કવાંટમાં સતત બીજા દિવસે ૧૧॥ ઈંચ વરસાદી જળબંબાકાર જેવી સ્થિતિ: કુકરમુંડામાં ૮, જેતપુર,પાવી અને નિજારમાં ૭, નસવાડીમાં ૬, ધનપુર, ગોધરા, દાહોદમાં ૫ ઈંચ વરસાદ
બંગાળની ખાડીમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. બે દિવસી પૂર્વ મધ્ય ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. છોટા ઉદેપુરના કવાંટમાં બુધવારે ૧૧ ઈંચ જેટલો વરસાદ વરસી ગયા બાદ ગઈકાલે ગુરૂવારે વધુ ૧૧॥ ઈંચ વરસાદ વરસ્તા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવા પામી છે. છોટા ઉદેપુરમાં જાણે આભ નિચોવાયું હોય તેમ છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩॥ ઈંચ જેટલો વરસાદ પડયો છે. આજે સવારી રાજ્યના ૧૫૩ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો હોવાના અહેવાલ મળી રહ્યાં છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૯ જિલ્લાના ૧૬૮ તાલુકામાં વરસાદ પડયો છે. સૌથી વધુ વરસાદ છોટા ઉદેપુરમાં ૩૩૬ મીમી એટલે કે, ૧૩॥ ઈંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત કવાંટમાં ૧૧॥ ઈંચ, તાપીના કુકરમુંડામાં ૮ ઈંચ, જેતપુર પાવીમાં ૭ ઈંચ, નીજારમાં ૭ ઈંચ, નસવાડીમાં ૬ ઈંચ, ધનપુર, ગોધરા અને દાહોદમાં ૫ ઈંચ, સંજેલી, દેવગઢ બારૈયા, લીમખેડા, જાંબુઘોડા, વિજયનગર, ડેડીયાપાડા, ફતેપુરામાં ૪ ઈંચ, સુબીર, સિંગવડ, ડભોઈ, બોડેલી, સાગબારા, શહેરા, કડાણામાં ૪ ઈંચ, ગરબાડા, ઉછલ, માંગરોળ, હાલોલ, મોરવાહડફમાં ૩ ઈંચ, ગુરુડેશ્ર્વર, સોનગઢ, સનખેડા, જાલોદ, નેત્રાંગ, તિલકવાડામાં ૨॥ ઈંચ, વડોદરા, નાડોદ, કપરાડા, માંડવી, વઘોડીયા, ઘોઘાંબા, કલોલમાં ૨ ઈંચ જેટલો વરસાદ પડયો છે.
રાજ્યમાં આજ સુધીમાં ચોમાસાની સીઝનનો કુલ ૬૬.૪૦ ટકા વરસાદ પડી ગયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૯૩.૨૬ ટકા પડયો છે. જ્યારે સૌથી ઓછો કચ્છ રિઝીયનમાં માત્ર ૩૫.૯૮ ટકા જ પડયો છે. ઉત્તર ગુજરાતમાં ૩૯.૭૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૬૩.૫૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૯.૫૮ ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આજી બે દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.