૫૯ બેઠકો માટે મતગણતરી ચાલુ: ૩૧ બેઠકોનાં પરિણામ જાહેર: તમામ પર ભાજપનો વિજય, સ્પષ્ટ બહુમતી: કોંગ્રેસ ખાતું ખોલવવામાં પણ અસફળ: ભાજપનાં કાર્યકરોમાં જબ્બર ઉત્સાહ
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. સોરઠવાસીઓએ ફરી એક વખત પુનરાવર્તનનો પવન ફુંકતા ભાજપ જૂનાગઢનો સરતાજ બન્યો છે. ૫૯ બેઠકો માટે આજે સવારથી હાથ ધરવામાં આવેલી મતગણતરીમાં સવારે ૧૦:૩૦ વાગ્યા સુધીમાં ૩૧ બેઠકોનાં પરિણામ જાહેર થયા હતા જેમાં તમામ બેઠકો પર તોતીંગ લીડ સાથે ભાજપનાં ઉમેદવારો વિજેતા બન્યા છે. ભાજપનાં મેયરપદનાં દાવેદાર ધીરૂભાઈ ગોહેલનો ૫૩૦૦ મતોથી શાનદાર વિજય થયો છે. ગાંધીનગર મહાપાલિકાની એક બેઠકની પેટાચુંટણીમાં પણ ભાજપે જીત હાંસલ કરી છે. જૂનાગઢ મહાપાલિકામાં કમળ ખીલતાં ભાજપનાં કાર્યકરોમાં જબ્બર ખુશાલી વ્યાપી જવા પામી છે. જૂનાગઢ મહાપાલિકામાં મળેલી જીતની ઉજવણી આજે પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવશે. આ તકે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી એક પત્રકાર પરીષદ પણ સંબોધશે.
જૂનાગઢ મહાનગરપાલિકાનાં ૧૫ વોર્ડની ૬૦ બેઠકો પૈકી ૫૯ બેઠકો માટે ગત રવિવારે મતદાન યોજાયું હતું જેમાં ૪૯.૬૮ ટકા જેટલું મતદાન થયું હતું. ભાજપે ચુંટણી વ્યુહરચનામાં જ અગાઉ જ કોંગ્રેસનાં મોટા માથાઓને ખેડવી નાખ્યા હતા તો કેટલાક વોર્ડમાં કોંગ્રેસનાં ઉમેદવારોએ ભાજપને સમર્થન આપ્યું હોય જુનાગઢમાં ભાજપની જીત અગાઉ થી જ નિશ્ચિત હતી. આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં પ્રારંભિક ગણતરીમાં જ ભાજપ ફરી જૂનાગઢમાં સતારૂઢ થતું હોવાનાં રૂઝાન મળવા લાગ્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે ૫૯ બેઠકો પૈકી ૧૯ બેઠકો માટેનું પરીણામ જાહેર કરી દેવામાં આવ્યું છે જેમાં તમામ બેઠકો પર ભાજપનાં ઉમેદવારો વિજેતા બન્યા છે. કોંગ્રેસનું ખાતું ખોલાવવાનાં પણ ફાફા પડયા છે. વોર્ડ નં.૯ માંથી કમળનાં પ્રતિક પરથી ચુંટણી લડતા અને ભાજપનાં મેયરપદનાં દાવેદાર ધીરૂભાઈ ગોહેલ ૫૩૦૦ મતોથી વિજેતા બન્યા છે.
આ ઉપરાંત તેઓની સાથે પેનલમાં ચુંટણી લડતા ગીતાબેન પરમાર, એભાભાઈ કટારા અને ચેતનાબેનનો વિજય થયો છે. વોર્ડ નં.૧૩માં ભાજપની આખી પેનલ જેમાં ધરમણભાઈ ડાંગર, શારદાબેન પુરોહિત, વાલાભાઈ આમછેડા અને ભાનુમતીબેન ટાંક જયારે વોર્ડ નં.૫માં ભાજપની પેનલ જયેશભાઈ ધોરાજીયા, રાકેશભાઈ ધુલેશીયા, શિલ્પાબેન જોશી, ભારતીબેન ત્રાંબડીયા, વોર્ડ નં.૧માં ભાજપનાં નટવરભાઈ પાટોડીયા, શોભનાબેન પીઠીયા, લાભુબેન મોકરીયા અને અશોકભાઈ ચાવડા વિજેતા બન્યા છે. વોર્ડ નં.૧૦માં ભાજપનાં ભારતીબેન જોશી, ગીરીશભાઈ કોટેચા, દિવાળીબેન પરમાર અને હિતેન્દ્રભાઈ ઉદાણી તેમજ વોર્ડ નં.૩માં પણ ભાજપનાં હાસીનાબેન નસીરભાઈ પઠાણ, માનસબેન ઈકબાલભાઈ બ્લોચ, અસલમભાઈ ઈબ્રાહીમભાઈ કુરેશી વિજેતા થયા છે ત્યારે આ વોર્ડમાં એક ઉમેદવારનું ફોર્મ રદ થયું છે. ભાજપ સતત બીજી વખત જુનાગઢ મહાનગરપાલિકામાં બે તૃતીયાંશ બહુમત સાથે સતારૂઢ થાય તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.