મહારાષ્ટ્રમાં મુંબઈ, પૂણે, નાસિક સહિત છ જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો હતો ત્યારે મુંબઈમાં સાર્વત્રિક જે સરેરાશ વરસાદ પડતો હોય છે તેની સરખામણીમાં ચોમાસું અડધે પહોંચતા જ વરસાદ ૧૨૦ ટકાએ પહોંચ્યો છે. સમગ્ર દેશમાં ભારે વરસાદનાં કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલું છે ત્યારે હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં વધુ વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. શાળા-કોલેજો મહારાષ્ટ્રનાં અનેક જિલ્લાઓમાં બંધ રાખવા તાકીદ પણ કરવામાં આવી છે. મુંબઇમાં સતત ૩૦ કલાકથી વરસાદ પડી રહ્યો છે. ૨૪ કલાકમાં ૨૮૮ મિમી વરસાદ નોંધાયો. તેના લીધે સાંતાક્રૂઝ સહિત ૮ વિસ્તારોના ૪૦ લાખ લોકો પ્રભાવિત થયા હતા. ટ્રેક પર પાણી ભરાઈ જતાં ૬ ટ્રેન રદ કરાઈ હતી. ૨૪ ટ્રેનોના રુટ બદલવામાં આવ્યા હતા અને ટ્રેનો મોડી પડી હતી. સાયન અને કુર્લા વચ્ચે રેલવે ટ્રેક ડૂબી જવાથી ચાર રેલવે લાઈન પર સવારે સાડા સાત વાગ્યે બંધ રહી હતી. સમુદ્રમાં બીજા દિવસે ૧૬ ફૂટ ઊંચા મોજા ઊછળ્યાં હતાં. મીઠી નદી જોખમની સ્તરે વહી રહી હતી. આ વિસ્તારના ૪૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં રવિવારે પણ વરસાદનો કહેર જારી રહ્યો હતો. મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં રવિવારે મુસળધાર વરસાદને પગલે અનેક સ્થળે ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. કુરલામાં ફસાયેલા ૪૦૦ લોકોને બચાવાયા હતા. પૂણેમાં એનડીઆરએફની ટીમે એક હોસ્પિટલમાંથી ૫૦ દર્દી અને સ્ટાફના લોકો સહિત ૨૦૦ લોકોને રેસ્ક્યુ કર્યા હતા. નાસિકમાં ગોદાવરી નદીમાં પુર આવતા કાંઠાના અનેક મંદિર ડૂબી ગયા છે. મુંબઈમાં કરંટ લાગવાથી બે લોકો મૃત્યુ પામ્યા. ગોરેગાંવમાં લેન્ડસ્લાઈડી ૪ ઘવાયા હતા. થાણેમાં નેવી અને આર્મીના જવાનો બચાવ કામગીરી કરી રહ્યાં છે. જ્યાં નંદુખડી ગામ અને પાલઘરી ૭૩ લોકોને એરલિફ્ટ કરાયા હતા. પૂણે અને થાણેમાં ૭૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા હતા. હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘરમાં સોમવાર સુધી રેડ એલર્ટ જાહેર કર્યુ છે. લોકોને કહ્યું કે તે ઘરોથી ના નીકળે. મહારાષ્ટ્રમાં કૃષ્ણા નદી જોખમી સ્તરે વહેતા કર્ણાટકના ત્રણ જિલ્લામાં એલર્ટ જાહેર કરાયું. મહારાષ્ટ્ર ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરાઇ હતી.