ચોમાસુ માનવ સમાજને જ સારી કે બૂરી રીતે સ્પર્શી શકે એવું નથી હોતું, તે પશુધન અને તેમના આવાસ પાંજરાપોળોને પણ સ્પર્શી શકે: સાવધાની આવશ્યક!
પવિત્ર શ્રાવણ મહિનો હવે હાથવેંતમાં છે. તે ભારતીય સંસ્કૃતિની વધુમાં વધુ નીકટ હોવાની માન્યતા છે. ભારતની મોટા ભાગની પ્રજા મૂળભૂત રીતે પાપ અને પૂણ્યમાં માને છે. એ ધર્મપ્રિય અને ધર્મભીરૂ પણ છે. તે શુકન-અપશુકનમાં પણ માને છે. અને મૂર્હૂતોમાં પણ માને છે. સત્કર્મ અને દુષ્કર્મની વ્યાખ્યાઓ પણ જાણે છે. કોઈ પણ દેશનો રાજા મેઘરાજા જેવો પવિત્ર, નિષ્પાપ અને પ્રજાવત્સલ હોવો ઘટે, એ પ્રણાલી રાજાઓએ અને પ્રજાએ સ્વીકારી જ છે. ‘મેઘ’ને રાજાના રાજાનું બીરૂદ અપાયું છે.
મેઘરાજાને મેઘની મહેર કરવાની પ્રાર્થના શોભે.
ધરતીને તરબોળ કરી દે એટલો વરસાદ વરસાવવાની આજીજી શોભે. અન્નનો વિપુલ પાક નીપજાવી આપવાની વિનંતિઓ શોભે.
વરૂણ દેવતા એમના વ્હાલના અનરાધાર ફૂવારા દેશના ખૂણેખૂણે ઉભરાવે એવી દયા ખોળા પાથરી પાથરીને યાચીએ, એ પણ શોભે.
પરંતુ, હે મેઘરાજા ! એવી વર્ષા કરો કે વિપુલ અન્નની સાથે કેટલાક વૈષ્ણવજન પણ નીપજે એવી પ્રાર્થના આશ્ર્ચર્ય ઉપજાવે તેવી છે!
ઈન્દ્રલોકમાં કે એમની દિવ્યોત્તમ અમરાપુરી અર્થાંત સ્વર્ગમાં પ્રત્યેક કામગીરી જુદાજુદા દેવતાઓને સોંપી દેવાની પધ્ધતિ હોવાનું આપણે જાણી શકયા છીએ. એ જોતા મેઘરાજા વરૂણદેવની ફરજમાં વૈષ્ણવજનો નીપજાવવાની કામગીરી આવતી નથી એટલે ઉપરોકત પ્રાર્થના આશ્ર્ચર્યજનક બની રહે છે!
અહી બીજુ આશ્ર્ચર્ય એ વાતમાં પણ છે કે અમરાપુરીમાં ભાષાનું માધ્યમ સંસ્કૃત ભાષા જ હોઈ શકે.
ભાષા એ સંસ્કૃતિનું વાહન છે. અને સાહિત્ય સંસ્કૃતિનું દર્પણ છે.
ભારત જેવા અનેકભાષી, અનેક ધર્મી અને ભૌગોલિક વિવિધતા ધરાવતા દેશના ગૌરવભર્યા ઈતિહાસ તથા સનાતન સંસ્કૃતિના ખમતીધર ભાતીગળ પોતાને વહન કરવા માટે એવી જ સુંદર, સુદ્દઢ વિકાસશીલ તેમજ લાલિત્યપૂર્ણ દેહસૌષ્ઠવયુકત ભાષા જ કામ લાગે. સદીઓ સુધી વિસ્તરેલી ભારતીય સંસ્કૃતિના તાણાવાણાને ગૂંથવાનું અને સુદ્દઢ કરવાનું કામ સંસ્કૃત ભાષાએ જ કર્યું છે.
