ત્રણ અજાણ્યા બુકનીધારીઓએ પહેલાં મહંતને માર મારતા તેઓ ભાગી ગયા બાદ ઉપરના માળે સુતેલા સેવકને માર મારીને રૂમમાં પુરીને લૂંટ ચલાવીને નાસી છૂટ્યા
હળવદના રણમલપુર ગામ નજીક આવેલા આશ્રમમાં ગત મોડી રાત્રે ત્રણ અજાણ્યા બુકાનીધારી લૂંટારુઓએ ધાડ પાડી હતી. પ્રથમ આશ્રમના નીચેના માળમાં સુતેલા મહંતને લૂંટારુઓએ માર મારતા મહંત જીવ બચાવીને ભાગી ગયા બાદમાં ઉપરના માળે સુતેલા સેવકને માર મારીને રૂમમાં પુરી દઈને ત્રણેય લૂંટારુઓ રૂ. ૬૦ હજારની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હતા.
આ લૂંટના બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદ તાલુકાના રણમલપુર ગામેં આવેલ કંકાવટી રોડ પરના ગંગામૈયા આશ્રમમાં મહંત સુદર્શન બાપુ ગતરાત્રે પોતાના નીચે રૂમમાં સુતા હતા. આશરે ગતરાત્રીના ૧ વાગ્યાની આસપાસ ત્રણ બુકાનીધારી લૂંટારુઓ આ આશ્રમમાં લૂંટના ઇરાદે ત્રાટકયા હતા અને મહંત જાગી જતા લૂંટારુઓએ તેમની પાસે તિજોરીની ચાવી માંગી હતી. પણ મંહતે આનાકાની કરતા ત્રણેય લૂંટારુઓએ તેમના પર ધોકાથી હુમલો કર્યો હતો. આથી મહંત સુદર્શન બાપુ જીવ બચાવવા માટે લૂંટારુઓનો પ્રતિકાર કરીને ત્યાંથી ભાગી ગયા હતા.
બાદમાં લૂંટારુઓ આશ્રમના ઉપરના માળે જઈને ત્યાં સુતેલા સેવક લક્ષમણબાપુને માર માર્યો હતો.તેમજ તેમને ઉપરના માળના રૂમમાં પુરી દઈને ફરીને નીચેના રૂમમાં આવીને તિજોરીની ચાવી માટે આખો રૂમ વેર વિખેર કરી નાખ્યો હતો. અંતે તિજોરીની ચાવી મળી જતા ત્રણેય લૂંટારુઓ તિજોરીમાંથી રોડકા રૂ.૬૦ હજારની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા.જોકે આ ત્રણેય લૂંટારુઓએ સેવકને લૂંટમાં ખલેલ ન પહોંચાડે તે માટે માર મારીને રૂમમાં પુરી દીધા હતા.જોકે સેવકને ફ્રેક્ચર જેવી ગંભીર ઇજા થઇ હતી. આ બનાવની મંહતે પોલીસને જાણ કરતા હળવદના પી.એસ.આઇ. પી.જી. પનારા, રમેંશભાઈ ગોહિલ, ભરતભાઇ આલ, સી.એમ ઈન્દરિયા ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઇજગ્રસ્ત સેવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. હળવદ પોલીસે આ લૂંટના બનાવની ફરીયાદ નોંધી એફ.એસ.એલ અને ડોગ સ્કવોર્ડની મદદથી આ બનાવનો ભેદ ઉકેલવાની મથામણ શરૂ કરી છે.
લૂંટારુ ટોળકી મરચાંની ભુકી પણ સાથે લાવ્યા હતા
ગંગા મૈયા આશ્રમમાં રાત્રિના લૂંટના બનાવમાં લૂંટારું ટોળકી આશ્રમમાં જો કોઈ સામો પડકારો કરે તો તેઓ પર મરચાની ભૂકી ઉડાડવી હોય તેમ મરચાંની ભુકી પણ સાથે લાવ્યા હતા હાલ પોલીસ દ્વારા સમગ્ર બનાવમાં પી.આઇ એમ.આર સોલંકીના માર્ગદર્શન હેઠળ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે.