સ્નેપડીલે ચીલા ચાલુ ૬૦ હજાર નવા વિક્રેતાઓ સાથે સંધી કરતા બોગસ વસ્તુઓની ફરિયાદો ઉઠી
આદિકાળથી છેતરપિંડીનાં બનાવો બનતા નજરે પડે છે ત્યારે ૨૧મી સદીમાં છેતરપીંડી તો થતી જોવા મળે છે પણ તેના હાલ પ્રકારો બદલાયા છે. ભુતકાળમાં દિલ્હી માર્કેટને સૌથી મોટી ચોરબજાર માનવામાં આવતી હતી અને હાલ લોકો દિલ્હી માર્કેટની ચીજ-વસ્તુઓ પર સહેજ પણ ભરોસો રાખતા નથી. પહેલા દિલ્હી માર્કેટ ત્યારબાદ ચાઈના માર્કેટ અને હવે ઓનલાઈન માર્કેટ તેની વિશ્વસનીયતા પૂર્ણત: ગુમાવી રહ્યું છે. લોકો હાલ સસ્તુ મળે તે માટે ઓનલાઈન ચીજ-વસ્તુઓને વધુ પ્રાધાન્ય આપતા નજરે પડે છે પરંતુ લોકોનાં વિશ્વાસ સાથે સ્નેપડીલ, એમેઝોન જેવી અનેકવિધ કંપનીઓ મોટા નામ હેઠળ કચરો ચીજ વસ્તુઓ આપે છે અને તે પ્રકારની અનેકવિધ ફરિયાદો હાલ ઉઠવા પામી રહી છે.
લોકો ઓનલાઈનનાં માધ્યમથી જે ચીજ-વસ્તુઓ ખરીદતા હોય છે તેમાં ઘણી ખરી વખત તેઓને કેવી રીતે રીપ્લેસમેન્ટ કરવું તે સમજાતું નથી અને તે વ્યકિત ડુપ્લીકેટ વસ્તુઓનો ઉપયોગ કરી લેવો પડે છે. ૧૦ હજારની ચીજ-વસ્તુઓને ૫૦ થી ૭૦ ટકા ઓફ આપવાની વાતથી લોકો લાલચમાં આવી જતાં જે મફતની ભાવનાથી જે લઈ લેવાની વૃત્તિ સામે આવે છે તે જોતાં લોકોએ અનેકવિધ વખત સહન પણ કરવું પડે છે. હાલ દિવસેને દિવસે લોકોને ઓનલાઈન વ્યાપાર અથવા તો કહી શકાય કે ઓનલાઈન થકી જે ચીજવસ્તુઓ મળવાપાત્ર હોય તેના પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો જેમાં કોટા પોલીસે સ્નેપડીલનાં સંસ્થાપક કુનાલ ભાલ અને રોહિત બંસલ વિરુઘ્ધ કેસ ફાઈલ કર્યો છે જેમાં એક વ્યકિતએ સ્નેપડીલ મારફતે જે ચીજ-વસ્તુનો ઓર્ડર આપવામાં આવ્યો હતો તે ચીજ-વસ્તુ મળતાં એ વાત સામે આવી કે તેને ડુપ્લીકેટ વસ્તુ આપી દેવામાં આવી છે જે ઘટના ઘટતાની સાથે જ ભોગ બનનાર વ્યકિતએ પોલીસમાં સ્નેપડીલનાં સંસ્થાપક સામે કેસ દાખલ કરાવ્યો હતો અને વધુમાં ઉમેર્યું હતું કે, આ પ્રકારની ઘટના અનેકવિધ વખત સામે આવી છે અને આપેલા ઓર્ડરને પૂર્ણત: આપવામાં આવ્યા નથી.
કોટા પોલીસ સ્ટેશન દ્વારા સ્નેપડીલનાં સંસ્થાપક સામે આઈપીસી ૪૨૦ કલમ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો. હાલ સ્નેપડીલ, એમેઝોન જેવી ઓનલાઈન કંપનીઓ લોકોને છેતરતી હોય તેવું સામે આવ્યું છે પરંતુ આ કંપનીઓ સિવાય એવી અનેકવિધ કંપનીઓ છે જેના ઓઠા હેઠળ નકલી વસ્તુઓ અથવા કહી શકાય કે બોગસ ચીજ-વસ્તુઓ લોકોને આપવામાં આવે છે ત્યારે દિન-પ્રતિદિન લોકો જે ઓનલાઈન ચીજ-વસ્તુઓ પર ભરોસો મુકી રહ્યા હતા તે હવે સ્થાનિક દુકાનો એટલે કે કરીયાણાની દુકાન, સુપર માર્કેટ જેવી જગ્યાઓ પર ભરોસો વધુ મુકે છે કારણકે તેમની સામે જે ચીજ વસ્તુઓ હોય છે તે જ તેઓ ખરીદતા હોય છે જેથી ડુપ્લીેકેશનની વાત સહેજ પણ સામે આવતી નથી.