સંસ્કૃત એ ભારતીય સર્વપ્રથમ રાષ્ટ્રભાષા હતી. સોળસો સત્તરસો વર્ષ સુધી આવું ઉન્નત સ્થાન સંસ્કૃત ભાષાએ ભોગવ્યું હતુ વળી એની દ્રઢ શ્રધ્ધા બુનિયાદીમાંથી અર્વાચીન ભારતની અનેક ભાષાઓ જન્મી, એના શબ્દ ભંડોળના સહારે એ બધી વિકસી, તથા તે બધી આજે સ્વતંત્ર વ્યકિતત્વ ધારણ કરીને ભારતના અનેક પ્રદેશોની પ્રજાના જીવન વ્યવહાર સરળ બનાવી રહી છે. રાષ્ટ્રભાષા તરીકેનું મહત્વ ગુમાવ્યે ૬૦૦-૭૦૦ વર્ષ થયા છતા હજી સંસ્કૃત વિવિદ ભાષાઓની માળાને મેરૂની હેસિયતથી સાંકળી રહી છે. એક ભાષા તરીકે આવો ગૌરવપૂર્ણ ઈતિહાસ વિશ્વની કોઈ ભાષાને મળ્યો નથી.
સંસ્કૃત એ ભારતીય વિધાનું પાયાનું તત્વ છે. એના અભ્યાસ વિનાનું ભારતીય શિક્ષણ અધૂરૂ પડે છે. અમાં કોઈ શક નથી.
વિચારની ચિંતનની, સંશોધનની ભાષા સંસ્કૃત જ છે. એની અવગણના કરવી એ પ્રમાણીક સંશોધનના હાર્દ ઉપર ઘશ કરવા બરબાર છે.
વળી સંસ્કૃત સાહિત્યના પોષણમાંથી જ ભારતીય સાહિત્યના વર્તમાન પ્રવાહોનું સર્જન થયું છે. વેદની ઋચાઓ, મહાકાવ્યો, સ્મૃતિઓ, પુરાણો, ધર્મશાસ્ત્રો, સંસ્કૃત ભાષાના અને સંસ્કૃત સાહિત્યના અંગભૂત તત્વો સત્વો છે. સંસ્કૃત આપણને આપણા ભવ્ય ભૂતકાળનો પરિચય કરાવે છે.
જયોતિષવિજ્ઞાન ગણિતશાસ્ત્ર, ઔષધશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, રાજનીતિ શાસ્ત્ર વગેરેનો ભારતીય ખજાનો સંસ્કૃતને જ આભારી છે.
સંસ્કૃત ભાષાનું મહત્વ ખોઈ નાખીને આપણા દેશે ઘણુ ગુમાવ્યું છે. ગાંધીજીએ તો એટલે સુધી કહ્યું છે કે, ‘સંસ્કૃત નથી જાણતો એવો કોઈપણ શિક્ષીત ભારતીય કહેવડાવવાને લાયક નથી’
સંસ્કૃત ભાષા વિના ભારતીય સંસ્કૃતિ એની અસલિયત ખોઈ બેઠી છે.
અહી એવો કટાક્ષ કરી શકાય તેમ છે કે, મેઘરાજાને પૂરતા વરસાદની વિપુલ અન્નનીને કેટલાક વૈષ્ણવજન નીપજાવી દેવાની પ્રાર્થના સંસ્કૃતમાં નહિ તો કઈ ભાષામાં કરવી? કાં તો મેઘરાજાએ જગતભરની જુદી જુદી તમામ ભાષા શીખી લેવી પડે. અથવા વિશ્વ આંખુયે એક કુટુંબસમુ બની જઈને એક જ ભાષામાં બોલતુ સમજતું થઈ જાય !… વળી, આખુ વિશ્વ એક કુટુંબમાં ફેરવાઈ જાય તો માનવ જાતની કેટલી બધી સમસ્યાઓનો અંત આવી જાય !
ભારતની પ્રજા એ દિશામાં કદમ માંડવાનો પ્રયોગ કરી શકે !
