દરેક વિર્દ્યાથીને કુટુંબ દીઠ વૃક્ષનો છોડ અપાયો
રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઈ ત્રિવેદી એન્જીનીયરીંગ કોલેજમાં ૩ ઓગસ્ટના રોજ અનોખી રીતે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતાનું ઉષ્માભેર સ્વાગત કરી કીટ અને સ્વામી વિવેકાનંદનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવની થીમ ચાલો વૃક્ષો વાવીએ અંતર્ગત પ્રવેશ લીધેલ દરેક વિદ્યાર્થીને કુટુંબ દીઠ વૃક્ષનો છોડ આપવામાં આવ્યો હતો. તેમજ ચાર વર્ષ દરમિયાન કોલેજ દ્વારા વિદ્યાર્થીનું જતન અને તેમના માતા-પિતા દ્વારા છોડ વાવી વૃક્ષનું જતન કરવામાં આવશે તેવી ખાતરી લેવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી શિવરાજસિંહ રાયજાદા જેમણે ઇસરોમાં રીસર્ચ સાયન્ટીસ તરીકે પોતાની ફરજ નિભાવી તેમજ ચંદ્રયાન-૨, રીસેટ-૨, અને નિસાર સેટેલાઈટમાં કોમ્યુનીકેશન એન્ટેનાના ડિઝાઈનીંગ અને એપ્લીકેશનમાં કામ કરી ચુક્યા છે તેમને પોતાનો કોલેજ દરમિયાનનો અનુભવ, સ્ટાફ મિત્રોનો ડગલે ને પગલે સહયોગ તેમજ ઇસરોમાં પોતાનો અનુભવ વર્ણવી નવા વિદ્યાર્થીઓ તેમજ તેઓના માતાપિતાને ખુબ જ પ્રોત્સાહિત કર્યા હતા. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીના છેલ્લા જાહેર થયેલા પરિણામ મુજબ એસએલટીઆઈઈટીના ત્રણ વિદ્યાર્થી યશ વાધવાની, નિકુંજ નાગરીયા, અને ચોબે વિકાસ એ ૧૦ માંથી ૧૦ એસપીઆઈ મેળવ્યા હતા તેઓને કોલેજ દ્વારા પુરસ્કાર સ્વરૂપે ચેક આપવામાં આવ્યો હતો. આમ પ્રવેશોત્સવના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓના માતાપિતાને વૃક્ષારોપણની અપીલ કરી રાષ્ટ્રગાનથી કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી હતી.