સ્વામી વિવેકાનંદનાં શિકાગો પ્રવચનનાં ૧૨૫ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાનાં જાણીતા વકતાઓ વકતવ્ય આપશે
સ્વામી વિવેકાનંદજીએ ૧૨૫ વર્ષ પહેલા ૧૮૯૩માં શિકાગોમાં સર્વ પ્રથમ ધર્મ પરીષદમાં અભૂતપૂર્વ વ્યાખ્યાન આપ્યું હતું તેની ૧૨૫મી જયંતિની ઉજવણીનાં ભાગરૂપે રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા એક નેશનલ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વામી વિવેકાનંદ અને તેમનાં શિકાગો પ્રવચન વિષય પર એક દિવસીય પરિસંવાદનું આયોજન ૪ ઓગસ્ટનાં રોજ સવારનાં ૮:૩૦ થી સાંજના ૬ સુધી વિવેક હોલમાં યોજવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી પધારેલા મહાનુભાવો સ્વામી વિવેકાનંદનાં શિકાગો પ્રવચન સંબંધી વિષયો પર પોતાના વકતવ્યો આપશે. જેમાં વડોદરાનાં રાજમાતા અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનાં ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડ સેમિનારનું ઉદઘાટન કરશે. રામકૃષ્ણ મઠ અને મિશન બેલુરનાં આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી બલભદ્રનંદજી મહારાજ આ સેમિનારનું મુખ્ય વકતવ્ય આપશે. સાથો સાથ ઓડિયો વિઝયુઅલ પ્રેઝન્ટેશન પણ રાખવામાં આવ્યા છે.
આ સેમિનારનાં વકતાઓ વિશે માહિતી આપતા રામકૃષ્ણ આશ્રમ રાજકોટનાં અધ્યક્ષ સ્વામી નિખિલેશ્ર્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આ એક દિવસીય પરિસંવાદનાં અન્ય વકતાઓમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલર ડો.નિતીનકુમાર એમ.પેથાણી, સ્વામી નરસિંહાનંદજી, સ્વામી આત્મશ્રદ્ધાનંદજી સ્વામી, પંડિત રવિશંકર શુકલ, ડો.ઓમપ્રકાશ વર્મા, વિનાયક લોહાની, ગુજરાતી લેખિકા અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરનાં પૂર્વ સલાહકાર જયોતિબેન થાનકી, વડોદરાનાં ડો.જયેશ શાહ, શરદ સાગર, ડો.સુનીતાસિંહ સેન ગુપ્તા વકતવ્ય આપશે. રામકૃષ્ઠ મઠ અને રામકૃષ્ણ મિશનના સાધુ, સ્વામી નરસિંહાનંદજી સ્વામી વિવેકાનંદ દ્વારા ૧૮૯૬માં શરૂ થયેલ સામાજિક વિજ્ઞાન અને માનવતાનાં અંગ્રેજી માસિક જર્નલ, પ્રબુદ્ધ ભારતનાં સંપાદક છે. તેમણે વિવેકાનંદ રીડર નામના સ્વામી વિવેકાનંદના ઉપદેશોનું સંપાદન કર્યું છે.
જયારે આત્મશ્રદ્ધાનંદજી ૧૯૮૯માં તેના બેંગ્લોર સેન્ટરમાં રામકૃષ્ણ મઠનાં હુકમમાં જોડાયા હતા અને ૧૯૯૯માં તેમનું અંતિમ સંન્યાસ વ્રત મેળવ્યું હતું. તેમણે ૧૩ વર્ષ રામકૃષ્ણ મઠનાં બેંગ્લોર અને મૈસુર કેન્દ્રોમાં ગાળ્યા હતા ઉપરાંત બેલુર મઠમાં બે વર્ષ ૨૦૦૪ થી ૨૦૧૬ સુધી તેઓ ચેન્નાઈ રામકૃષ્ણ મઠમાં હતા જયાં તેઓ એક સદીથી સાંસ્કૃતિક અને આઘ્યાત્મિક માસિક ધ વેદાંત કેસરીનાં સંપાદક હતા. સ્વામિ નિખિલેશ્ર્વરાનંદજીએ જણાવ્યું હતું કે, આ સેમીનારમાં ભાગ લેવા માટેની વિગતો માટે રામકૃષ્ણ આશ્રમ રાજકોટની વેબસાઈટ અથવા રામકૃષ્ણ આશ્રમનાં ફોન નં.૯૩૨૮૮ ૫૯૭૧૯ ઉપર સંપર્ક કરવો. સેમીનારનાં દિવસે સવારે સાડા નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી સમગ્ર સેમીનારનું રામકૃષ્ણ આશ્રમની વેબસાઈટ પરથી લાઈવ બ્રોડકાસ્ટ પણ થશે.