આપટણે ત્યાં સત્તાપલ્ટો થયો છે. અને હવામાન પલ્ટો પણ હાથવેંતમાં છે. ત્યારે આ બંને હમણા સુધીના સત્તાપલટા અને હવામાન પલટા જેવા ચીલાચાલુ બનીને કાળના ગર્ભમાં વિલીન થઈ જવાને બદલે અનોખા, યાદગાર અને યુગપ્રવર્તક બને એવી અપેક્ષા આજની ઘડીએ કોને છે.
જીવદયાપ્રેમીઓએ સાચુ કહ્યું છે કે, ચોમાસુ અને મેઘ માનવ સમાજને જ સારી કે બૂરી રીતે સ્પર્શે છે. એવું નથી હોતું. તે પશુધન અને તેમના આવાસ તથા આધારસમી પાંજરાપોળોને પણ સ્પર્શે છે.
પાંજરાપોળો માનવ સમાજનું એક મહત્વનું અને મહિમાભીનું અંગ છે.
ગુજરાતી સંસ્કૃતિ અદ્વિતીય છે. વિશ્વમાં કયાંય જોવા ન મળે એવી પાંજરાપોળ નામની સંસ્થાનું પિયર ગુજરાત છે.પાંજરાપોળ એટલે જીવદયાનું જીવંત તીર્ત આજે લોકો એટલા સ્વાર્થી બની ગયા છે કે પોતાના ઘરડા માબાપનું પણ ભરણપોષણ કરવાની કેટલાક લોકોની તૈયારી નથી હોતી. આ વાતાવરણમાં તદન નકામાં અને અપંગ થઈ ગયેલા ઘરડા કે બીમાર પશુઓનું કોઈપણ જાતના સ્વાર્થ વિના આજીવન ભરણ પોષણ કરવું એમ હાન પરોપકારનું કાર્ય જ ગણાવું જોઈએ. ગુજરાતના અનેક ગામોમાંચાલતી પાંજરાપોળોનાં સંચાલકો આ કારણે જ મહાજનો કહેવાય છે. આપણી પાંજરાપોળો એ ગુજરાતની અહિંસક સંસ્કૃતિની આગવી ઓળખ છે. જીવદયા પાછળ આજે કરોડો રૂપીયા ખર્ચાય છે.
પાંજરાપોળ શબ્દ મૂળ પાંગળાપોણ ઉપરથી આવ્યો છે. ભારત એ કૃષિ પ્રધાન દેશ ગરશય છે. અને ભારતીય કૃષિની કરોડરજજુ પશુઓ ગણાય છે. પશુઓ દૂધાળ હોય, ભાર વાહન કરવાની ક્ષમતા ધરાવતા હોય કે ખેતીમાટે કામના હોયતેમને સૌ પાળે અને હોંશે હોંશે ચારો પણ નાંખે, કારણ કેતેમાં સ્વાર્થ સમાયેલો છે. પરંતુ જે પશુ ઘરડું, અપંગ કે બીમાર થઈ ગયું છે; ખેતી માટે નકામું છે. અને મૃત્યુની સમીપ પહોચી ગયું છે. તેની સારસંભાળ પણ ભારતનાં ખેડુતો કરતા હતા એ જમાનામાં પશુઓને ઘરના સભ્યોનો દરજજો મળ્યો હતો. માટે પાંગળા પશુઓને પણ કતલખાને મોકલવામાં આવતા નહિ ધીમેધીમે એ ભાવના ઘટી એટલે પાંગળાપોળની જરૂર પડવા લાગી. જે ખેડુતો વૃધ્ધ, માંદા, અપંગ અને અશકત પશુઓનો બોજો ઉપાડી લેવા માટે સક્ષમ ન હોય તેઓ આ પશુઓને કસાઈના હાથમા ન સોંપતા પણ મહાજનને સોંપતા મહાજનો આ પશુઓને પાંગળાપોળમાં રાખે અને તે જીવે ત્યાં સુધી તેનું ભરણપોષણ કરે. આ ભાવનાથી પાંગળાપોળો સ્થપાઈ હતી.
