ઉત્તરપ્રદેશના ઉન્નાવની બળાત્કાર પીડિતાના કાકા પર છેતરપીંડીનો કેસ કરાવ્યા બાદ આરોપી ધારાસભ્યએ પીડિતાની કાર પર ટ્રક ફેરવીને મારી નાખવાનો કર્યો પ્રયાસ: પીડિતા ગંભીર
૨૧મી સદીની વાતો વચ્ચે ‘બાહુબલી’ નેતા આજે પણ કાયદો હાથમાં લઈ રહ્યા છે!
એક સમય એવો હતો કે રાજકારણીઓ ગુંડાઓને છાવરતા હતા અને ગુંડાઓ દ્વારા ‘પાવર પોલીટીકસ’ ચલાવતા હતા હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને આજે ગુંડાઓ જ રાજકારણનો અંચબો ઓઢીને નિર્ભય રીતે બેખોફ બની લોકો પર અત્યાચાર કરી રહ્યા છે. ‘કમળ’ કાદવમાં જ ખીલે છે પણ ‘કમળ’ પર હવે વધુને વધુ કીચડ લાગી રહ્યું હોય તેવો ઘાટ ઘડાય રહ્યો છે. ઉત્તર પ્રદેશ ભાજપના ધારાસભ્ય કે જે બળાત્કારના ગુન્હામાં જેલમાં છે અને જેલમાં બેઠા બેઠા પણ અંધારી આલમમાં પગદંડો જમાવીને જેલમાંથી પણ ગુન્હાહિત નેટવર્ક ચલાવી રહ્યા છે. આ ધારાસભ્યએ પોતાની સામે બળાત્કારની ફરિયાદ કરનારી યુવતિના પરિવારને હેરાનપરેશાન કર્યા બાદ આ યુવતિને મારી નાખવાનો પ્રયાસ કરતાની રાવ ઉઠતા ચકચાર મચી જવા પામી છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તર પ્રદેશ સહિત દેશભરનાં રાજકારણમાં ખળભળાટ મચાવી દેનારા ઉન્નાવ ગેંગરેપ કેસના પીડિતા પોતાના પરિવારજનો સાથે ગઈકાલે બરેલી જેલમાં પોતાના કાકાને મળીને કારમા પરત આવી રહ્યા હતા ત્યારે નેશનલ હાઈવે ૩૧ પર એક બેકાબુ ટ્રકે કારને ટકકર મારી હતી આ અકસ્માતમાં કારમાં બેઠેલી પીડિતા અને તેના વકીલ મહેન્દ્ર સીંગને ગંભીર ઈજાઓ પહોચી હતી જયારે આ ટકકરમાં પીડિતાના કાકી અને બીજા એક મહિલા સંબંધીના મૃત્યુ થવા પામ્યા હતા. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ પીડિતા અને તેના વકીલને લખનૌના કેજીએમયુ ટ્રોમા સેન્ટરમાં સારવાર માટે દાખલ કરાયા છે. જયાં પીડિતા અને તેના વકીલની સ્થિતિ અતિ નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અકસ્માત પીડિતાની ફરિયાદ બાદ જેલવાસ ભોગવી રહેલા બંગારમઉના ભાજપી ધારાસભ્ય કુલદીપસિહ સેંગરે કરાવ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. આ બનાવ અંગે આક્ષેપો થયાબાદ ઉન્નાવના જિલ્લા પોલીસ વડા દ્વારા તપાસના આદેશો આપવામાં આવ્યા છે. આ અકસ્માત સર્જનારા ટ્રકને પોલીસે કબ્જે કરી લીધો છે. આ ટ્રકનો નંબર પ્લેટને કાળા કલરથી રંગી દઈને પોલીસ આ અકસ્માતના મુળ સુધી ન પહોચી શકે તેવા પ્રયાસો થયાની પણ વિગતો બહાર આવી છે. જેથી, પોલીસે તંત્રએ અકસ્માત સર્જનારા ટ્રક અને કાર બંનેની ફોરેન્સીક તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. આ બનાવ અંગે હજુ સુધી કોઈ એફઆઈઅર દાખલ કરવામાં આવી ન છતા પરંતુ આ બનાવની ગંભીરતાને નિહાળીને પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે.
આ અકસ્માત બાદ ઉત્તર પ્રદેશમાં રાજનીતિ તેજ થઈ જવા પામી છે. વિપક્ષોએ આ અકસ્માતને આ ષડયંત્ર સમાન ગણાવીને તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. સમાજવાદી પાર્ટીએ ગેંગરેપ પીડિતા અને તેના વકીલના ઈલાજનો તમામ ખર્ચ ઉપાડવાની જાહેરાત કરી છે. આ બનાવ વખતે પીડિતાની સુરક્ષા માટે અપાયેલા ગનર પોલીસમેન સાથે ન હોવાનું બહાર આવતા પોલીસે આ અંગે તપાસ કરવાની ખાત્રી આપી છે. આ કેસનાં પીડિતાને દબાવવા તેના પરિવારજનો સામે અલગ અલગ કેસો નોંધાયા હતા તેના પતિ સામે ડીસેમ્બર ૨૦૧૮માં કીડનેપીંગની ફરિયાદ કરાય હતી જે બાદ તેના કાકા અને માતા સામે પણ છેતરપીંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ બધા કેસો જેલમાં બંધ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરે કરાવ્યાના આક્ષેપો થયા છે. આ અકસ્માત સર્જાયો ત્યારે પણ પીડિતા આ કેસમાં બરેલી જેલમાં કેદ પોતાના કાકાને મળીને પરત આવી રહી હતી. ત્યારે બરેલીથી ૧૫ કીમી દૂર નેશનલ હાઈવે ૩૧ પર ગૂ‚બક્ષમજ પોલસી સ્ટેશન વિસ્તારમાં આ અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘાયલ પીડિતાના વકીલ મહેન્દ્રસિંગ ચૌહાણના પિતા મહેન બહાદૂરસિંગે આ અકસ્માતને શંકાસ્પદ ગણાવ્યો હતો. આ બનાવ બાદ કોંગ્રેસ, સપા, બસપા, સહિતના વિપક્ષોએ અકસ્માતને ષડયંત્ર ગણાવીને બનાવની તટસ્થ તપાસની માંગ કરી છે.