જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ અંગે પક્ષ અગ્રણી રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આ પરિણામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં અસરકારક નેતૃત્વ, પ્રજાલક્ષી શાસન અને લોકહિતમાં અત્યંત ઝડપી નિર્ણયો લેવાની તેમની નિષ્ઠા તેમજ કાર્યશૈલી પર પ્રજાએ મૂકેલા વિશ્ર્વાસનો વિજય છે.
જૂનાગઢ મનપાની ૫૯ માંથી ૫૪ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે તે હકીકત દર્શાવે છે કે, સુધરાઈથી સંસદ સુધી ભાજપની લોકપ્રિયતા અકબંધ છે. જૂનાગઢ મહાનગરપાલીકાની ચુંટણી પ્રક્રિયા પર બારીકાઇથી નિરીક્ષણ કરી કાર્યકર્તાઓનો હોંસલો બુલંદ કરતા ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવે જૂનાગઢની શાણી જનતાનો આભાર વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે લોકો ને હવે વિકાસ જોઈએ છે અને કવિ નરસિંહ મહેતા ની નગરી વિકાસ ઝંખે છે. આ તકે જૂનાગઢનાં યુવા મતદારો ,વડીલો- બુઝર્ગો અને પ્રબુધ્ધ મતદારોએ જે રીતે પોતાની સમજદારીને મતદાન સુધી પહોંચતી કરી છે તેને બીરદાવી જણાવ્યુ હતુ કે હવે જૂનાગઢનાં વિકાસ અને જૂનાગઢની આન-બાન અને શાનમા વધારો થાય તે દિશામાં શાસકોની કાર્ય કરવાની જવાબદારીમાં વધારો થયો છે.આ ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય ને કારણે ભાજપ ના કાર્યકર્તાઓ પાસે પ્રજા ની અપેક્ષાઓ ખૂબ વધી છે જે એ પૂર્ણ કરવામાં કોઈ કસર છોડવા માં નહીં આવે.
પવિત્ર યાત્રાધામ જૂનાગઢનાં કોઈપણ પ્રશ્ન હોય કે ઐતહાસિક નગરી જૂનાગઢની એકપણ સમસ્યા હોય કે પછી સમગ્ર બૃહદગીર પ્રદેશ લગતી બાબત હોય.. જૂનાગઢમાં આવતા પ્રવાસી સંલગ્ન સુવિધાઓને અગ્રકતાક્રમ આપીને ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સમગ્ર મંત્રીમંડળ સહિત ભારતીય જનતા પક્ષ સતત કાર્યશીલ છે અને દિવસ-રાત જૂનાગઢનાં વિકાસની ચિંતા, ખેવના કરે છે અને તે હકીકત લક્ષમાં લઈને જ પ્રજાએ જૂનાગઢ ક્ષેત્રમાં લોકસભા બાદ મહાનગરપાલિકામાં પણ ભાજપને સત્તાના સુત્રો સોંપ્યા છે આ જીત જેટલી ભાજપની છે તેટલી જ ભક્તકવિ નરસિંહ મહેતાની નગરીના મતદારોની પણ છે. વરસતા વરસાદમાં પણ જૂનાગઢનાં જાગૃત મતદારો પોતાની ફરજ અદા કરવાનું ચૂક્યા ન હતા એ વાત પણ પ્રશંસાને પાત્ર છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, માણાવદર વિધાનસભા પેટા ચુંટણી અને લોકસભા ચૂંટણી બાદ જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીતથી જૂનાગઢના વિકાસ કાર્યોને પ્રોત્સાહન મળશે અને પાલિકાથી લઈ પાર્લામેન્ટ સુધી ગીર સોમનાથ અને જૂનાગઢમાં વિકાસ કાર્યોનો સુભગ સમન્વય રચાશે. આથી આ સમગ્ર વિસ્તારનો સર્વાંગી વિકાસ થાય તે હેતુસર જૂનાગઢવાસીઓએ ભાજપનાં પ્રતિનિધિઓને જંગી બહુમતી સાથે ચૂંટી કાઢ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં ભાજપ સરકાર અનેપ્રદેશ પ્રમુખ શ્રી જીતુભાઈ વાઘાણી ના માગેદશેન તળે મહાનગરપાલિકા ચૂંટણી ઇન્ચાર્જ ગોરધનભાઈ ઝડફીયા તથા નીતિનભાઈ ભારદ્વાજ ની રાહબરીમા શહેર ભાજપ પ્રમુખ શશીભાઈ ભીમાણી અને ટીમ તથા પક્ષ-પ્રજાનાં પ્રતિનિધિઓ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ભાજપ ના કાર્યકરો ની અથાગ મહેનત ના કારણે આ ભવ્ય વિજય થયો છે. મહાનગરપાલિકા ના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ જૂનાગઢની વણથંભી વિકાસયાત્રાને વધુને વધુ વેગીલી બનાવશે એનો પૂર્ણ વિશ્વાસ છે તેવું રાજુભાઈ ધ્રુવે કહ્યું છે.. આ ચૂંટણીમાં જૂનાગઢના મતદારોએ જે રીતે ભાજપા પર વિશ્વાસ વ્યક્ત કરી વિકાસની દિશાને ગતિ પ્રદાન કરવા કદમ થી કદમ મિલાવ્યા છે તે હવે સમગ્ર રાજ્ય ને દીશાદર્શક બની રહેશે.