વિઠ્ઠલભાઈ રાદડિયાનાં નિધન બાદ સહકારી ક્ષેત્રમાં પડેલો ખાલીપો જલ્દી પુરાય જશે !
ધારાસભ્ય બન્યાં બાદ પોણા બે વર્ષમાં અરવિંદ રૈયાણીએ ૩૧ સહકારી મંડળી અને જુથ મંડળીઓ પર કબજો જમાવ્યો: ખેડુતોનાં ભોગે પોતાનું અંગત હિત સાચવતા કહેવાતા આગેવાનોનું એક ચક્રિય શાસન ધરાશાયી કર્યું: આગામી દિવસોમાં માર્કેટીંગ યાર્ડમાં પણ ‘રૈયાણી રાજ’ની સંભાવના
લોકપ્રિય નગરસેવક બાદ જાગૃત ધારાસભ્ય તરીકે ઉભરેલા અરવિંદ રૈયાણી હવે સૌરાષ્ટ્રમાં એક કદાવર ખેડુત નેતા કે સહકારી આગેવાન તરીકે પોતાની અલગ જ છબી બનાવી રહ્યા છ
લડાયક અને કદાવર ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાને સહકારી ક્ષેત્રનાં ભિષ્મ પિતામહ કહેવામાં આવતા હતા તેઓનાં નિધન બાદ સહકારી જગતમાં કદી ન પુરાય તેવો ખાલીપો પડયો છે તે વાત નિશ્ર્ચિત છે પરંતુ જે રીતે પોણા બે વર્ષ દરમિયાન રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીએ સહકારી ક્ષેત્રમાં પોતાનું સામ્રાજય જમાવ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં સૌરાષ્ટ્રનાં સહકારી ક્ષેત્રનાં નવા ભિષ્મ પિતામહ અરવિંદ રૈયાણી બની રહેશે. ધારાસભ્ય બન્યાનાં પોણા બે વર્ષમાં તેઓએ અલગ-અલગ ૩૧ જુથ સહકારી મંડળી અને સહકારી મંડળી પર કબજો જમાવ્યો છે. આટલું જ નહીં ખેડુતોનાં ભોગે પોતાનું અંગત હિત સાચવતા કહેવાતા આગેવાનોનું એક ચક્રિય શાસન તોડયું છે અને ખરાઅર્થમાં ખેડુત નેતા તરીકે ઉભરી રહ્યા છે. આગામી દિવસોમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ રૈયાણીરાજ આવે તેવી શકયતા હાલ કોઈપણ સંજોગોમાં નકારી શકાય તેમ નથી.
૨૦૧૭માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે યુવા ચહેરા પર ભરોસો મુકી રાજકોટ પૂર્વ બેઠક પરથી અરવિંદભાઈ રૈયાણીને ટીકીટ આપી હતી. પક્ષનો આ નિર્ણય સફળ થયો હતો. કોંગ્રેસ પાસેથી આ બેઠક આંચકી લેવામાં અરવિંદભાઈ રૈયાણી સફળ રહ્યા હતા. એક જાગૃત ધારાસભ્ય, નગરસેવક ઉપરાંત તેઓ હવે ખેડુત નેતા તરીકે પણ ઉભરી રહ્યા છે. ધારાસભ્ય તરીકેનાં પોણા બે વર્ષનાં ટુંકા કાર્યકાળમાં તેઓએ અલગ-અલગ ૩૧ જેટલી જુથ સહકારી મંડળી અને સહકારી મંડળી પર કબજો જમાવ્યો છે. તેઓની નજર હજી અનેક સહકારી મંડળીઓ પર છે. ૧૭ ખોટી સહકારી મંડળી જે માત્ર હાલ કાગળ પર ધમધમી રહી છે તેનાં પણ પાટી-દફતર પેક કરાવવાની તેઓએ આયોજનબઘ્ધ રીતે ગોઠવણ કરી છે. અરવિંદભાઈ રૈયાણીએ કુવાડવા સહકારી જુથ ખેડુત મંડળી, ત્રંબા સહકારી ખેડુત જુથ મંડળી ઉપરાંત ખેરડી સહકારી ખેડુત મંડળી, ખીજડીયા સહકારી ખેડુત મંડળી, જારીયા સહકારી ખેડુત મંડળી, ગઢકા સહકારી ખેડુત મંડળી, તરઘડીયા સહકારી ખેડુત મંડળી , સણોસરા સહકારી ખેડુત મંડળી , મઘરવાડા સહકારી ખેડુત મંડળી , મેસાવડા સહકારી ખેડુત મંડળી, સોખડા સહકારી ખેડુત મંડળી અને ગૌરીદડ સહકારી ખેડુત મંડળી સહિત ૩૧ મંડળીઓ પર કબજો મેળવ્યો છે. આ પૈકી મોટાભાગની મંડળી પર રાજકોટ જિલ્લાનાં કહેવાતા ૨ ખેડુત નેતાઓ એક ચક્રિય શાસન ચલાવતા હતા જેઓ ખેડુતોને લાભ થાય તેવું એક પણ કામ કરતા ન હતા. માત્રને માત્ર પોતાનું અંગત હિત સચવાય તે વાત પર પુરું ધ્યાન આપતા હતા.
