હવે તમારે કોઈપણ પેમેન્ટ ચુકવવા માટે કાર્ડ બતાવવાનું જરૂર નહીં પડે, કેમ કે તમારે દર વખતે એક જ નંબર નાખવાનો રહેશે. આ વ્યવસ્થાને શરૂ કરવા માટે RBIએ નવો નિયમ અમલમાં મૂક્યો છે. RBI નવા નિયમ હેઠળ કોઈપણ લેવડ-દેવડ માટે ક્રેડિટ-ડેબિટ કાર્ડની માહિતી આપવી નહીં પડે.
કોઈપણ પેમેન્ટ માટે તમારી બેંક એક ટોકન નંબર જારી કરશે અને તે ટોકન દ્વારા ટ્રાન્ઝેક્શન થઈ જશે. નવા સિસ્ટમમાં તમારા કાર્ડની વિગતને વિશેષ કોડ એટલે કે ટોકનમાં તબદીલ કરવામાં આવશે. કોઈ થર્ડ પાર્ટી એપ કે વેબસાઈટને કાર્ડની વિગતની જગ્યાએ માત્ર ટોકન નંબર આપવાનો રહેશે.
ટોકન આવવાથી કોઈ એપ કે વેબસાઈટ પર કાર્ડની વિગત સંગ્રહ થવાનો ખતરો પણ રહેશે નહીં. આ ઉપરાંત પીઓએસ અને ક્યૂઆર કોડ દ્વારા પણ પેમેન્ટમાં ટોકનનો ઉપયોગ થઈ શકશે. તમામ પેમેન્ટ માટે જુદા જુદા ટોકન જારી થશે અને તે માટે તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ પણ ચૂકવવો પડશે નહીં.
ટોકન સિસ્ટમ લાગુ થવાથી તમારા ક્રેડિટ-ડેબિટ કાર્ડનો અસલી નંબર કોઈને ખબર પડશે નહીં, એટલું જ નહીં બેંક કર્મચારીની પણ તમારો ક્રેડિટ-ડેબિટ કાર્ડનો અસલી નંબર ખબર પડશે નહીં અને જો કોઈ ગડબડી થાય તો ટ્રાન્ઝેક્શન માટે કાર્ડ પેમેન્ટ કંપનીઓ જવાબદાર રહેશે.
જોકે હાલ આ ટોકન નંબર મોબાઈલ ફોન અને ટેબલેટ ઉપર જ ઉપલબ્ધ થશે. ફીડબેક મળ્યા બાદ આ નવી સિસ્ટમ અન્ય ડિવાઈસો પર પણ લાગુ કરવામાં આવશે. ટોકન સિસ્ટમની સાથે પિન જેવી વ્યવસ્થા પણ લાગુ રહેશે.