શાકભાજીના ભાવ વધી જતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું :આયાતી શાકભાજીના ભાવમાં ઉછાળો
સૌરાષ્ટ્ર-રાજકોટમાં વરસાદની અનિયમિતતાને પગલે શાકભાજીના ભાવ આસમાનને આંબી ગયા છે. જેને કારણે ગૃહીણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે. સામાન્ય રીતે ૧૫થી ૨૦ રૂપીયાના અઢીસો મળતા શાકભાજી અત્યારે ૩૦ થી ૩૫ રૂપીયે અઢીસો મળી રહ્યા છે. અને બહારથી આવતા શાકભાજીમાં ટમેટાનોભાવ તાત્કાલીક વધી જતા વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.
આ તકે અબતક સાથેની વાતચીતમાં વેપારી મીઠાભાઈએ જણાવ્યું કે રાજકોટ તથા રાજકોટ જિલ્લામાં વરસાદ ઓછો પડતા શાકભાજીના ભાવમાં ૩૦ થી ૪૦%નો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અને કોથમરીના ભાવમાં ૬૦ થી ૭૦% ભાવ વધી ગયા છે. લોકલ શાકભાજીના ભાવમાં વધારો નથી પરંતુ બીજા રાજયોમાંથી આવતા શાકભાજી ટમેટા, ગુવાર, કારેલા જેવા શાકભાજીમાં ભાવ વધારો જોવા મળ્યો છે.
જો વરસાદ ૧૦/૧૫ દિવસમાં નવી આવે તો શાકભાજીના ભાવ આસમાને ચડશે.વલ્લભભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે હાલ તો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં ચિંતાનો વિષય બની ગયો છે. કે શાકભાજી ખરીદ કરવા કે નહી પરંતુ જો થોડા દિવસમાં વરસાદ ન આવે તો ગરીબોને ચટણી અને રોટલા ખાવાનો વારો આવશે. આ દિવસોમાં માર્કેટીંગ યાર્ડમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.