રાષ્ટ્રસંત પૂજય નમ્રમુનિ મહારાજ સાહેબનાં શ્રીમુખેથી દીક્ષામંત્ર સ્વીકારનારા બે નવદીક્ષિતા મહાસતીજીઓ પૂજય પરમ સમાધિજી મહાસતીજી, પૂજય પરમ પ્રભુતાજી મહાસતીજીનાં ઉગ્ર માસક્ષમણ તપસ્યા પારણાનું આયોજન આગામી શનિવારે ૩/૮/૨૦૧૯નાં રોજ પારસધામ, ૧૨/૨એ બકુલ બગાન રો, લેન્ડસ ડાઉન માર્કેટ પાસે, કોલકતા ખાતે સવારે ૧૦:૩૦ કલાકે કરવામાં આવ્યું છે.
જૈન ધર્મનાં ધાર્મિક ગ્રંથો-આગમના દશવૈકાલિક સુત્રમાં આવતા આ ભાવો કહે છે કે, અહિંસા, સંયમ અને તપ યુકત ધર્મમાં જેનું મન સદાય સંલગ્ન રહે છે, તે ધર્માત્માને દેવો પણ નમસ્કાર કરે છે. પંચમ આ કાળમાં પૂર્ણ અહિંસા યુકત સંયમ ધર્મ સ્વીકારનાર સંતો તો શ્રેષ્ઠ છે જ પરંતુ આવા સંયમ જીવનમાં જયારે તપની સાધના ભળે છે ત્યારે સંયમ સ્વીકારતી વખતે જે કર્મોનાં ભુકકા બોલાવવાનું લક્ષ્ય હોય તે સિઘ્ધ થતું હોય છે. ૩૦ દિવસ સુધી અન્નો એક દાણો પણ મોઢામાં ન નાખતા સુર્યોદયથી સુર્યાસ્ત સુધી માત્ર ઉકાળેલું પાણી ગ્રહણ કરીને ઉપવાસ કરવા તે જૈન દર્શનમાં કઠિન તપ કહેવાય છે પરંતુ અડગ મનોબળવાળા આ સાઘ્વીરત્નાઓને ગુરુકૃપાથી કઠિન પણ આસાન અનુભવાય છે.
શાસન સેવાના લક્ષ્યથી ૫ વર્ષ ૬ મહિના પહેલા દીક્ષિત થયેલા પૂજય પરમ સમાધિજી મહાસતીજી (ઉ.૩૪ વર્ષ), ૧ વર્ષ ૬ મહિના પહેલા દીક્ષિત થયેલા અને માત્ર ૨૨ વર્ષની વયે, ઉંમરમાં નાના પરંતુ સંકલ્પમાં નિષ્ઠાવાન એવા પૂજય પરમ પ્રભુતાજી મહાસતીજી આ બંને તપસ્વી સાઘ્વી રત્નાઓની તપ સાધનાથી સંઘનો ઉત્સાહ અને થનગનાટ ઉત્કૃષ્ટાને આંબી રહ્યો છે.
પારસધામનાં આંગણને તપસ્વીઓનાં તપની ભકિતનાં સુરોથી રેલાવા માટે માત્ર કોલકતાનાં ભાવિકો નહીં પરંતુ મુંબઈ, અમદાવાદ આવા અનેક ક્ષેત્રોથી ભાવિકો આવીને આખાય કોલકતાના ભાવિકોને અનુમોદનાનાં ભાવોમાં અલમસ્ત કરવા સાંજીની અનેરી રમઝટ બોલાવી રહ્યા છે. અનુમોદના અનંતા અંતરાયને અનુકૂળતામાં બદલી શકે છે. સર્વેને આ પ્રસંગે પારસધામ સંઘ તરફથી પધારવા અનુરોધ કરાયો છે.