શહેરમાં ઘરેલું હિંસાના બનાવમાં ચિંતાજનક વધારો! માત્ર સાત માસમાં શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ
રંગીલા રાજકોટની છાપ ધરાવતા શહેરમાં સ્ત્રી, યુવતી અને બાળાઓ અસુરક્ષિત: સાત માસમાં પોલીસ ચોપડે દુષ્કર્મના ૨૦ ગુના નોંધાયા
રાજય સરકાર દ્વારા સ્ત્રીઓને પુરૂષ સમોવડી બનાવવા અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. અને સ્ત્રીઓને તમામ ક્ષેત્રમાં તક આપવામાં આવી રહી છે. ત્યારે રંગીલા રાજકોટમાં ઘરેલું હિંસાના બનાવમાં ચિંતાજનક વધારો થતા અને સાત માસમાં સ્ત્રી, યુવતી અને સગીર બાળાઓ પર દુષ્કર્મની ૨૦ જેટલી ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સભ્ય સમાજ માટે શરમજનક બાબત સામે આવી છે.
શહેરના મહિલા પોલીસ મથકમાં છેલ્લા સાત માસમાં સ્ત્રી અત્યાચારના ૮૦ જેટલા ગુના નોંધાયા છે અને ૨૦ જેટલી મહિલા, યુવતી અને સગીર બાળાના શિયલ લૂંટાયાની ઘટના પોલીસમાં નોંધાવા પામી છે.
ઘરેલું હિસાના બનાવ પાછળ તજજ્ઞોના મતે પછાત વિસ્તારમાં શિક્ષણનો અભાવ, આર્થિક સંકડામણ અને પુરૂષની કુટેવ જવાબદાર ગણાવવમાં આવી રહ્યું જ્યારે શહેરના પોશ વિસ્તારમાં અને સુશિક્ષિત સભ્ય સમાજમાં સ્ત્રી અત્યાચારના બનાવ પાછળ પારિવારીક મિલકત અને પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જવાબદાર ગણાવવામાં આવી છે.
પછાત વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી બદી ઘર કરી ગઇ હોવાથી આર્થિક અને સામાજીક રીતે પાયમાલ બનેલા પરિવારમાં અનેક પ્રકારની મુશ્કેલીના કારણે દંપત્તી વચ્ચે નાની નાની બાબતે ઝઘડા થતા હોય છે. પુરૂષો નશીલા પાદાર્થના સેવન કરી પોતાની મુશ્કેલી ભુલવા પ્રયાસ કરે છે જ્યારે સ્ત્રી પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા મજુરી અને ઘરકામ કરી બાળકોના ભરણપોષણની જવાબદારી ઉઠાતી હોવાથી દંપત્તી વચ્ચે ઝઘડાનું પ્રમાણ વધે તે સ્વભાવીક બાબત છે.
ભણેલી-ગણેલી સ્ત્રી પોતાના પર થતા અત્યાચાર મુગા મોઢે સહન ન કરી પોતાના પર થતા શારીરિક અને માનસિક ત્રાસ સામે અવાજ ઉઠાવી સાસરીયાઓને પાઠ ભણાવવા કાયદાનો સહારો ના છુટકે લઇ એક સમયના પોતાના જ એવા પતિ સહિતના સાસરીયા સામે લડી ન્યાય મેળવવા પ્રયાસ કરે છે.
સભ્ય સમાજમાં પારિવારીક મિલકત અને દેખાદેખી તેમજ પશ્ર્ચિમી સંસ્કૃતિના અનુકરણના કારણે ઘરેલું હિંસાના બનાવમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો હોવાનું જાણકારો કહી રહ્યા છે. એકંદરે પછાત અને સુશિક્ષિત પરિવાર બંનેમાં સ્ત્રી અત્યાચારની ઘટના રોજીંદી બની ગઇ છે.
એકવીસમી સદીના ડિઝીટલ યુગમાં પણ જ્ઞાતિના રીત રિવાજ અને પરંપરાના કારણે પણ અનેક મુશ્કેલી સર્જાતી હોવાથી ભણેલી યુવતીને સાસરીયામાં સેટ થવું ઘણું કપરૂ બનવાના કારણે પણ કેટલાક બનાવ પોલીસ સુધી પહોચ્યા છે.
સ્ત્રી અત્યાચારની જેમ રાજકોટમાં સ્ત્રીની સુરક્ષા બાબતે પણ અનેક સવાલ ઉઠવા પામ્યા છે. માત્ર સાત માસમાં જ ૨૦ જેટલી મહિલા, યુવતી અને સગીર બાળાઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યાની ઘટના પોલીસમાં નોંધાઇ છે.
દુષ્કર્મની ઘટના પાછળ પ્રેમ પ્રકરણ, આર્થિક ભીસ અને પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. સગીર ઉમરે પ્રેમના વહેમમાં ઘર છોડીને ભાગતી સગીર બાળાનું સર્વસ્વ લૂંટાયા બાદ પોતે કયાંય મોઢુ બતાવવા લાયક ન રહ્યાની ભાન થયા ત્યારે ઘણું મોડુ થયું હોય છે અને જીંદગી ટૂંકાવવા સિવાઇ કોઇ માર્ગ તેની પાસે રહેતો નથી તેમ પરિવારનું ગુજરાન ચલાવવા કેટલીક પરિણીત મહિલાઓએ પણ પરપુરૂષ સાથે અનૈતિક સંબંધને પ્રાધાન્ય આપી વણનોતરી મુશ્કેલીનો સમનો કરવો પડે છે. મોબાઇલ, ટીવી અને ફિલ્મીમાં દર્શાવવામાં આવતા ઉતેજીત દ્રશ્યો તેમજ અભદ્ર એપ્લીકેશન પણ બળાત્કારની ઘટના પાછ્ળ જવાબદાર ગણવામાં આવી રહ્યા છે.