષ હાજર થવા કાકલૂદી કરવા માંડી. કહેવાય છે કે એક સવારે રામકૃષ્ણ મંદિરમાં ધ્યાન ધરતા એકલા બેઠા હતા ત્યારે એમણે દેવીની પ્રતિમામાંથી પ્રકાશ પૂંજ નીકળતો જોયો હતો. આ ઘટનાએ રામકૃષ્ણનું જીવન સમગ્રપણે બદલી નાંખ્યું અને તેઓ ભક્તિમાર્ગે સાચા હૃદયથી ચાલી નીકળ્યા.
રામકૃષ્ણએ એક મહાન હિન્દુ સંત, યોગી અને ભક્ત હતા. તેમના ચરિત્ર અને જીવનશૈલી દ્વારા લોકોને તેઓએ ઉપદેશ્ય સમજાવયા હતા. તેઓએ લોકોને એ સમજવ્યું કે ભગવાન એકલો છે અને એજ સત્ય છે બાકી બધુ જીવનમાં ગૌણ અને અસત્ય જ છે. ભગવાન પ્રત્યેની તેમની ભક્તિ સંપૂર્ણ અને અજોડ હતી. તેઓએ જીવનમાં માત્ર ભક્તિનો સાથ લઈ સંપૂર્ણ જીવન જીવયા હતા. તેમની ધર્મભક્તિ સર્વેથી કઈક અનોખી હતી. રામકૃષ્ણપરમહંસનું જીવન એ એક માર્ગ છે જેના થકી હિન્દુધર્મની ભક્તિ સમજાય સાથે ભગવનને મળવાનો પંથ દેખાય અને જીવનમાં સ્વના ગુણ , મૂલ્યો અને આદર્શો પારખી શકાય તેવી તેઓની ભક્તિ હતી.
તેઓ કહેતા કે દરેક જીવનું એક જ સર્વોચ્ચ ધ્યેય હોવું જોઈએ, ઈશ્વરનો પ્રત્યક્ષ સાક્ષાત્કાર કરવો. તેમને ધ્યાન, મનન અને મંથન કરતાં કરતાં સમજાયું કે બધા જ ધર્મ મૂળભૂત રીતે એક જ ઈશ્વર પ્રત્યે જવા માટેનો માર્ગ જ સૂચવે છે. એ રીતે બધા જ ધર્મ એકસમાન છે. એમનું ધ્યેય પણ એકસમાન છે, માત્ર દરેકનો માર્ગ જુદો જુદો છે.
રામકૃષ્ણ પરમહંસના આ વિચારો એમના શિષ્ય વિવેકાનંદને સૌથી વધારે સ્પર્શી ગયા હતા. સ્વામી વિવેકાનંદે આ વિચારો વધુ સ્પષ્ટ અને તાર્કિક રીતે સમગ્ર વિશ્વને પ્રબોધ્યા અને આખું વિશ્વ એમની સાથે આ વાતે સંમત થયું હતું.
રામકૃષ્ણ પરમહંસજી એમનું ભૌતિક શરીર ઓગસ્ટ ૧૬, ૧૮૮૬ના દિને છોડીને ૫૦ વર્ષનું આયુષ્ય ભોગવી પંચમહાભૂતમાં વિલીન થઇ ગયા.
તેઓના જીવનમાથી લોકો જો માત્ર થોડું પાલન કરે તો લોકોને નાસ્તિકને પણ આસ્તિક બની જાય. ધર્મ , તપ અને ધ્યેય આ ત્રણ વસ્તુ જીવનમાં અગત્યની છે. ધર્મ થકી ઈશ્વરનો સાક્ષાત્કાર થાય તપ થકી દિવ્યતાની અનુભૂતિ થાય અને ધ્યેય થકી વ્યક્તિ પોતાના જીવન લક્ષ્ય તરફ સદાય પ્રયાણ કરી શકે.