આપણા પૂર્વજો ખૂબ દીર્ધદ્રષ્ટા હતા અને ભારે કોઠાસુઝ ધરાવતા હતા. આ માટે જ તેમણે જયારે પાંગળાપોળની સ્થાપના કરી ત્યારે તેના માટે સેંકહો એકર અને કયારેક તો હજારો એકર જમીન પશુઓનાનિભાવ માટે ખરીદી રાખી હતી પશુઓનાં નિભાવ માટે બે ચીજોની મુખ્ય જરૂર પડે છે. ચારો અને પાણી ગોચરની જમીન ઉપર જે ઘાસ ઉગે તેમાંથી પશુઓનો ચારો મળી રહેતો હતો. પાણીની સમસ્યા હલ કરવા માટે દરેક પાંજરાપોળમાં તળાવો ખોદવામાં આવ્યા હતા. જેમાં વરસાદના મીઠા પાણીનો વિપૂલ સંગ્રહ કરવામાં આવતો. આ તળાવોમાંથી પશુઓને બારેમાસી પીવાનું મીઠુ જળ મળી રહેતુ ચરિયાણની જમીન ઉપર શણિયાર, ધ્રામણ, ઝીંઝવો વગેરે પૌષ્ટિક દેશી ઘાસ ઉગાડવામાં આવતું. એક વાર બિયારણનો છંટકાવ કરવામાં આવે એટલે આ ઘાસ વર્ષાનુવર્ષ કુદરતી રીતે જ ઉગી નીકળતું એટલે તેની પાછળ કોઈ ખર્ચ કરવો પડતો નહી આમ લગભગ મફતમા જ હજારો પશુઓનો નિભાવ થઈ જતો હતો.
સમય બદલાયો, ખેડુતોની જીવદયાની ભાવનામાં ઘટાડો થતો ગયો તેમ પાંગળાપોળમાં આવતા પશુઓની સંખ્યામાં પણ વધારો થતો ગયો. કયારેક દુકાળનાં વર્ષોમાં તો ખેડુતો અનેક જવાન અને તંદુરસ્ત પશુઓને પણ ઘાસચારાના અભાવે મરતા ન જોઈ શકવાથી પાંગરાપોળમાં મૂકવા આવતા. અશકત પશુઓનું ભરણપોષણ કરવા માટે અસ્તિત્વમાં આવેલી પાંગળાપોળો ઉપર અશકત અને જુવાન પશુઓને સાચવવાની જવાબદારી પણ આવી પડી કેટલાક જીવદયાના પ્રેમીઓ ગેરકાયદે કતલ ઉપર દરોડા પાડી પશુઓ પકડવા લાગ્યા અને કોર્ટ તેનો કબજો પાંગળાપોળોને સોંપવા લાગી આવા હજારો પશુઓ પાંગળાપોળમાં આવવા લાગ્યા. આ કારણે પાંગળાપોળોનું રૂપાંતર પાંજરાપોળમાં થયું પશુઓની સંખ્યા વધતા તેના ખર્ચાઓ પણ વધ્યા. આ ખર્ચાઓને મહાજન પહોચી ન શકે એટલે પાંજરાપોળો ખોટમાં ચાલવા લાગી. અનેક પાંજરાપોળો ના છૂટકે પશુઓ સ્વીકારવાનો પણ ઈનકાર કરવા લાગી.
