આવકવેરાની રકમ ગત પાંચ વર્ષમાં રૂા. ૨૯ હજાર કરોડની જગ્યાએ રૂા. ૫૦ હજાર કરોડને પાર:આગામી પાંચ વર્ષમાં ૧ લાખ કરોડ રૂપીયાના ટેક્ષને ગુજરાત આવકવેરા વિભાગ આંબી જશે !
ઈન્કમટેકસ ડેની ઉજવણી સમગ્ર ભારતભરમાં કરવામાં આવી હતી ત્યારે ગુજરાત ખાતે અમદાવાદમાં ઈન્કમટેકસ ડેની ઉજવણીમાં ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રિન્સીપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ અજયદાસ મૈહરોત્રા તથા દેવઆશિષ રોય ચૌધરી સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પ્રિન્સીપલ ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ ગુજરાતનાં અજયદાસ મેહરોત્રાએ જણાવ્યું હતું કે, ૯૯ ટકા આવકવેરાનાં રીટર્ન ઈ-ફાઈલ થઈ ચુકયા છે. સાથોસાથ ગુજરાતભરમાં ૨૯ જેટલા આયકર સેવા કેન્દ્રો ઉભા કરવામાં આવશે જે ઈ-ફાઈલીંગની સુવિધાઓ પુરી પાડશે.
ઈન્કમટેકસ ડે નિમિતે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં વરદ હસ્તે કરદાતા ઈ-અભિયાનને લોન્ચ કરવામાં આવ્યું હતું તથા તેમનાં દ્વારા સ્ટાર્ટઅપ ફેસીલીટેશન સેન્ટરને પણ ખુલ્લા મુકયા હતા જે આગામી દિવસોમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં કાર્યરત થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમનાં ભાષણમાં જણાવતાં કહ્યું હતું કે, ભારતને પાંચ ટ્રિલીયન ડોલરની ઈકોનોમી તરફ આગળ વધારવા માટે જરૂરી એ છે કે કરદાતાઓ નિયમિતપણે તેમનો ટેકસ અને તેમનાં રીટર્ન ફાઈલ કરે. ત્યારે તેઓએ રાજીપો વ્યકત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ભારતમાં પાંચમાં ક્રમ પર સૌથી વધુ ટેકસ કલેકશન અને રીટર્ન ફાઈલ કરવામાં આવેલું છે ત્યારે આવકવેરા વિભાગ ગુજરાત દ્વારા જે કરદાતાઓ સાથે સુમેળભર્યું વાતાવરણ રાખી તેમને પડતી મુશ્કેલીનો જે હલ શોધી આપે છે તે પણ કામગીરી સરાહનીય છે.
આ તકે પ્રિન્સીપલ કમિશનર ઓફ ઈન્કમટેકસ ગુજરાત અજયદાસ મૈહરોત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગત નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ડાયરેકટ ટેકસ કલેકશનમાં ગુજરાતે ૫૦ હજાર કરોડથી પણ વધુ ઐતિહાસિક આંકડાને પાર કર્યો છે ત્યારે ૨૦૨૪ સુધીમાં ગુજરાત ડાયરેકટ ટેકસ કલેકશન ૧ લાખ કરોડથી પણ વધારાનું કરશે તે દિશામાં હાલ પગલા લેવામાં આવી રહ્યાં છે. ગુજરાતનાં આવકવેરા વિભાગની વાત કરવામાં આવે તો ૩૧ માર્ચ ૨૦૧૪માં ૩૩.૫૮ લાખ રીટર્ન ફાઈલ થયા હતા જે વધી ૩૧ માર્ચ-૨૦૧૯માં ૬૬.૦૪ લાખ ફાઈલ થયા છે એટલે કે ૫૦ ટકાથી પણ વધુનો આંકડો સામે આવ્યો છે. આ તકે તેઓએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ગુજરાતમાં ૭.૬૮ લાખ નવા કરદાતાઓને જોડવામાં આવ્યા છે. ગુજરાતમાં જયારે ડાયરેકટ ટેકસ કલેકશનની વાત કરવામાં આવે તો ૨૦૧૩-૧૪માં ૨૯,૧૩૭ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી હતી. જયારે ૨૦૧૮-૧૯માં ૫૦,૩૫૫ કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. સમગ્ર ભારતમાં નવીદિલ્હી બાદ ગુજરાત બીજા નંબરનું રાજય બન્યું છે જયાં રીટર્ન ફાઈલ કરનારનો રેશિયો ૧૧ ટકા સીબીડીટી દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો છે એટલે કે સમગ્ર ભારતમાં ગુજરાતનું આવકવેરા વિભાગ સરાહનીય કામગીરી કરી રહ્યું છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ દ્વારા જે લક્ષ્યાંક આપવામાં આવે છે તેને પણ સિદ્ધ કરવામાં સહેજ પણ કચાશ રાખવામાં આવતી નથી.
ગુજરાતમાં રિટર્ન ફાઈલ થયેલા આંકડાની વિગતો
૩૧ માર્ચ-૨૦૧૪ – ૩૩.૫૮ લાખ
૩૧ માર્ચ-૨૦૧૯ – ૬૬.૦૪ લાખ
ગુજરાતમાં નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં ૭.૬૮ લાખ નવા કરદાતાઓનો થયો ઉમેરો
નવીદિલ્હી બાદ ગુજરાત બીજા નંબરનું રાજય બન્યું જયાં રિટર્ન ફાઈલ કરનારાઓની સંખ્યા ૧૧ ટકાની રહી છે
ગુજરાતમાં થયેલા ડાયરેકટ ટેકસ કલેકશન
૨૦૧૩-૧૪માં – ૨૯,૧૩૭ કરોડ રૂપિયા
૨૦૧૮-૧૯માં – ૫૦,૩૫૫ કરોડ રૂપિયા