આ સત્રમાં ૨૮૦ કલાક ચાલેલી લોકસભાની કાર્યવાહીમાં ૩૬ ખરડાઓ પસાર થયા
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં મોદી સરકારે ભાર બહુમતી સાથે બીજી વખત સત્તાના સુત્રો હસ્તગત કર્યા હતા. મોદી સરકારના બીજા કાર્યકાળનું લોકસભાનું પ્રથમ સત્ર માટે સફળ રહેવા પામ્યું છે. જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી કલમ ૩૭૦ને રદ કરવાનાં ખરડાને ગઈકાલ મોડીસાંજે મંજૂરી આપ્યા બાદ લોકસભાના સત્રને મોદી સરકાર દ્વારા સ્થગીત થયેલું જાહેર કરવામાં આવ્યું હતુ તે પહેલા આ સત્રની ફળશ્રુતિ ગણાવતા સ્પીકર ઓમ બિરલાએ આ સત્રને ૧૯૫૨ બાદના સૌથી સફળ સત્ર જણાવ્યું હતુ. મોદી સરકારના બીજા કાર્યકાળના ૧૭મી લોકસભાના પ્રથમ સત્રનો ૧૭ જૂને પ્રારંભ થયો હતો. ૨૬ જુલાઈ સુધી ચાલનારા આ સત્રને અનેક ખરડાઓ રજૂ કરવાના બાકી હોય ૭ ઓગષ્ટ સુધી લંબાવવામાં આવ્યું હતુ આશરે દોઢેક માસ સુધી આ સત્રમાં ૩૭ બેઠકો યોજાઈ હતી આ અંગેની વિગતો આપતા બિરલાએ જણાવ્યું હતુ કે આ ૩૭ બેઠકોમાં ૨૮૦ કલાક કામકાજ થયું હતુ જેમાં ૩૬ ખરડાઓને મંજૂરી આપવામાં આવી હતી. જયારે ૩૩ ખરડાઓને રજૂ કરવામાં આવ્યા હતા જેને હજુ મંજૂરી મળવાની બાકી છે.
લોકસભા આ સત્ર દરમ્યાન ૭૫ કલાક જેટલો સમય મોડી સાંજે કે રાત્રી સુધી કામકાજ થયું હતુ તેમ જણાવીને બિરલાએ ઉમેર્યું હતુ કે શુન્ય કાળ દરમ્યાન ૧,૦૮૬ મુદાઓને નવ સાંસદોએ ઉપસ્થિત કર્યા હતા. શુન્ય કાળ દરમ્યાન ૨૬૫ નવા સાંસદોમાંથી ૨૨૯ સાંસદોને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની તક મળી હતી જયારે ૪૬ મહિલા સાંસદોમાંથી ૪૨ મહિલા સાંસદોને પણ શુન્યકાળ દરમ્યાન બોલવાની તક મળી હતી.
સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ લોકસભાને સ્થગિત કરવાની વિનંતી કરતી વખતે આ સત્રમાં ૯૯ ટકા કામગીરી થઈ શકયાનો સંતોષ વ્યકત કર્યો હતો.