આજે પાંજરાપોળો ખોટમાં ચાલી રહી છે. તેનું મુખ્ય કારણ એક છે કે પશુઓનાં નિભાવ માટે આપણા પૂર્વજોએ જે હજારો એકર જમી ખરીદી હતી કે દાનમાં મેળવી હતી તે લગભગ નકામી અને બિન ઉપજાઉ બની ગઈ છે. સંચાલકોની બેદરકારીને કારણે અસામાજીક તત્વોએ પાંજરાપોળની જમીનને બોડી બામણીનું ખેતર સમજીને તેની ઉપર અતિક્રમણ કર્યું છે. અતિક્રમણ કરતા પણ વધુ નુકશાન ગાંડા બાવળે કર્યું છે. આજે પાંજરાપોળની હજારો એકર જમીન આ ગાંડા બાવળને કારણે નકામી અને ઉજજડ બની ગઈ છે. જે જમીન ઉપર ગાંડો બાવળ ઉગે છે ત્યાં ઘાસનું એક તણખલું પણ નથી વળી ગાંડા બાવળના ઝેરી કાંટાઓ પશુઓના પગમાં વાગે છે. અને તેમના પગ સડી જાય છે. પશુઓ આ બાવળના પાંદડા ખાવા જાય તો તેના કાંટા તેમના મોઢામાં વાગે છે. મોઢુ પાકી જવાને કારણે અનેક પશુઓ મરણ પામે છે. જે જમીન ઉપર ગાંડો બાવળ ફેલાય છે તે ગોચર તરીકે નકામી થઈ જાય છે.
આજથી આશરે ત્રણ વર્ષ અગાઉ ‘સમસ્ત મહાજન’ સંસ્થાએ નિષ્ણાંતોની સલાહ અને સેવાભાવી કાર્યકરોના પુરૂષાર્થના બળે ગુજરાતની પાંજરાપોળોને કટોકટીભરી પરિસ્થિતિમાંથી બહાર લાવવા કમ્મર કસી પાંજરાપોળોનો પુનરૂધ્ધાર કરવા માટે સમસ્ત મહાજન સંસ્થાએ ત્રિપાંખીયો વ્યૂહરચના અપનાવી પહેલુ કદમ ગોચરની જમીનોને તમામ પ્રકારના અતિક્રમણથી મૂકત કરી તેમાં દેશી ઘાસનું ઉત્પાદન વધારવાનું હતુ બીજુ કદમ પાંજરાપોળની જમીન ઉપર જૂના તળાવો ઉંડા કરાવી અને નવા તળાવો ખોદાવી તેમા વરસાદના પાણીનો સંગ્રહ કરવાનું હતુ અને ત્રીજું કદમ પાંજરાપોળની જમીન ઉપર વડ, લીમડો, આંબો, આમલી, પીપળો, ઉંબરો, આમળા, પીપર જેવા દેશી વૃક્ષો મોટે પાયે ઉગાડવાનું હતુ. આ વૃક્ષોને કારણે વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે. ભેજ સંરક્ષણ થાય છે, જમીનમાં ઘાસનું ઉત્પાદન વધે છે, પશુઓને છાયો મળે છે. ચારો મળે છે અને તેમનું આરોગ્ય પણ સુધરે છે.
સમસ્ત મહાજન સંસ્થાએ માત્ર થિયરી ન આપી પણ પ્રેકિટકલી આ કામ કરી બતાવ્યું આ માટે મોડેલ તરીકે વઢવાણ મહાજન પાંજરાપોળના આમંત્રણથી વઢવાણ પાંજરાપોળની ૧૩૩૦ એકર જમીન ઉપર ચરિયાણને પાછુ જીવતુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ માટે સૌ પ્રથમ તો એક પણ ઉપયોગી વૃક્ષને નુકશાન ન થાય અને એક પણ વન્ય પશુની હિંસા ન થાય તે રીતે સમગ્ર જમીન ઉપરથી ગાંડો બાવળ જયણાપૂર્વક દૂર કરવામાં આવ્યો. આ રીતે ખૂલ્લી પડેલી જમીન ઉપર છાણનું ખાતર પાથરવામાં આવ્યું અને દેશી ઘાસનું બિયારણ છાંટવામાં આવ્યું. અબોલ પશુઓને