*કરદાતાઓ તથા આવકવેરા વિભાગનાં અધિકારીઓનાં સંતાનોને કરવામાં આવ્યા સન્માનિત
*ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ દેવઆશિષ રોય ચૌધરીએ રાજકોટનાં કરદાતાઓને કર્યા પ્રોત્સાહિત
*મુખ્ય મહેમાન તરીકે ચેતેશ્વર પુજારાએ દેશનાં વિકાસ માટે કરદાતાઓને કર ભરવા કરી અપીલ
રાજકોટ ખાતે ઈન્કમ ટેકસ ડેની ઉજવણી કરવામાં આવી હતી જે અન્વયે તા.૨૦ જુલાઈથી અનેકવિધ કાર્યક્રમોની હારમાળા પણ સર્જાય હતી ત્યારે ઈન્કમ ટેકસ ડેનાં કાર્યક્રમને દિપાન્વીત કરવા માટે રાજકોટનાં ચીફ કમિશનર ઓફ ઈન્કમટેકસ દેવઆશિષ રોય ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા જયારે કાર્યક્રમનાં મુખ્ય મહેમાન તરીકે ચેતેશ્વર પુજારાએ લોકોને આવકવેરાનું મહત્વ અંગે માહિતી પણ આપી હતી. ઈન્કમટેકસ ડે નિમિતે કર ભરનાર કરદાતાઓ તથા આવકવેરા વિભાગનાં કર્મચારીઓનાં સંતાનોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રસંગોપાત આવકવેરા વિભાગ દ્વારા નિબંધ લેખન, સ્લોગન રાઈટીંગ સહિત અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી હતી જે અન્વયે તમામ પ્રતિયોગીતામાં ભાગ લેનાર બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આવકવેરા વિભાગનો દેશ નિર્માણમાં શું મહત્વ છે તે વિશે મંચ પર ઉપસ્થિત રહેનાર લોકોએ માહિતી આપી હતી. વિગતવાર વાત કરવામાં આવે તો અન્ય દેશોનાં લોકો નિયમિત રીતે પોતાનો કર ભરે છે ત્યારે ભારત દેશમાં લોકોની જે સંખ્યા કર ભરવા માટેની છે તે સૌથી ઓછી છે. જો લોકો નિયમિત કર ભરતા થઈ જશે તો નરેન્દ્રભાઈ મોદીનું જે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીનું સપનું છે તે સાકાર થશે. હાલ ભારત વિશ્વની છઠઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા માનવામાં આવે છે ત્યારે દેશનાં વિકાસ માટે કરદાતાઓને સહેજ પણ અવગણી ન શકાય. ઈન્કમ ટેકસ ડે નિમિતે રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા સીનીયર સીટીઝન, નોન કોર્પોરેટ, સુપર સીનીયર સીટીઝન તથાં કોર્પોરેટ ટેકસ સ્પેયરોને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમાં બાન લેબ્સનાં મૌલેશભાઈ ઉકાણી, બાલાજી વેફર્સનાં ચંદુભાઈ વિરાણી સહિતનાં અનેક ઉધોગપતિઓને પ્રિન્સીપલ કમિશનર, ચીફ કમિશનર અને કાર્યક્રમનાં મુખ્ય મહેમાન એવા ચેતેશ્વર પુજારાનાં હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા.
ઈન્કમટેકસ ડે નિમિતે રાજકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ચેતેશ્વર પુજારાએ અબતક સાથે વિશેષ વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલ ભારત દેશ ખુબ જ સારી પ્રગતિ કરી રહ્યું છે ત્યારે દેશની પ્રગતિ માટે સૌ કોઈની જવાબદારી છે. હાલ ભારત દેશ ખુબ જ સારો વિકાસ કરી રહ્યું છે ત્યારે ટેકસ ભરનારની સંખ્યા વિશે જો વાત કરવામાં આવે તો વિદેશમાં કર આપનાર કરદાતાઓની સરખામણીમાં ભારત દેશનો આંકડો ખુબ જ ઓછો છે. કારણકે લોકો ઈન્કમ ટેકસ ભરવા માટે નકારાત્મક પક્ષથી જ વિચાર કરતા નજરે પડે છે. કોઈપણ દેશનાં વિકાસ માટે ફંડ હોવું ખુબ જ જરૂરી છે ત્યારે આવકવેરા વિભાગ મારફતે જે ટેકસ મળી રહ્યો છે તે લોકોએ આવકારવું જોઈએ. દેશનાં વિકાસ માટે તમામ ક્ષેત્રનો વિકાસ થવો જરી છે પરંતુ સૌપ્રથમ જે લોકો આવકવેરા વિભાગને બેઠુ કરવા અને પોતાનો નિયમિત કર ભરવામાં આગળ આવશે તો દેશની પ્રગતિ દિવસેને દિવસે વધતી જોવા મળશે.
