રાજયના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ શુક્રવારે નર્મદા ડેમની મુલાકાત લેતા ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે મા નર્મદાના વધામણાં કરી જળ પૂજન કર્યું હતુ. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, ગઈ રાતથી 1200 મેગાવોટ જળ વીજળીનું ઉત્પાદન શરૂ થયું છે. નર્મદા જળથી પાવન થતી ગુજરાત રાજય ભૂમિ માટે આનંદ અનુભવતા નીતિન પટેલે કહ્યુ કે, નર્મદા મુખ્ય કેનાલમાં 14,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહી નદીમાં 1,400 ક્યુસેક, સાબરમતી નદીમાં 300 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત મહેસાણા, બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતના બંધો અને નદીઓને પાણી મળશે.
નીતિન પટેલે વધુમાં કહ્યું કે, નર્મદા યોજના પાછળ રૂ.60,000 કરોડનો ખર્ચ થયો છે, હવે એના સારા પરિણામો માત્ર ગુજરાતને જ નહીં પરંતુ તમામ સહભાગી રાજયોને પણ થશે. નર્મદા યોજના થકી મધ્યપ્રદેશને વીજળી અને ગુજરાતની સાથોસાથ રાજસ્થાનને નર્મદાનું અમૃત જળ મળશે.