બારેમાસ પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે ત્રણ તળાવો ઉંડા કરવામાં આવ્યા અને ત્રર હજાર દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું પહેલા જ વર્ષે ચમત્કાર થયો. આખુ ચરિયાણ હરિયાળુ બની ગયું. પાંજરાપોળોનાં સર્જન અને સંચાલનનો યશ જેના ભાગે જાય છે. તે ‘સમસ્ત મહાજન’ની ૧૨૫ જેટલી શાખાઓ ગુજરાતભરમાં છે. એવી માહિતી પૂરી માનવામાં જ માટે પ્રેરક છે. એના સંચાલનમાં કરોડોનો ખર્ચ થાય છે. એમનો એવો દાવો છે કે, આજે જયારે પશુઓની કતલ ચોમેર વધી રહી છે. ત્યારે પાંજરાપોળો ઉપરનો બોજો પણ વધ્યો છે. આ બોજો હળવો કરવા માટે ગોચરની જમીનનો અસરકારક ઉપયોગ કરવો ખૂબ જરૂરી બની ગયો છે. આજે ભારતમાં યંત્રવાદને કારણે ખેતીવાડીમાંથી પણ પશુઓને સ્થાન ટ્રેકટરો અને વીજળી કે ડીઝલથી ચાલતા પંપો ગોઠવાઈ ગયા છે. ખેડુતો રોકડીયા પાક લેતા થયા છે. અને ચરીયાણો નાશ પામી રહ્યા છે. એટલે ઘાસચારો મોંઘો થતો જાય છે. ખેડુતોને પશુઓ આર્થિક રીતે પરવડતા નથી. એટલે લાખો ઉપયોગી પશુઓની પણ કતલ થઈ રહી છે. બીજી બાજુ ટ્રાન્સપોર્ટ અને ઉર્જાના ક્ષેત્રમાં પશુને સ્થાને યંત્રો અને પેટ્રોલ ડીઝલના વાહનો આવ્યા એટલે ક્રુડ ઓઈલની ભયંકર કટોકટી ઉભી થઈ છે અને ભાવો બેફામ વધી રહ્યા છે. જો આ કટોકટીમાંથી દેશને અને વિશ્ર્વને બહાર લાવવા હશે તો પશુઓ દ્વારા પ્રાપ્ત થતી વૈકલ્પીક ઉર્જા જ એકમાત્ર તરણોપાય જણાય છે. સત્તાધીશોએ આ અંગે લક્ષ દઈને તમામ ઘટતી કામગીરી કરવી જ ઘટે.
આ બધામાં કલિયુગની ભૂમિકા પણ હોવાનું નકારી શકાય નહિ…. કલિયુગ વિષે એમ કહેવાયું છે કે, વ્યાસે જન્મેજયને કળિયુગ વિષે એમ જણાવ્યું હતુ કે, કૃષ્ણ વિનાની ભૂમિને કલિયુગે તેજ હીન, દયા હીન, ધર્મ હીન, પ્રભુત્વ હીન, સત્ય હીન, સર્વ તીર્થો કરી નાખ્યા છે. તું પણ કલિયુગથી બચી શકીશ નહિ. છતા તારો રાજાનો ધર્મ ટકાવવા હું તને જે સુચનાઓ કરૂ તેટલી પાળજે જોકે કલિયુગ પાળવા દેશે નહિ, હું ના પાડીશ છતા તે કાર્ય તુ કરીશ. કર્યા પછી દુ:ખ પડે તો દુ:ખી ન થાતો પ્રભુનું નામ સ્મરણ કરજે. તો સાંભળ સાત સુચનાઓ.
૧. તારે કદી ઉત્તર દિશામા જાવું જ પડે તો જે સ્ત્રી તને મળે તેને લાવવી નહિ.
૨. જો સ્ત્રી તારે લાવવી જ પડે તો તે કહે તેમ તારે કરવું નહીં.
૩. તારે યજ્ઞ માટે ઘોડો ખરીદવો નહીં. ખરીદે તો યશ કરતો જ નહિ.
૪. યજ્ઞ કરવો જ પડે તો તેમાં યુવાન બ્રાહ્મણોની વરણી કરવી નહીં.
૫. યુવાન બ્રાહ્મણો પાસેજ યજ્ઞ કરાવવો પડે તો પાસે શસ્ત્ર રાખવું નહી.
