કમિટીમાં પાંચ સભ્યોની નિમણૂંક: કમિટી જિલ્લા કલેકટરને રિપોર્ટ કરશે
લોકમેળામાં સ્ટોલ-પ્લોટનું રિફંડ આપવાનું શરૂ, એલોટમેન્ટ લેટર સોમવારી અપાશે: હાથથી ચાલતી નાની ચકરડી માટે આજી ફોર્મ વિતરણ શરૂ, ૯મી સુધી ફોર્મની પ્રક્રિયા ચાલશે
લોકમેળામાં રાઈડ્સના વકરેલા વિવાદના પગલે જિલ્લા કલેકટરે કમીટીની રચના કરી છે જેમાં ૫ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. આ પાંચ સભ્યોની ટીમ રિપોર્ટ તૈયાર કરીને જિલ્લા કલેકટરને સુપ્રત કરવાની હોવાનું જાણવા મળ્યું છે.
લોકમેળામાં રાઈડ્સની પરવાનગી માટે જે ચેકલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે તેમાં અશકય લાગતી વિગતો માંગવામાં આવી હોવાનો રાઈડ્સ સંચાલકોએ આક્ષેપ કરીને હરરાજીમાં ભાગ લીધો ન હતો. જેના પગલે હરરાજી મોકુફ રાખવી પડી હતી. આજ રીતે સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમીના લોકમેળા તેમજ વિવિધ પાર્કોમાં આવેલી રાઈડ્સ સંદર્ભે વિવાદ ઈ રહ્યો છે. ત્યારે રાઈડ્સ સંચાલકો દ્વારા હાઈકોર્ટમાં રીટ પર દાખલ કરાઈ હતી. ત્યારે હાઈકોર્ટે એવો ચુકાદો આપ્યો કે, રાઈડ્સ સંચાલકો પ્રશાસન સમક્ષ લોકોની સેફટી અને સિક્યુરીટી માટેની બાહેધરી આપે અને સરકાર આ ફન રાઈડ્સનું ફરી ચેકિંગ કરે ત્યારે જો લોકોની સુરક્ષાને જોખમ ન હોય તો રાઈડ્સની પરમિશન અટકાવી શકાય નહીં.
એક દૂર્ઘટનાના પરિણામે ખાનગી મેળાઓ ઉપર પ્રતિબંધ લાદી દેવો ગેરકાયદેસર અને લોકોના મૂળભૂત અધિકાર પર તરાપ હોવાનું પણ હાઈકોર્ટે જણાવ્યું હતું. વધુમાં આ વિવાદ મામલે જિલ્લા કલેકટરે એક કમીટીની રચના કરી છે જેમાં સભ્ય તરીકે ડી.એમ.પટેલ, બી.જે.ઠેબા, જે.જે દલવાડીયા, મિરાજ સરધારા, સુનિલ સોનીગ્રાની નિમણૂંક કરાઈ છે.