અસરગ્રસ્તોને જીવન જરૂરી તમામ સાધન-સહાય તાત્કાલિક મળી રહેશે તેવી બાંહેધરી આપી
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજરોજ અતિવૃષ્ટિગ્રસ્ત વડોદરા ખાતે જિલ્લા કલેકટર સાથે બેઠક કરી હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. કંટ્રોલરૂમની મુલાકાત લીધી હતી તેમજ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ જાતમાહિતી મેળવી હતી.
વાઘાણીએ ભાજપા સરકારની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ૩૬ કલાકથી ખુદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ સતત નિરીક્ષણ કરી રહ્યા છે અને અધિકારીઓને, તંત્રને સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપી રહ્યા છે. તંત્ર દ્વારા પણ સંવેદનશીલ અભિગમ દાખવી, રાત-દિવસ સતત કાર્યરત રહી લોકોની મુશ્કેલીઓ દૂર કરવાના ભગીરથ પ્રયાસ કર્યા છે, જે અભિનંદનને પાત્ર છે.
વાઘાણી જણાવ્યું હતું કે, આ કુદરતી આપત્તિમાં તંત્રની સાથે સહયોગ સાધી ભાજપાના તમામ અગ્રણીઓ તથા કાર્યકરોએ પણ માનવસેવા કાજે ખડે પગે રહી અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈ પોતાનાથી બનતી તમામ મદદ પૂરી પાડવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. ભાજપાના સ્થાનિક વોર્ડની ટીમો દ્વારા છેલ્લા બે દિવસથી દૂધ, ખીચડી, બિસ્કીટ, સુકો નાસ્તો તેમજ જરૂરિયાતની વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવે છે. જીવના જોખમે પણ ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓએ કરેલા સેવાયજ્ઞ બદલ વડોદરા શહેર અને જીલ્લા ભાજપા ટીમને પણ અભિનંદન આપું છું.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજે વડોદરા શહેરના પુર અસરગ્રસ્ત વિસ્તાર મુજમહુડા, અકોટા,પેંશનપુરા વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન કેડ સમા પાણીમાં ફરીને તેઓ વિસ્તારના અસરગ્રસ્તોને મળ્યા તેમજ અસરગ્રસ્તોને જીવન જરૂરી તમામ સાધન-સહાય તાત્કાલિક મળી રહેશે તેની બાંહેધરી આપી હતી.
પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી સાથે રાજ્યના મંત્રી યોગેશભાઈ પટેલ, પ્રદેશ મહામંત્રી શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, મેયર શ્રીમતી જીગીશાબેન શેઠ, ડેપ્યુટી મેયર જીવરાજભાઈ ચૌહાણ, પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર, કોર્પોરેટર સહિત પદાધિકારીશ્રીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.