બાઇક પર આવેલા શખ્સોએ કારમાં તોડફોડ કરી છરી બતાવી રૂા.૧.૭૦ લાખની લૂંટ ચલાવી ફરાર
પૂર્વ કચ્છના ભચાઉ નજીક ગત મોડીરાતે શિવ શક્તિ સોલ્ટના માલિકની કારને અટકાવી પાંચ શખ્સોએ છરી બતાવી રૂા.૧.૭૦ લાખની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આદિપુર રહેતા અને ભચાઉ પાસે દરિયા કિનારે શિવ શક્તિ સોલ્ટ નામનું કારખાનું ધરાવતા રમેશભાઇ ગોવિંદભાઇ ચાવડાએ રૂા.૧.૭૦ લાખ રોકડા અને મોબાઇલની બાઇક પર આવેલા પાંચ શખ્સોએ લૂંટ ચલાવ્યાની ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
રમેશભાઇ ચાવડા ગઇકાલે ગાંધીધામ રિધ્ધી સિધ્ધી કોમ્પ્લેક્ષમાં આવેલી પોતાની ઓફિસે આવ્યા હતા બાદ પોતાના મિત્ર મહેન્દ્રભાઇ ભાનુંશાળીની જી.જે.૧૨સીપી. ૭૬૫૫ નંબરની સિયાઝ કારના આગળના ખાનામાં રૂા.૧.૭૦ લાખ રોકડા લઇને કારખાને મજુરોને ચુકવવા માટે નીકળ્યા હતા.
કાર ભચાઉ નજીક સર્વિસ રોડ પર આવેલા કુમાર બ્રધર્સ પેટ્રોલ પંપ પાસે પહોચ્યા ત્યારે બે બાઇક પર આવેલા પાંચ અજાણ્યા શખ્સોએ છુટ્ટો પથ્થર મારી કાર ઉભી રખાવી કારમાં ધોકા મારી નુકસાન કર્યા બાદ સફેદ પેન્ટ અને બ્લેક શર્ટ પહેરેલા શખ્સ કારમાં આવી ખિસ્સાની તપાસ કરી મોબાઇલ લઇ લીધા બાદ કારના ખાનામાં રાખેલા રૂા.૧.૭૦ લાખ રોકડાની લૂંટ ચલાવી ભાગી ગયા બાદ ભચાઉ પાસે મઢુલી હોટલ ધરાવતા પોતાના મિત્ર જયપાલસિંહને સાથે લઇ ભચાઉ પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવી હતી. પાંચેય લૂંટારા આશરે ૨૦ થી ૨૫ વર્ષની ઉમરના હોવાનું અને બે બાઇક પૈકી એક લાલ કલરનું પ્લસર હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.આઇ. બી.એસ.સુથાર સહિતના સ્ટાફે પાંચેય શખ્સો સામે લૂંટનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.