વ્યાજે પૈસા લઇ ભાગી ગયેલા રિક્ષા ચાલકને શોધી આપવા ધમકી દેતા મસ્લિમ પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી: ચાર માસુમ બાળકો સાથે પરિવારને ઘરમાંથી કાઢી મુકયા: નિસહાય બનેલો પરિવાર પોલીસ કમિશનર કચેરીએ પહોચ્યો
શહેરમાં વ્યાજખોરોની રંજાડના કારણે વધુ એક પરિવાર નિસહાય અને બેઘર બન્યો છે. રમજાન માસમાં રોજુ રાખી અલ્લાની બંદગી કરવાના સમયે મુસ્લિમ પરિવારના ચાર માસુમ બાળકો સાથે પોતાની રિક્ષાને જ પોતાનું રહેણાંક બનાવી ન્યાય માટે ફરી રહ્યો છે. છેલ્લા પંદર દિવસથી યાતના ભોગવી રહેલી મુસ્લિમ પરિણીતાએ ફિનાઇલ ગટગટાવી લીધી હતી. વ્યાજખોરના ત્રાસની તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાયાના ૨૪ કલાક બાદ નિરાધાર સ્થિતીમાં મુસ્લિમ પરિવાર ન્યાય માટે પોલીસ કમિશનર કચેરીએ પહોચ્યો છે.
ગોંડલ રોડ આવેલા રસુલપરમાં રહેતા હાજીભાઇ ઇસ્માઇલભાઇ જુણેજા નામના રિક્ષા ચાલકની પત્ની રેશ્માબેન જુણેજાએ ગઇકાલે ફિનાઇલ પી લેતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. રેશ્માબેનની તાલુકા પોલીસ દ્વારા કરાયેલી પૂછપરછમાં તેના મકાન માલિક આરિફ ઇબ્રાહીમ અને તેના પિતા ઇબ્રાહીમ હાજી અબરા વ્યાજ વસુલ કરવા ધમકી દેતા હોવાથી ફિનાઇલ પીધાનું જણાવ્યું હતું.
રેશ્માબેનના પતિ હાજી ઇસ્માઇલ જુણેજા પાંચેક માસ પહેલાં આરિફનું મકાન ભાડે રાખ્યું હતું. ત્યારે આરિફના પિતા ઇબ્રાહીમભાઇ પરિચયમાં આવ્યા હતા અને પોતે વ્યાજનો ધંધો કરતા હોવાનું જણાવ્યું હતું. આથી હાજી ઇસ્માઇલ જુણેજાએ પોતાના મિત્ર ભરત નામના રિક્ષા ચાલકને ઇબ્રાહીમ હાજી પાસેથી રૂ.૪૦ હજાર અને કરિયાણાના વેપારી અશ્ર્વિનભાઇ પાસેથી રૂ.૪૦ હજાર માસિક ૧૦ ટકાના વ્યાજના દરે અપાવ્યા હતા.
રિક્ષા ચાલક ભરત રૂ.૮૦ હજાર વ્યાજે લઇ ભાગી ગયા બાદ ઇબ્રાહીમ અને ભરત પાસેથી વ્યાજે પૈસા લીધા ન હોવા છતાં હાજી ઇસ્માઇલ જુણેજાએ બે માસ વ્યાજ ચુકવ્યા બાદ વ્યાજ ન આપતા ગત તા.૧ જુને ઇબ્રાહીમ અબરા ધોકો લઇ મારવા આવતા છેલ્લા પંદર દિવસથી ઘર છોડીને જતો રહ્યો હતો અને પોતાની પત્ની રેશ્મા, બાળકો મુસ્કાન, રેહાના, તનીશા અને નાજીમ સાથે ભાડાના મકાનમાં રહેતા હોવાથી પત્ની રેશ્માને ત્રાસ દેવાનું શરૂ કર્યુ હતું.
વ્યાજ અને મકાન ભાડાની પઠાણી ઉઘરાણી કરી અવાર નવાર ધમકી દેતા હોવાથી રેશ્માએ ફિનાઇલ ગટગટાવી લીધી હતી. સારવાર બાદ રેશ્માને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા પોતાના ઘરે ગયા ત્યારે વ્યાજખોરોએ પોતાના ભાડાના મકાનમાં આવવા દીધા ન હતા અને સામાન પણ લેવા દીધો ન હોવાથી કાંગશીયાળી ચોકડી પાસે ચાર બાળકો સાથે રિક્ષામાં ફરતા હાજી ઇસ્માઇલ જુણેજાનો પરિવાર પોલીસ કમિશનર કચેરીએ પહોચ્યો હતો.
તાલુકા પોલીસમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે રેશ્માબેનની ફરિયાદની ગંભીરતા લીધી ન હતી અને બેઘર બનેલા પરિવારને તેમનો મકાનમાંથી સામાન અપાવ્યો ન હતો. હાજી ઇસ્માઇલ જુણેજાએ પોતાના નાના બાળકો સાથે કયાં જઇએ તેવો સવાલ કરી રહ્યા છે.