ભૌતિક વિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની બ્રિન્દા વ્યાસ યુ.કે.ની ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં રિસર્ચ માટે પસંદગી: યુવા સંશોધક મલય ઉદેશી સંશોધન માટે ફ્રાંસ જશે
રાજયની એકમાત્ર ‘એ’ ગ્રેડ યુનિવર્સિટી તેના ગ્રેડ મુજબ પર્ફોમન્સ કરવામાં સફળ રહી હોય એમ ભૌતિક શાસ્ત્ર ભવનના બે વિદ્યાર્થીની રીસર્ચ માટે યુકે અને ફ્રાંસ જવા પસંદગી થઈ છે. વિદ્યાર્થીની બ્રિન્દા વ્યાસ વિશ્ર્વ પ્રસિઘ્ધ ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં રીસર્ચ કરશે અને યુવા સંશોધક મલય ઉદેશી રીસર્ચ માટે ફ્રાંસ જશે. યુનિવર્સિટીના આ બંને તેજસ્વી તારલાઓની ઝગમગતી સિદ્ધિ બદલ શિક્ષણજગતમાં તેમની પ્રશંસા અને અભિનંદનની વર્ષા થઈ રહી છે.
તાજેતરમાં ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન કરતી છાત્રા કુ.બ્રિન્દા વ્યાસ કે જે નેનો વિજ્ઞાન ભવનના અધ્યક્ષ પ્રો.ડી.જી.કુબેરકરના માર્ગદર્શન હેઠળ ભૌતિકશાસ્ત્ર ભવનમાં સંશોધન કરે છે અને ભારતના સુપ્રખ્યાત ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના ‘ન્યુટ્રોન ફીફ્રેકશન’ સ્ટડીઝના સંશોધન પ્રકલ્પમાં સિનિયર રિસર્ચ ફેલો તરીકે સફળ કામગીરી બજાવે છે તેમની પસંદગી વિશ્ર્વની ટોચની ઓકસફોર્ડ યુનિવર્સિટી, યુ.કે.માં સપ્ટેમ્બર ૩-૧૫ યોજાનાર ૧૫મી ઓકસફોર્ડ સ્કૂલ ઓન ન્યુટ્રોન સ્કેટરીંગમાં તાલીમ માટે પસંદગી થયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દેશમાંથી માત્ર ૩ સંશોધકો અને ગુજરાત રાજયમાંથી એકમાત્ર કુ.બ્રિન્દા વ્યાસની પસંદગી આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોની સમિતિ મારફત કરવામાં આવેલ છે જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજય માટે ગૌરવપ્રદ ઘટના છે.
કુ.બ્રિન્દા જણાવે છે કે ઓકસફોર્ડ યુનિવર્સિટી ખાતે યોજાનાર તાલીમ શાળામાં ભાગ લેવા માટે તેમને ઓકસફોર્ડ યુનિવર્સિટી મારફત ભારતથી યુ.કે. આવવા-જવાનો ખર્ચ તથા યુ.કે.માં તમામ સુવિધાઓ નિ:શુલ્ક મળનાર છે અને તેમના સંશોધન કાર્યમાં તથા રાજયના ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન કરતા સંશોધકો માટે ખુબ જ ઉપયોગી તકનીકો જેવી કે ન્યુટ્રોન સ્કેટરીંગ, ડીફ્રેકશન, સ્પીન-ઈકો, એન્જિનીયરીંગ, ન્યુટ્રોન સોર્સીસ વગેરેની તાલીમ ૧૨ દિવસ મળવાની છે. ગુજરાત રાજયમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એકમાત્ર સંશોધકને વિશ્ર્વની ટોચની વિશ્ર્વ વિદ્યાલય મારફત સિલેકશન કરાતા ભૌતિક વિજ્ઞાનના સંશોધકો અને યુનિવર્સિટીના સતાધીશો દ્વારા કુ.બ્રિન્દાને અભિનંદન પાઠવાયેલ છે. જુલાઈ ૨૦૧૭ તા.૨ થી ૭ યુનિવર્સિટી ઓફ વર્સેલ્સ, ફ્રાંસ ખાતે યોજાનાર આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ‘રેડીએશન ઈફકટસ ઈન ઈન્સ્યુલેટસમાં ભૌતિક વિજ્ઞાનમાં સંશોધન કરતા યુવા સંશોધક મલય ઉદેશીના સંશોધન પત્રને સ્વીકૃતિ મળેલ છે અને તેમને ફ્રાંસ ખાતે ઉપસ્થિત રહી તેમના સંશોધન પત્ર રજુ કરવા આમંત્રણ મળેલ છે. ભૌતિકશાસત્ર ભવનનાં પ્રો.ડી.જી.કુબેરકરના સફળ માર્ગદર્શન હેઠળ પી.એચ.ડી. કરતા અને ભૌતિકશાસ્ત્ર ભવનની યુ.જી.સી.- બી.એસ.આર સિનીયર રિસર્ચ ફેલો તરીકે કામગીરી કરતા મલયના સંશોધનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ સ્વિકૃતિ અને આમંત્રણની સવિશેષ નોંધ લઈ ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી મારફત ઉદેશીને રાજકોટથી ફ્રાંસ આવવા-જવાનો તમામ ખર્ચ અનુદાન પેઠે મંજુર કરાયેલ છે.
ઉચી ઉર્જાના રેડીએશનનો મારો વિવિધ પદાર્થો ઉપર કરવાથી ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટીએ પદાર્થોના ગુણધર્મો અને ગુણવતામાં નોંધપાત્ર ફેરફારો થાય છે અને તે પ્રકારનું વિશ્ર્વસ્તરે અનેક સંશોધનો થઈ રહ્યા છે. જેમાં ભારત દેશના સંશોધકોનું પણ મહત્વનું પ્રદાન હોય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના યુવા સંશોધકે કરેલા આ પ્રકારના સંશોધનને ફ્રાંસ પરિસંવાદમાં વિશ્ર્વભરના વૈજ્ઞાનિકોની ઉપસ્થિતિમાં રજુ કરવાનો લાભ મળેલ છે જે અભિનંદનીય છે તેના માટે મલયના પરિવારજનો સર્વે નિતીનભાઈ ઉદેશી, અંજના ઉદેશી, કુમારી સેજલ ઉદેશી તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો.પ્રતાપસિંહ ચૌહાણ, કુલસચિવ ડો.ધીરેનભાઈ પંડયા તેમના માર્ગદર્શક અને નેનો વિજ્ઞાનના અધ્યક્ષ પ્રો.ડી.જી.કુબેરકર, ભૌતિકશાસ્ત્ર ભવનના પ્રો.એન.એ.શાહ અને અધ્યક્ષ પ્રો.હિરેન એચ.જોષી વગેરે શુભેચ્છા પાઠવેલ છે.