સિકયુરીટી પેટે કરી આપેલા સાટાખતનાં આધારે જમીન પચાવી પાડવાનો કારસો
ભેંસાણમાં રહેતા યુવાને ૩ ટકા વ્યાજે ૧૭ લાખ રૂપિયા લીધા હતા. બાદમાં તેનાં વ્યાજ સહિત ૩૩.૨૨ લાખ રૂપિયા ચુકવી દીધા હતા તેમ છતાં સિકયુરીટી પેટે કરી આપેલી સાટાખતની જમીન પચાવી પાડવાનાં ઈરાદે ત્રાહિત વ્યકિત મારફત કોર્ટમાં કેસ કરાવી દસ્તાવેજ કરાવવા માટે ધમકી આપ્યાની ફરિયાદ છતાં ભેંસાણ પોલીસે વધુ કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ભેંસાણમાં અમરધામ સોસાયટીમાં રહેતા યોગેશભાઈ પ્રવિણભાઈ ભેંસાણીયાએ કાનજીભાઈ વલ્લભભાઈ પાઘડાળ પાસેથી માસિક ત્રણ ટકાનાં વ્યાજે ૧૭ લાખ રૂપિયા લીધા હતા જેની કાનજી પાઘડાળ તથા હરેશ કાનજી ઠુંમરે અવાર નવાર બળજબરીથી ઉઘરાણી કરી વ્યાજનાં વ્યાજ સહિત ૩૩.૨૨ લાખ રૂપિયા ચેક તથા રોકડેથી લઈ લીધા હતા
તેમ છતાં વધુ પૈસાની માંગ કરી હતી. યોગેશભાઈએ સિકયુરીટી પેટે કરી આપેલ સાટાખતની જમીન પચાવી પાડવાનાં ઈરાદાથી ત્રાહિત વ્યકિત દ્વારા કોર્ટમાં કેસ કરાવી જમીનનો દસ્તાવેજ કરાવવા માટે યોગેશભાઈને મારી નાખવા ધમકી આપી હતી.
આ અંગે યોગેશભાઈનાં પત્ની ચંદ્રિકાબેન યોગેશભાઈ ભેંસાણીયાએ કાનજી વલ્લભભાઈ પાઘડાળ, કલ્પનાબેન કાનજીભાઈ પાઘડાળ, હરેશ કાનજી ઠુંમર તથા ભીમજી ગોબર જોધાણી સામે ફરિયાદ કરતા ભેંસાણ પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.