ભકિતનગર પોલીસ સ્ટાફે અટીકા ફાટક પાસેથી સરદારજી સાળા બનેવીને દબોચી લઈ રૂ.૬૫ હજારનાં દાગીના કબજે કર્યા
શહેરનાં સહકાર સોસાયટીમાં કબાટની ડુપ્લીકેટ ચાવી બનાવવાનાં બહાને વૃદ્ધાની નજર ચુકવી રૂ.૬૫ હજારનાં દાગીનાની ચોરી થવાની ફરિયાદનાં પગલે ભકિતનગર પોલીસે આંતર રાજય શીકલીગર ગેંગનાં બે શખ્સોને દબોચી લઈ રૂ.૬૫ હજારનો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી છે.
આ અંગેની વિગત મુજબ સહકાર સોસાયટીમાં હેપી મેડિકલ સ્ટોર સામે રહેતા રમાબેન ભીખાભાઈ જાદવ (ઉ.વ.૬૫) નામના પોતાનાં ઘરે હતા ત્યારે શેરીમાં ચાવી બનાવવાનું કામ કરતા બે સરદારજી નીકળતા વૃદ્ધાએ પોતાના કબાટની ડુપ્લીકેટ ચાવી બનાવવાનું કહેતા બંને સરદારજી શખ્સો રૂમમાં ચાવી બનાવતી વેળાએ વૃદ્ધાને પાણી પીવાનું બહાનું કાઢી વૃદ્ધાની નજર ચુકવી કબાટમાંથી રૂ.૬૫,૦૦૦નાં સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી નાસી ગયા બાદ ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પી.આઈ. વી.કે.ગઢવી, પી.એસ.આઈ પી.વી.જેબલીયા, હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ, વિક્રમભાઈ, પ્રતાપસિંહ, હીરેનભાઈ, સલીમભાઈ, દેવાભાઈ, ભાવેશભાઈ, વાલજીભાઈ, દિવ્યરાજસિંહ, મનિષભાઈ સહિતનાં સ્ટાફે તપાસ હાથધરી આંતર રાજય શીકલીગર ગેંગનાં સરદારજી પોપટસીંગ ગોકુલસીંગ શીકલીગર, વિશાલસીંગ પરસનસીંગ નામના બંને સાળા બનેવીને અટીકા ફાટક પાસે આવેલ કનૈયા હોટલ પાસેથી દબોચી લઈ બંને શખ્સો પાસેથી વૃદ્ધાનાં ઘરમાં કબાટમાંથી ચોરી કરેલા દાગીનાની કિંમત રૂ.૬૫૦૦૦નો મુદામાલ કબજે કરી કાર્યવાહી હાથધરી હતી.