રિઝર્વ બેન્કની એક…બે…ને સાડા ત્રણ…
રૂ૧૦ના ચલણી સિકકા ચલણમાં હોવા છતાં મોરબીના ઈ-ધરા કેન્દ્રોમાં સિકકા સ્વિકારવામાં આવતા ન હોવાથી રીઝર્વ બેન્કના નિયમોમાં ભંગની સાથે પ્રજાજનોને હાલાકીનો ભોગ બનવુ પડતુ હોવાનું સામે આવ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ રૂ.૧૦માં ચલણી સિકકા ચલણમાં જ હોવાની રીઝર્વ બેન્કની સ્પષ્ટ જાહેરાત છતાં જિલ્લાના સમાહતો કે એટલે કે જિલ્લા કલેકટરની તાબા હેઠળની કચેરીઓમાં રૂ.૧૦ના સિકકા સ્વિકારતા ન હોવાની ચોંકાવનારી હકિકત સામે આવી છે. મોરબી તાલુકા સેવા સદનમાં આવેલા ઈ-ધરા કેન્દ્રોમાં ૭/૧૨, ૮-અના દાખલા લેવા આવતા પ્રજાજનો નિયત ફી પેટે જો રૂ.૧૦ના સિકકા આપે તો જાણે કોઈ ગુન્હો કર્યો હોય તેવું વર્તન કરી ઈ-ધરાના ઓપરેટરો રીઝર્વ બેન્કના ગવર્નર જેવો વર્તાવ કરી સિકકા સ્વિકારવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દે છે.
ઈ-ધરા કેન્દ્રમાં રૂ.૧૦ના સિકકાના અસ્વિકાર કરી રીઝર્વ બેન્કની સુચનાનો ભંગ કરતા ઈ-ધરા ઓપરેટરો અંગે ઈ-ધરા નાયબ મામલતદાર મારવાણીયાને ફરિયાદ કરતા તેમણે ઓપરેટરોનો લુલો બચાવ કરતા જણાવ્યું હતું કે અમને રૂ.૧૦ના સિકકા સ્વિકારીએ તો સામે પ્રજાજનોને છુટા પૈસા આપતી વખતે ‚રૂ.૧૦ના સિકકા લેવામાં આવતા નથી. આથી સિકકા નહીં સ્વિકારાતા હોવાનું જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે રીઝર્વ બેન્કનાં નિયમો મુજબ જો રૂ.૧૦ના ચલણી સિકકા સ્વિકારવાનો કોઈ ઈન્કાર કરે તો નિયમ ભંગ બદલ કાનુની કાર્યવાહી થઈ શકે છે પરંતુ અહીં તો કાનુનનાં રખેવાળો જ નિયમોનો ભંગ કરતા હોય પ્રજાજનોને ફરિયાદ કરવા કયાં જવું ? તે સવાલ સતાવે છે. જોકે મોરબી ઈ-ધરા કેન્દ્રના ખાનગી ઓપરેટરો અને ઈ-ધરા નાયબ મામલતદાર મારવાણીયાના રીઝર્વ બેન્કના નિયમોનો ઉલાળીયો કરતા વર્તન અંગે જાગૃત નાગરિક દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ સંજોગોમાં જિલ્લા કલેકટર હવે કેવા પગલા ભરે છે તે જોવું રહ્યું.