વિશ્વ ની સૌથી મોટી ડાયમંડની માઈનીંગ કંપનીનાં બીજા કવાર્ટરનાં ઉત્પાદનમાં ૧૪ ટકાનો જોવા મળ્યો ઘટાડો
હાલ ભારતની હીરાબજાર પોતાની ચણકાટ ગુમાવી રહી છે ત્યારે વિશ્ર્વની નામાંકિત અને સૌથી મોટી ડાયમંડની માઈનીંગ કંપની ડી બીયર્સેે તેનાં બીજા કવાર્ટરનાં ઉત્પાદનમાં ૧૪ ટકાનો ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. ડી બીયર્સ માઈનીંગનું ઉત્પાદન ૧૪ ટકાથી ઘટયું હતું કે એટલે કે આશરે તેનું ઉત્પાદન બીજા કવાર્ટરમાં ૭.૭ મિલીયન કેરેટ સુધી પહોંચ્યું હતું. જયારે તેનું વેચાણ પણ ૧૦ ટકાથી ઘટી ૯ ટકા પહોંચ્યું છે. આ આંકડો કંપની દ્વારા ૩૦ જુન સુધીનો આપવામાં આવ્યો છે.
રફ ડાયમંડની વધતી જતી માંગનાં કારણે અનેકવિધ પ્રકારની સમસ્યાઓ ઉદભવિત થતી જોવા મળે છે જેનાં કારણે ડાયમંડની માઈનીંગ કંપનીનો ખર્ચ વધતાની સાથે જ હીરા બજાર પોતાની ચળકાટ ગુમાવી રહી છે. જયારે બીજુ મુખ્ય કારણ યુ.એસ. ચાઈના ટ્રેડવોર માનવામાં આવે છે. હીરા માટેનાં જે પોલીસ્ડ ઈનવેન્ટરીની જે જરૂરીયાત જોવા મળતી હોય છે તે મળતાં હીરા બજારે અનેકગણું દુ:ખ વેઠવું પડી રહ્યું છે. ભારતની જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલનાં જણાવ્યા અનુસાર રફ ડાયમંડનાં ઈમ્પોર્ટમાં ૨૬ ટકાનો ઘટાડો એપ્રિલ-જુન ૨૦૧૯માં જોવા મળ્યો હતો જે ગત વર્ષમાં ૪.૫ બિલીયન ડોલર રહ્યું હતું તે ચાલુ વર્ષે ૩.૪ બિલીયન ડોલર રહેવા પામ્યું છે. જુન માસમાં રફ ડાયમંડનો ઈમ્પોર્ટ ૩૬ ટકાથી ઘટયું હતું ત્યારે આગામી દિવસોમાં પણ આ જ સ્થિતિનું નિર્માણ થશે તેવું હીરાબજારમાં વેપારીઓ દ્વારા માનવામાં આવી રહ્યું છે.
હીરા બજારની હાલત હાલ કથળેલી: પ્રજ્ઞેશ રાણપરા
રાજકોટ સ્થિત હીરાનાં વેપારી પ્રજ્ઞેશભાઈ રાણપરાએ અબતક સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, હાલ હીરા બજારની હાલત અત્યંત કથળેલી જોવા મળી રહી છે. કારણકે લોકો હીરાને સોના-ચાંદી બાદ પ્રાધાન્ય આપે છે પરંતુ હાલનાં નવયુવાનો વિશે જો વાત કરવામાં આવે તો આજની યુવા પેઢી હીરાની વસ્તુઓ પહેરવાનું વધુ પસંદ કરે છે. જયારે વયોવૃદ્ધ લોકોની વાત કરવામાં આવે તો તેને હજુ સોના ઉપર વધુ ભરોસો રહેલો છે. કારણકે સોનુ જરૂરીયાતનું વસ્તી માનવામાં આવે છે જયારે ડાયમંડ લકઝરી ચીજ-વસ્તુઓમાં સમાવેશ થાય છે. આ તકે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સરકાર હાલ હીરાનો વધુને વધુ વપરાશ થાય તે દિશામાં તમામ બનતાં પ્રયત્નો હાથધરી રહી છે પરંતુ જયારથી સિન્થેટીક ડાયમંડે બજારમાં પગપેસારો કર્યો છે ત્યારથી રીયલ ડાયમંડ પર જે લોકોનો ભરોસો હોવો જોઈએ તે જોવા મળતો નથી પરંતુ એ વાત પણ સાચી છે કે, સરકાર દ્વારા રીયલ ડાયમંડનાં પુરાવા સ્વપે સર્ટીફીકેટ પણ આપવામાં આવે છે જેના પર લોકોને હવે સમય જતાં ભરોસો પણ વધતો જોવા મળે છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, સોનાને વેચી લોકોને સારા એવા રૂપિયા મળી શકે છે પરંતુ તે સ્થિતિ ડાયમંડમાં કોઈપણ રીતે શકય નથી જેથી સરકારે કોઈ નકકર પગલા લઈ આ ઈન્ડસ્ટ્રી એટલે કે ડાયમંડ ઉધોગને બેઠો કરવો પડશે. સરકાર દ્વારા જે રફ ડાયમંડ પર જે જીએસટી ઘટાડવામાં આવ્યું છે તેનાથી લોકો ૨૫ થી ૩૦ ટકા ડાયમંડ તરફ વળ્યા છે પરંતુ જેમ લોકો વધુને વધુ ડાયમંડ તરફ વળશે તેમ ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝને વેગ મળશે.