ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ શ્રાવણ માસનો ૧ ઓગસ્ટે પ્રારંભ થવા જઇ રહ્યો છે. શ્રાવણ માસમાં રક્ષાબંધન, જન્માષ્ટમી જેવા તહેવારોની હેલી પણ સર્જાશે. જીવનને શિવમય બનાવીને ધન્યતા પામવાનો અનેરો અવસર એટલે શ્રાવણ માસ. ભોળાનાથને પૂજા-અર્ચના-આરાધના કરીને રીઝવવા માટે ભાવિકોમાં અનેરો થનગનાટ છે.
ભગવાન શિવની આરાધનાના અવસર ગણાતા શ્રાવણ માસને લઇને શહેરના શિવમંદિરોમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શ્રાવણ માસની શરૂઆત નજીક હોય શિવભક્તોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ચાલુ વર્ષે ગુરુપુષ્યામૃત યોગ અને પડવાની ક્ષયતિથિ સાથે શ્રાવણ માસની રંગારંગ શરૂઆત થશે. સૂર્યોદય તિથિની જગ્યાએ ૧ ઓગસ્ટના ગુરુવારે સવારે ૮.૪૨ વાગ્યા પછી શ્રાવણ માસની શરૂઆત થશે. દરમિયાન ૩૦ દિવસ સુધી ભોલેનાથની પૂજા-અર્ચના, આરાધના બાદ ૩૦ ઓગસ્ટે શ્રાવણની સમાપ્તિ થશે.