ચેક એન્ડ મેટ: ૧૦૦થી વધુ ભાઈઓ-બહેનોએ રમી ચેસની ચાલ
૭ રાઉન્ડમાં સ્પર્ધા : પસંદગી પામેલા વિજેતા ખેલાડી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં રમશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ ચેસ સ્પર્ધાનો આજથી પ્રારંભ થયો છે.યુનિવર્સિટી સલગ્ન હરિવંદના કોલેજમાં ચેસ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ઉદ્ઘાટન પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, શારીરિક શિક્ષણ નિયામક ડો.ધીરેન પંડ્યા અને હરિવંદના કોલેજના ટ્રસ્ટી મહેશ ચૌહાણ અને સર્વેશ્વર ચૌહાણ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને ૭ રાઉન્ડમાં સ્પર્ધા રમાડવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે , આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધાનો પ્રારંભ થયો છે જેમાં હરિવંદના કોલેજમાં આજે ચેસ સ્પર્ધા યોજાઈ છે જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને જેનું પર્ફોમન્સ ખૂબ જ સારું હશે તેને આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં રમવા આગળ મોકલીશું
ચેસ રમવા આવેલા સર્વોદય કોલેજના કશ્યપ રાઠોડએ જણાવ્યું હતું કે પ્રથમ વખત મૈં આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો છે મને વિશ્વાસ છે કે આજે સારો દેખાવ કરીને હું આંતર યુનિવર્સિટી સ્પર્ધામાં ભાગ લઈ યુનિવર્સિટીનું ગૌરવ વધારીશ.
હરિવંદના કોલેજની વિદ્યાર્થીની ચાવડા પ્રિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું એમએસ.સી.આઇટી માં અભ્યાસ કરું છું. મેં સતત ચોથી વખત આંતર કોલેજ ચેસ સ્પર્ધામાં ભાગ લીધો છે. અગાઉ એક વાર આંતર યુનિવર્સિટીની સ્પર્ધામાં રમવા પસંદગી પામી હતી અને આ વર્ષે પણ હું સારો દેખાવ કરીશ અને નેશનલ લેવલે રમવા જવાનું મારું સ્વપ્ન છે.