૬. જો શસ્ત્ર લઈને જ યજ્ઞમાં બેસવું પડે તો ક્રોધ કરીશ નહીં.
૭. જો ક્રોધ કરે તો હથીયાર ઉપાડીશ નહી કોઈને મારીશ નહી. નહિતર તને અઢાર બ્રહ્મ હત્યા લાગશે.
આ કલિયુગ તારી પાસે આ બધુ કરાવશે. છતા તને સાવચેત કરવા ભલામણ કરૂ છું.
આટલી ભલામણ વ્યાસે જન્મેજયને કરી છતા જન્મેજયને અઢાર બ્રહ્મહત્યા લાગી, તે ઉત્તર દિશામાં ગયો. પેલા સર્વ કાર્ય તેણે કર્યા. કારણ કે માણસ પોતાના પ્રારબ્ધ ટાળી શકતો નથી. ‘પ્રારબ્ધ પાસે પુરૂષાર્થ પાંગળો બની જાય છે.’
આ સર્વ કલિયુગ આવવાના લક્ષણો હતા. કલિયુગનાં આગમનથી શુ થાય છે. તેની પૂર્વ સંધ્યા કેવી હોય તેની ચેતવણી શ્રી કૃષ્ણએ પાંડવોને આપી હતી એક વખત શ્રી કૃષ્ણએ પાંડવોને કહ્યું, ‘હવે કલિયુગ આવવાનો છે. તેથી તમારે તપ કરવું પડશે. જો તમોને મારી વાત જુઠી લાગતી હોય તો તમો પાંચ ભાઈઓ વનમાં જુદી જુદી દિશામાં જાઓ. જયાં વસ્તી ન રહેતી હોય તેવું વન જોઈને આવો ત્યાં જે જોયું હોય તેનુ વર્ણન કરજો.’
પાંચ પાંહવોને જુદા જુદા અનુભવ થાય માટે પાંચે જુદી જુદી દિશામાં ગયા. તેઓ જંગલમાં દૂર સુધી ગયા. દરેક ભાઈઓ જુદી જુદી ઘટનાઓ જોઈ જેનું વર્ણન શ્રી કૃષ્ણ પાસે કયુર્ંં.
પૂર્વ બાજુથી પ્રથમ યુધિષ્ઠિર આવ્યા તે શ્રી કૃષ્ણને કહે: મેં જંગલમાં કૌતુક સમાન બે સુંઢવાળો હાથી જોયો, આવો હાથી મેં જોયો કે જાણ્યો નથી. પ્રભુ આ શું કૌતુક હશે?
શ્રી કૃષ્ણ કહે: બે સૂંઢવાળો હાથી એ સંકેત આપે છે, કલિયુગમાં સરકારી અમલદારો બે મુખે વ્યવહાર કરશે એટલે ગુનેગાર અને ફરિયાદી બંને પાસેથી લાંચ લેશે બંનેને જુદી જુદી વાતો કહી લૂંટશે.
ત્યાં દક્ષિણમાથી ભીમસેન આવ્યા. તે શ્રી કૃષ્ણને કહે, મેં જંગલમાં એક ગાય જોઈ, ગાય વાછેડીને ધાવતી હતી. આ તો અચરજ કહેવાય માં કોઈ દિવસ વાછડીને ધાવે ? આનો અર્થ શું?
શ્રી કૃષ્ણ કહે: તેનો અર્થ એ થયો જેમ ગાય વાછડીને ધાવતી હતી તે કલિયુગમાં લોકો દિકરીના પૈસા લઈ લગ્ન દીકરીના કરશે. તે દિકરીના પૈસામાંથી માતા-પિતા ગુજરાન પોતાનું ચલાવશે. ક્ધયા વિક્રય કરશે.
પશ્ર્ચિમ દિશામાંથી અર્જુન આવ્યો.
અર્જુન કહે, ‘પ્રભુ મેં એક પક્ષી જોયું તે વેદના પાઠ બોલતું હતુ પણ તે એક મુડદા ઉપર બેઠું હતુ અને વેદ બોલતું હતુ આ શું કૌતુક હશે?’
