વેરાવળ ખાતે વૃક્ષ ઉછેર જતનમાં સહયોગી થનાર વૃક્ષપ્રેમીઓનું સન્માન કરાયુ
ગીર સોમનાથ જિલ્લાને વધુ હરિયાળો બનાવવા વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પટાંગણમાં જિલ્લાકલાના ૭૦મા વનમહોત્સવની રાજ્ય બિજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી. ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના અધ્યક્ષ મેધજીભાઈ કણઝારીયાની પ્રેરક ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે સંસ્કૃત યુનિ.ના પટાંગણમાં વૃક્ષારોપણ કરી નિશૂલ્ક રોપા વિતરણ માટેના વૃક્ષ રથને લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
સામાજીક વનીકરણ વિભાગ ગીર સોમનાથ દ્રારા આયોજીત આ વન મહોત્સવમાં રાજ્યબીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવાએ લોકોને વૃક્ષા રોપણ કરી તેનો ઉછેર કરવા અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સોમનાથ દરિયાપટ્ટીના વિસ્તારમાં હરીહર વન કાર્યરત હોવાની સાથો સાથ તે વન લીલોતરીથી ભરપુર છે. દરિયાપટ્ટીના વિસ્તારમાં પણ સારી રીતે વૃક્ષનું જતન કરી તેનો ઉછેર કરી શકાય તેનું ઉત્તમ ઉદારહણ હરીહર વન છે. ગીર સોમનાથ જિલ્લાના સમુદ્ર વિસ્તાર નજીક આવેલ ખેતરો આજે નાળીયેરી, મગફળી અને ફળફળાડીના વૃક્ષોથી છલકાય છે. ગ્રામ્ય ઉધોગ બજાર નિગમના ચેરમેન કણઝારીયાએ ગુજરાત સરકારની વનવિભાગની જુદી-જુદી યોજનાઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૪ થી ગુજરાતમાં વન મહોત્સવની ઉજવણી વ્યાપક બને તે અંતર્ગત વૃક્ષોથી ભરપુર વન બનાવવાની શરૂઆત કરી હતી. વન મહોત્સવમાં આજે ગુજરાત મોખરે છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગ્રીન ગુજરાત ક્લીન ગુજરાતનું સુત્ર આપી રાજ્યભરમાં નવી પહેલ શરૂ કરી છે.
વ્યકિગત બે હજાર વધુ વૃક્ષ વાવેતર કરનાર વૃક્ષપ્રેમીને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા. જેમા માણાવદરના ઝીંઝરી ગામના પ્રદીપભાઈ ભાલોડીયાને ૩ હજાર વૃક્ષ, માણાવદરના લીંબુડા ગામના હમીરભાઈ રાઠોડે ૨૧૦૦ વૃક્ષ અને સુત્રાપાડાના ભુવાટીંબીના સવદાસભાઈ ડોડીયાએ બે હજાર વૃક્ષનું વાવેતર કરતા તેઓનું બહુમાન કરાયું હતું. ૧૦,૦૦૦ વૃક્ષોનું વાવેતર કરનાર દિનેશભાઈનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત રામભાઈ જોટવા, ઉકાભાઈ જોટવા, સરમણભાઈ નંદાણીયા, ભરતભાઈ નંદાણીયા, મુળુભાઈ સોલંકી અને કેશુરભાઈ નંદાણીયાનું પણ સન્માન કરાયું હતું.
તેમજ વન્યપ્રાણી વિસ્તારમાં વન્યપ્રાણીની અવરજવર રહેતી હોય જેથી આવા વિસ્તારના લોકો માટે સરકાર દ્રારા ફાળવેલ મંચાણ અને નર્સરીના જતન માટે ઉનાના જાદવભાઈ ભગવાનને રૂા.૧૩૪૮૦, મહિલા કલ્યાણ કેન્દ્ર ઉનાને રૂા.૧૭૪૬૭, પ્રભાસ પાટણના ખોડાભાઈ ડાભીને રૂા.૮ હજાર, રાણાભાઈ ભોળાને રૂા.૮૮૦૦, વરજાંગભાઈ બામરોટીયાને રૂા.૯૬૦૦ અને કાળાભાઈ ચભાડને રૂા.૯૬૦૦નો મહાનુભાવોના હસ્તે ચેક અર્પણ કરાયા હતા. આ વન મહોત્સવમાં કે.કે.મોરી પ્રા.શાળાની વિધાર્થીનીઓએ સ્વાગત ગીત, ગર્લ્સ હાઈસ્કુલની વિધાર્થીની હેતષ્વી ભમ્મરે વૃક્ષનું મહત્વ અને જતન વિશે વ્યકત્વય, યુનિક પ્રા.શાળાના વિધાર્થીઓએ પર્યાવરણ બચાવના સંદેશ સાથે પર્યાવરણ નૃત્ય ગીત અને કે.કે.મોરી હાઈસ્કુલની વિધાર્થી દેવેન ડાભીએ પર્યાવરણ અંગે તેમના વિચારો વ્યક્ત કર્યા હતા. દર વર્ષે ૧૦ હજાર વૃક્ષનો ઉછેર કરતા પર્યાવરણ પ્રેમી દિનેશભાઈ ગૌસ્વામીનું પણ બહુમાન કરાયું હતું.