બીએપીએસ સ્વામીનારાયણ મંદિરે યોજાયો તેજસ્વીતા સત્કાર સમારોહ યોજાયો: સફળ ઉદ્યોગપતિ, અધિકારીઓ સો પ્રશ્ર્નોતરી-પરિસંવાદ
બી. એ. પી. એસ. સ્વામિનારાયણ મંદિર કાલાવડ રોડ, દ્વારા પ્રતિ વર્ષ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે અનેક પ્રેરણાદાયી પરિવર્તનશીલ કાર્યક્રમોનું આયોજન થઇ રહ્યું છે. દરેક વિદ્યાર્થી પોતાના માતા-પિતા અને શિક્ષકોની મહેનતનું ધારેલું પરિણામ લાવી શકે તે માટે ખૂબ મહેનત કરતો હોય છે અને તેમની આ મહેનત પરીક્ષાના પરિણામ સ્વરૂપે પ્રાપ્ત થતી હોય છે. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે પરીક્ષામાં ઝળહળતું પરિણામ પ્રાપ્ત કરેલા તેજસ્વી તારલાઓને બિરદાવવામાં આવતા હોય છે. આ વર્ષે પણ વિદ્યાર્થીઓના પરિણામને બિરદાવવા અને પ્રેરણા-પ્રોત્સાહન પૂરું પાડવા માટે તેજસ્વીતા સત્કાર સમારોહનું વિશિષ્ટ આયોજન કરવામાં આવેલું હતું.
રવિસભામાં યોજાયેલ આ સમારોહમાં મંદિરના સંતોની સાથે શહેરના અગ્રણી અધિકારીઓ અને મહાનુભાવો પણ વિદ્યાર્થીઓને બિરદાવવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
જેમાં શહેર ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, એમ.એલ.એ. ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, અગ્રણી શિક્ષકવિદ અને લેખક ભદ્રાયુભાઈ વછરાજાની, અગ્રણી ઉદ્યોગપતિ મૌલેશભાઈ ઉકાણી, સર્વોદય સ્કુલ સંચાલક ભરતભાઈ ગાજીપરા, એડીશનલ કલેકટર પરિમલભાઈ પંડયા, એસ.પી. બલરામ મીના, નિતીનભાઈ હાપાણી ઉપસ્થિત રહ્યા હતા.
આ તકે અગ્રણી શિક્ષકવિદ અને લેખક ભદ્રાયુભાઈ વછરાજાનીએ પરિવાર-એક પાઠશાળા વિષય પર માર્ગદર્શન પાઠવ્યું હતું જેમાં તેઓએ કોષીય જન્મ, ભૌતિક જન્મ, સાંવેગીક જન્મ અને સામાજિક જન્મ દ્વારા જીવનમાં પરિવારની અગત્યતા સમજાવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો પાસેથી પ્રશ્નોતરી-પરિસંવાદના માધ્યમ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત કર્યું હતું જેમાં મૌલેશભાઈએ જણાવ્યું કે, નાના મોટાનાં વિચારો છોડીને દરેક જગ્યાએથી સારું શીખવાની ભાવના જ આપણને ઉચ્ચતમ બનાવે છે.શ્રી ભરતભાઈએ માત્ર માર્કશીટ માટે અભ્યાસ કરવા કરતાં સંસ્કારના ઘડતરથી બાળક સક્ષમ બને છે કહી સંસ્કારની શિક્ષણમાં અગત્યતા જણાવી હતી.
સમારોહના અંતમાં પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આપણું સંતાન – ઉદ્યાન કે રેગીસ્તાન વિષયક ખૂબ સુંદર માર્ગદર્શન પાઠવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે,સંતાનને સદાચારી બનાવવા માટે વિજ્ઞાન નહી પરંતુ અધ્યાત્મ આવશ્યક છે.સંતાનને શારીરિક રોગની રસી સાથે સંસ્કાર અને સદાચારની રસી મુકાવીએ. સંતાનોની મિત્રતા મંદિરો સાથે કરાવીએ. સંતાનને સંતોનો અને શાસ્ત્રોનો સંગ કરાવીએ. અંતમાં ધોરણ ૧ થી ૧૨માં જ્વલંત સફળતા પ્રાપ્ત કરેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા. સમારોહના અંતે ઉપસ્થિત મહાનુભાવોને પણ રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી અને સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ સત્કાર્યા હતા.