શ્રી કૃષ્ણ કહે, ‘તેનો અર્થ એ થયો, કલિયુગમાં પંડિતો વેદ, પુરાણ શાસ્ત્રો વગેરે અનેક ધર્મના શાસ્ત્રો ભણશે પાઠ, પ્રાર્થનાઓ કરશે પણ કોઈનું મૃત્યુ થયું હશે તેની પાસે અને શુધ્ધ પાસેથી વિદ્યા લેશે દાન લેશે’
થોડીવાર થઈ ત્યાં ઉત્તરમાંથી સહદેવ આવ્યા.
શ્રી કૃષ્ણ કહે: સહદેવ, તમે શું જોયું?
સહદેવ કહે: ‘પ્રભુ, મેં એક પર્વત ઉપરથી પડતી મોટી શિલા જોઈ, તે શિલા એટલા વેગથી નીચે આવતી હતી કે મોટા મોટા વૃક્ષો ઉખેડતી આવતી હતી.
મજબૂત વૃક્ષ પણ શિલાના વેગમાં ઉખડી જતા હતા. પણ અચરજ તો ત્યારે થયું કે તે શિલાલ એક તણખલાને આધારે અટકી ગઈ.’
શ્રી કૃષ્ણ કહે: ‘તેનો મતલબ એ થાય મોટી મજબુત શિલા પડી તે ધર્મ કલિયુગથી પડયો. શિલા ધર્મ હતો તે સંસારરૂપી પહાડ ઉપરથી ખસ્યો તેની ઝપટમાં વૃક્ષો રૂપી જે ધર્મના થાંભલા સમાન પુરૂષો હતા. તેવા ધર્મ ધૂરંધરોને પાડતો આવ્યો. તપસ્વીઓના તપ છોડાવી ઉંધ-મુંધ નાખતો આવ્યો તે તણખલે અટકાવ્યો. તેનો અર્થ એ થયો કલિયુગમાં ફકત ‘રામ’ નામરૂપી તણખલું એટલું નાનું છે. છતા રામ નામ લેવાથી જ ધર્મ ટકી રહેશે.’
નકુલ, સહુની પાછળ આવ્યો, નકુલ કહે: મેં ત્રણ કુવા પાસે પાસે એક લાઈનમાં જોયા. તેમાં વચ્ચેનો કુવો ખાલી હતો. બહારનાં બંને કૂવા પાણીથી છલોછલ ભર્યા હતા.
આમાં કાંઈ સમજ ન પડી નજીકનો એટલે વચ્ચેનો ખાલી બહારના છેટા ભરેલા તેનો ભેદ ન સમજાણો.’
શ્રી કૃષ્ણ કહે. પાંડવો જેમ વચ્ચેનો અને નજીકનો કૂવો ખાલી હતો તેમ કલિયુગમાં માણસોના વહેવાર એવા થઈ જાશે. પોતાના ભાઈ, ને પોતાના માતાપિતા એવા નજીકનાઓને બોલાવશે નહિ. નજીકના સાથે વહેવાર રાખશે નહિ. આપશે નહિ, પણ દૂર હશે, પોતાના નજીકના સંબંધમાં કંઈ નહિ થાતા હોય, બીજી જ્ઞાતિનો હશે ધન હશે તો તેની પાસે હશે તો પણ આગ્રહ કરી આપશે.
શ્રી કૃષ્ણ કહે, પાંડવો આવા કપરા કલિયુગમાં તમોને રહેવું ગમશે નહિ. માટે તમો સર્વ છોડી હિમાલયમા ચાલ્યા જજો. ત્યાં તમોને સ્વર્ગ અને સત્યયુગ બંને મળશે. શ્રી કૃષ્ણના વચન માની પરીક્ષિતને રાજ ગાદી સોંપી પાંડવો સ્વર્ગની વાટે ચાલ્યાં.
આમ શ્રી કૃષ્ણ અને વ્યાસ પાંડવોના જીવનભર રાહબર રહ્યા.