ઈ-કોમર્સ કંપની સ્નેપડીલે હાલ ચીલાચાલુ ૬૦,૦૦૦ નવા વિક્રેતાઓ સાથે વ્યાપાર સંધી કરતા અનેકવિધ બોગસ વસ્તુઓની ફરિયાદ ઉઠવા પામી છે.સ્નેપડીલની વાત કરવામાં આવે તો ૨ વર્ષમાં તેઓએ નવા વિક્રેતાઓને તેમની સાથે જોડયા છે ત્યારે ઓનલાઈન માર્કેટમાં અન્ય કંપનીઓની વાત કરીએ તો સ્નેપડીલનો માર્કેટ હિસ્સો ૨ થી ૩ ટકાનો છે ત્યારે સ્નેપડીલ કંપનીનાં કર્મચારીઓ પાસેથી મળતી વિગત મુજબ આગામી વર્ષોમાં કંપની તેનો માર્કેટ શેર ૧૦ ટકાથી વધુનો રાખવા માંગે છે. હાલ સ્નેપડીલ પાસે ૫ લાખથી વધુ નોંધાયેલા વિક્રેતાઓ છે અને તેની પાસે આશરે ૨૦૦ મિલીયન જેટલી ચીજ-વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે ત્યારે નવા ૬૦,૦૦૦ વિક્રેતાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે તે જોતા નવી ચીજ-વસ્તુઓ પણ બજારમાં આવશે તે વાત પર મહોર લગાવવામાં આવી છે પરંતુ ખરાઅર્થમાં પ્રશ્ર્ન ઉદભવિત એ થાય છે કે જે રીતે સ્નેપડીલ જેવી કંપનીઓ નવા વિક્રેતાઓને જોડી રહી છે અને નવી ચીજ-વસ્તુઓને બજારમાં મુકી રહી છે તો શું લોકોમાં જે વિશ્ર્વસનીયતાનો અભાવ જોવા મળ્યો છે તે કઈ દિશામાં આગળ વધશે. શું ફરીથી લોકો ઈ-કોમર્સ એટલે કે ઓનલાઈન કંપનીઓ પર ભરોસો મુકી શકશે કે કેમ?
ઓનલાઈન કંપનીઓ આવતાની સાથે જ જે રીટેઈલ દુકાનો હતી તેના વ્યાપાર પર ઘણી અસર જોવા મળી હતી પરંતુ દિન-પ્રતિદિન જે રીતે લોકોનો ભરોસો ઓનલાઈન કંપનીઓ પરથી ઉઠતો જોવા મળી રહયો છે ત્યારે ફરીથી રીટેલ વ્યાપારને વેગ મળશે. માત્ર કરીયાણાનાં દુકાનદારો નહીં પણ આનો સીધો લાભ સુપર માર્કેટોને મળવાપાત્ર રહેશે.
સ્નેપડીલ, એમેઝોન ઈ-બે જેવી ઓનલાઈન કંપનીઓ જો બજારમાં ટકવું હોય તો તેઓએ ખરીદનારાઓ સામે ભરોસો ફરીથી કેળવવો પડશે કારણકે ફર્સ્ટ કોપી દેખાડી ઓરીજનલ ચીજ-વસ્તુઓનો દાવો કરતી કંપની પર હવે એનકેન રીતે લોકો ભરોસો મુકવા માટે રાજી નથી ત્યારે આ કંપનીઓએ તેમની સ્ટ્રેટેજી અને તેમનાં દ્વારા જે લોભામણી જાહેરાતો કરી લોકોને છેતરવામાં આવતા હોય છે તે તેઓએ બંધ કરવું પડશે. સસ્તુ દેખાડી કમાવવાની વૃત્તિ જે કંપનીઓ કરી રહી છે તેનાં પરથી કંપનીઓએ પૂર્ણવિરામ મુકવો પડશે અને જો બજારમાં ટકવું હોય તો તેઓએ લોકોનો ભરોસો પણ કેળવવો પડશે નહીંતર દિન-પ્રતિદિન જે રીતે લોકો ઓનલાઈન ચીજ-વસ્તુઓ પરથી તેમનો ભરોસો ઉઠી રહ્યો છે તે હવે લાંબુ નહીં ચાલી શકે.