૩૧ જુથ સહકારી મંડળી અને સહકારી મંડળી પર કબજો મેળવ્યા બાદ ધારાસભ્ય અરવિંદ રૈયાણી હજી હાથ પર હાથ રાખી બેસી રહેવાના મુડમાં નથી. ખેડુતોને એક પણ પ્રકારનો લાભ ન આપતી સહકારી મંડળીઓને ખરાઅર્થમાં ખેડુતલક્ષી બનાવવા માટેનો લક્ષ્યાંક તેઓએ રાખ્યો છે. આગામી દિવસોમાં પણ જિલ્લાની અલગ-અલગ સહકારી મંડળી પોતાના હસ્તગત કરવાનો તેઓ ખેલ પાડશે. જિલ્લામાં ૧૭ સહકારી મંડળી એવી છે કે જે ખેડુતલક્ષી એક પણ કામગીરી કરતી નથી અને માત્ર કાગળ પર જ ધમધમે છે આવી ખોટી મંડળીઓ પર જિલ્લા રજીસ્ટ્રારનાં પુરા હાથ હોવાની પણ સંભાવના છે જેનાં કારણે મંડળીઓની માન્યતા રદ કરવામાં આવતી નથી. આ મંડળીઓનો પણ ધ એન્ડ કરાવવાની તેઓએ પેરવી કરી છે.
રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં વિઠ્ઠલભાઈ રાદડિયાને સહકારી ક્ષેત્રનાં રાજા કહેવામાં આવતા હતા. તેઓનાં નિધન બાદ એવો સવાલ ઉભા થવા માંડયા હતા કે શું વિઠ્ઠલભાઈનાં નિધન બાદ સૌરાષ્ટ્રનું સહકારી ક્ષેત્ર ઓશિયાળુ થઈ જશે પરંતુ હાલ જે રીતે ખેડુતોનાં હામી બની ધારાસભ્ય અરવિંદ રૈયાણી સહકારી ક્ષેત્ર પર પોતાનું સામ્રાજય જમાવી રહ્યા છે તે પરથી એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં રૈયાણી સૌરાષ્ટ્રનાં સહકારી ક્ષેત્રનાં નવા ભિષ્મ પિતામહ બની ઉભરી આવશે. જે રીતે તેઓએ એક કુશળ રાજનેતાની માફક જિલ્લાની ૩૧ સહકારી મંડળીઓ પર કબજો જમાવ્યો છે તે જોતાં હાલ એવું લાગી રહ્યું છે કે, આગામી દિવસોમાં રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ રૈયાણી રાજ આવશે અથવા પડદા પાછળ તેઓની ભૂમિકા ખુબ મોટી રહેશે. છેલ્લી બે ટર્મથી તેઓ નગરસેવક તરીકે વોર્ડ નં.૫ની અભૂતપૂર્વ સેવા કરી રહ્યા છે. પોણા બે વર્ષનાં ધારાસભ્ય તરીકેનાં કાર્યકાળ દરમિયાન તેઓ લોકસેવક તરીકે ઉભરી આવ્યા છે. સહકારી ક્ષેત્રમાં જે રીતે રૈયાણીનું વર્ચસ્વ વધી રહ્યું છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે, સહકારી જગતમાં વિઠ્ઠલભાઈનાં જવાથી જે ખાલીપો સર્જાયો છે તે ખુબ જ ઝડપથી દુર થઈ જશે અને સૌરાષ્ટ્રને એક યુવા ખેડુત નેતા મળશે.