ઈન્કમ ટેકસ ડે નિમિતે ચીફ કમિશનર ઓફ ઈન્કમ ટેકસ દેવઆશિષ રોય ચૌધરીએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, જે કોઈ વ્યકિત માત્ર સ્વાર્થવૃતિ રાખી પોતા પુરતું જ જીવે તે યોગ્ય નથી પરંતુ તે વ્યકિતએ અન્ય લોકો માટે જીવવું જોઈએ તેના દેશ માટે જીવવું જોઈએ તો દેશની ઉન્નતિ અને પદોન્નતી થઈ શકશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આજનો દિવસ આવકવેરા વિભાગ માટે ખુબ જ મહત્વપૂર્ણ દિવસ છે અને જયારે ઈન્ડિયન ટેકસીસની વાત કરવામાં આવે તો તેનાં જન્મદાતા જેમ્સ વિલ્સનને કેવી રીતે ભુલી શકાય. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગ માત્ર કરદાતાઓ માટે જ નહીં પરંતુ સમાજ માટે પણ કાર્ય કરી રહ્યું છે જેમાં ચેરીટેબલ વર્ક સહિત કરદાતાઓને મુંઝવતા પ્રશ્ર્નોનું ત્વરીત નિરાકરણ થાય તે માટે આવકવેરા વિભાગ કાર્ય કરતું નજરે પડે છે. સાથ સાથ તેઓએ રાજકોટનાં કરદાતાઓનો પણ આભાર માન્યો હતો કે જેઓએ રાષ્ટ્ર નિર્માણ માટે પોતાનો સિંહ ફાળો આપેલો છે. વધુમાં તેઓએ જણાવતાં કહ્યું હતું કે, ગુજરાત માટે પ્રતિ વર્ષ સીબીડીટી દ્વારા જે ટાર્ગેટ આપવામાં આવે છે તે પ્રતિ વર્ષ વધતો નજરે પડે છે ત્યારે આ વર્ષે ૩૩૧૭ કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે પરંતુ એ વાતનો વિશ્વાસ છે કે રાજકોટનાં કરદાતાઓ સહેજ પણ કર ભરવામાં પાછીપાની નહીં રાખે અને ટાર્ગેટ સુધી પહોંચવા માટે પ્રયત્નો હાથ ધરશે. અંતમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આવકવેરા વિભાગનાં અધિકારીઓ, કરદાતાઓ તથા વિભાગ માટે કરોડરજ સમાન છે ત્યારે દેશનાં વિકાસ માટે લોકોએ એટલે કે કરદાતાઓએ તેમનો કર નિયમિત સમયે ભરવો જોઈએ. આગળનાં દિવસોમાં આવકવેરા વિભાગ રમત-ગમત ક્ષેત્રે પણ કામગીરી હાથ ધરશે અને તે ક્ષેત્રમાં બાળકોને આગળ વધવાની તક પણ આપશે.
રાજકોટ ઈન્કમટેકસનાં પ્રધાન આયકર આયોગ-૩નાં બી.વી.ગોપીનાથે અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, લોકોએ રાષ્ટ્રનિર્માણ માટે તેમનો કર નિયમિત સમય પર ભરવો જોઈએ જેથી દેશનો વિકાસ પૂર્ણત: થઈ શકે અને વિશ્વ ફલક ઉપર ભારત દેશનું નામ રોશન થાય.
રાજકોટ ઈન્વેસ્ટીંગેશન વીંગનાં રાજેશ મહાજને અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આજનો દિવસ ઈન્કમ ટેકસ વિભાગ માટે ખુબ જ મહત્વપૂર્ણ છે ત્યારે ગુજરાત અને રાજકોટનાં કરદાતાઓને એટલો જ સંદેશો આપવો છે કે તેઓ તેમની આવકનાં આધારે કર ભરે જેથી હાલ જે રોડ-રસ્તા, બ્રીજ, ડેમ જે બનાવવામાં આવે છે તેમાં લોકો દ્વારા ભરવામાં આવતો ટેકસની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. લોકો ટેકસ બચાવવા કરતા તેમની આવકનાં આધારે જો તેમનો ટેકસ નિયમિત ભરે તો તે દિવસ દુર નથી કે ભારતની અર્થવ્યવસ્થા ખુબ જ મજબુત થઈ શકે જેથી લોકોએ તેમનો કર ભુલ્યા વિના ભરવો જોઈએ તે માટે આવકવેરા વિભાગ દ્વારા આજની યુવા પેઢીને પણ ઈન્કમટેકસનું મહત્વ સમજાવવા અનેકવિધ પ્રકારનાં પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.