કેન્દ્ર સરકાર દ્વારા પર્યાવરણની રક્ષા અને લોકોને સરળ પરિવહન સેવા ઉપલબ્ધ થાય તેવા હેતુથી દેશના ૧૦ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોને ઇલેક્ટ્રિક બસો ફાળવવા માટે તૈયાર કરેલી એક ખાસ યોજના  FAME INDIA SCHEME PHASE-II  ( ફેમ ઇન્ડિયા સ્કીમ ફેઇઝ-૨ ) હેઠળ રાજકોટ મહાનગરપાલિકા માટે ૫૦ ઇલેક્ટ્રિક બસ મંજુર કરવામાં આવેલ છે, તેમ જણાવી માન. મેયર શ્રી બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ સરકારનો આભાર વ્યકત કર્યો.

કેન્દ્ર સરકારશ્રીના ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ક્લીન મોબિલીટી અને ઈ-મોબિલીટીને પ્રોત્સાહન અને તેનો વ્યાપ વધારવા માટે FAME (Faster Adaption and Manufacturing of Electric vehicles in India) India Scheme (Phase-II) હેઠળ લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપતા મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, દેશના ૨૬ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી કુલ ૧૪૯૮૮ ઇલેક્ટ્રિક બસ માટે કુલ ૮૬ દરખાસ્તો ડીપાર્ટમેન્ટ ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝને પ્રાપ્ત થઇ હતી. આ તમામ પ્રસ્તાવોના મૂલ્યાંકનને અંતે કેન્દ્ર સરકારશ્રીની પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન એન્ડ સેન્કશન કમિટી દ્વારા કુલ ૬૪ શહેરો/સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે કુલ ૫૦૯૫ ઈ-બસ મંજુર કરી છે. જેમાં રાજકોટ શહેર માટે ૫૦ ઈ-બસની મંજુરી આપવામાં આવેલ છે.

સરકારનો આભાર માનતા માન. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, આધુનિક જમાનાના મોડર્ન પબ્લિક ટ્રાન્સપોર્ટ સ્માર્ટ, સલામત, ટકાઉ અને આરામદાયક બની રહે તે જરૂરી છે. કેન્દ્ર સરકાર વાયુ પ્રદૂષણ પર અંકુશ મુકવા જે શ્રેણીબદ્ધ પગલાંઓ લઇ રહેલ છે તેમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર પણ વિશેષ ભાર મુકવામાં આવેલ છે અને તે અનુસંધાને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહયું  છે. જેનાથી આમજનતા પણ શહેરી વિસ્તારોમાં પોતાના અંગત વાહનોનો ઉપયોગ ક્રમશ: ઓછો કરે અને મોડર્ન પબ્લિક ટ્રાન્સપોર્ટનો વધુ ને વધુ ઉપયોગ કરે તેવા આશયથી શહેરોને ઇલેક્ટ્રિક બસો ફાળવવાની યોજના અપનાવેલી છે. જેના એક ભાગરૂપે National Electric Mobility Mission Plan 2020 હેઠળ ભારે ઉદ્યોગ ડીપાર્ટમેન્ટ દ્વારા FAME (Faster Adaption and Manufacturing of Electric vehicles in India) India Scheme (Phase-II) હેઠળ સને-૨૦૩૦ સુધીમાં ૧૦૦ ટકા ઇલેક્ટ્રિક વાહનોનો લક્ષ્યાંક નક્કી કરાયો છે અને તે અનુસંધાને શહેરોને FAME-II scheme  હેઠળ કુલ આશરે ૭૦૦૦ ઈ-બસ બસો ફાળવવાનો ઈરાદો રાખવામાં આવેલ છે.

કેન્દ્ર સરકારની પ્રોજેક્ટ ઈમ્પલીમેન્ટેશન એન્ડ સેન્કશન કમિટી દ્વારા રાજકોટ માટે ૫૦ ઇલેક્ટ્રિક બસ સહિતે કુલ ૬૪ શહેરો/સ્ટેટ ટ્રાન્સપોર્ટ માટે જે કુલ ૫૦૯૫ ઈ-બસ મંજુર કરી છે તેના નિર્ધારિત પરિવહન પીરીયડ દરમ્યાન દેશમાં આ તમામ બસ કુલ ૪ અબજ કિલોમીટરનો રન કાપશે અને આશરે કુલ ૧.૨ અબજ લીટર ઈંધણની બચત થશે. જેના પરિણામ સ્વરૂપે કુલ ૨.૬ મિલિયન ટન જેટલી માત્રામાં કાર્બન ઉત્સર્જન ઘટશે તેવી અપેક્ષા છે.

તેઓએ એમ પણ ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દસ લાખથી વધુ વસતિ ધરાવતા શહેરોને ઇલેક્ટ્રિક બસ આપવા દેશભરમાંથી દરખાસ્ત (Expression of Interest)  મંગાવવામાં આવ્યા બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ઇલેક્ટ્રિક બસ માટે તા. ૧૬-૭-૨૦૧૯ ના રોજ એપ્લાય કરેલ. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની પરિવહન સેવામાં નવી ૫૦ ઇલેક્ટ્રિક બસ સામેલ થઇ શકશે અને સરકારની આ યોજનાના પરિણામ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાના તંત્રને રૂ. ૨૫ કરોડથી વધારે બચત થશે. હાલના તબક્કે રાજકોટ મહાનગરપાલિકા ઉપરોક્ત નવી ૫૦ ઈ-બસ પૈકી ૫ બસ બી.આર.ટી.એસ. માટે અને ૪૫ બસ સિટી બસ સેવામાં સામેલ કરવાનું વિચારી રહી છે. દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા પણ CMUBS હેઠા બી.આર.ટી.એસ. અને સિટી બસ સેવામાં પ્રતિ કિ..મી. રૂ.૧૨.૫૦/-ની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

અત્રે એ ખાસ નોંધનીય બની રહેશે કે, રાજકોટ મહાનગરપાલિકા પાસે નવી આવનારી ૫૦ ઈ-બસ માટે આજી ચોકડી, રૈયા ચોકડી, ગોંડલ ચોકડી અને એરપોર્ટ પાસે એમ કુલ ચાર સ્થળે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે અને આ બસના ચાર્જીંગ માટે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ. સાથે ચર્ચા વિચારણા પણ પૂર્ણ કરેલ છે અને પર્યાપ્ત વિજળી પૂરવઠા સપ્લાય માટે પી.જી.વી.સી.એલ. પાસેથી ખાતરી પણ મળી છે તેમ, માન. મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી અને મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.