સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળનારી ફાયનાન્સ – એસ્ટેટની બેઠકનો એજન્ડા જાહેર કરાયો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૫ ઓગસ્ટના મળનારી ફાયનાન્સ અને એસ્ટેટની બેઠકનો એજન્ડા જાહેર થઈ ચૂક્યો છે. સ્વિમિંગ પુલમાં રૂ.૧.૩૧ કરોડનો વધારાનો ખર્ચ અને ટ્રાન્ઝીસ્ટ હાઉસમાં રૂ.૪૪ લાખના એક્સેસ ખર્ચ મામલે એસ્ટેટની બેઠકમાં નિર્ણય લેવાશે. જ્યારે આંકડાશાસ્ત્ર ભવનમાં આર.લેન્ગ્વેજના નવા સોફ્ટવેર માટે રૂ.૩.૫૦ લાખના ખર્ચ ઉપરાંતની ખરીદી માટેનો નિર્ણય ફાયનાન્સની બેઠકમાં લેવાશે.
યુનિવર્સિટીમાં ૫ ઓગસ્ટના સવારે ૧૧:૩૦ વાગ્યે ફાયનાન્સ કમિટી અને બપોરે ૩ વાગ્યે એસ્ટેટ કમિટીની બેઠક મળશે. જેમાં એસ્ટેટમાં સૌથી મહત્વના આંતરરાષ્ટ્રીય સ્વિમિંગ પુલ કમ શુટીંગ રેન્જના વધારાના ખર્ચ મામલે નિર્ણય લેવાશે. સ્વિમિંગ પુલનો કુલ ખર્ચ રૂ.૮ કરોડ હતો. જેમાં રૂ.૧.૩૧ કરોડનો ખર્ચ વધી ગયો અને ઇન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસમાં કુલ રૂ.૨.૮૬ કરોડ ઉપરાંત રૂ.૪૪ લાખનો ખર્ચ થતાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરાયું. ખર્ચ વધારા માટે નબળા પ્લાનિંગ માટે જવાબદાર પ્રોજેકટ મેનેજમેન્ટ કમિટીના કમલેશ પારેખને ઠપકો આપવામાં આવ્યો અને તેમની પાસેથી પ્રોજેકટ મેનેજમેન્ટની જવાબદારી લઈ હવે ૬ આર્કિટેક્ટની પેનલ બનાવી કામ કરાવવાનું નક્કી કરાયું છે.
ફાયનાન્સ કમિટીની બેઠકમાં નર્મદા હોસ્ટેલમાં ૬૦ સ્ટીલના બેડની ખરીદી માટે રૂ.૩.૩૦ લાખ, સિન્ડિકેટ હોલમાં સિન્ડિકેટ સભ્યો માટે ૨૨ રીવોલ્વીંગ ચેરની ખરીદીનો રૂ.૨.૧૦ લાખનો ખર્ચ પણ મૂકવામાં આવશે. જ્યારે આંકડાશાસ્ત્ર ભવનમાં સ્માર્ટ ઈ.ડી. ક્લાસરુમ રેડિફાઇન્ડ નામના સોફ્ટવેરની ખરીદી માટે રૂ.૩.૫૦ લાખનો ખર્ચ પણ મંજૂર થશે. આ સોફ્ટવેરથી વર્ગખંડમાં પ્રેઝન્ટેશન, લેક્ચર્સ અને ટુ વેરેકોર્ડિંગની સવલત છાત્રો માટે ઉપલબ્ધ બનશે. આ સાથે જ હોમસાયન્સ ભવનમાં ૩૦ બેન્ચની ખરીદી માટેનો નિર્ણય લેવાશે. જોકે એસ્ટેટની બેઠકમાં સ્વિમિંગ પુલમાં વધારાના રૂ.૧.૩૧ કરોડના ખર્ચ મામલે ધમાસાણ મચશે એ નક્કી છે.