મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – રાજકોટ દ્વારા ડિરેક્ટરી – ૨૦૧૯નું વિમોચન તેમજ શિક્ષણ શ્રેષ્ઠિઓનું સન્માન કરાયું: મંડળની શાળાઓના શિક્ષકો-વિદ્યાર્થીઓ દ્વારા ૧.૨૦ લાખ વૃક્ષોનું વાવેતર કરાશે
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ – રાજકોટ ડિરેક્ટરી – ૨૦૧૯નું વિમોચન તેમજ શિક્ષણ શ્રેષ્ઠિઓનું સન્માન કરતા જણાવ્યું હતું કે શિક્ષકની ભૂમિકા સૌથી જવાબદારી વાળી છે. શિક્ષકો ગુરુ સમાન છે તેઓ ઉત્કૃષ્ઠ વિદ્યર્થિઓ અને શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. રાજકોટના પ્રમુખ સ્વામી મંદિરના ઓડિટોરિયમ ખાતે આયોજિત પ્રસંગે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કેઅંગ્રેજી માધ્યમના ઝોક સામે ગુજરાતી ભાષાનું સ્વાભિમાન જળવાઈ રહે તે અર્થે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી વિષય કોઈપણ માધ્યમની શાળામાં ફરજીયાત બનાવ્યો છે, શરૂઆતનું શિક્ષણ માતૃભાષામાં જ મળવું જોઈએ તેના માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ નીતિ તૈયાર કરવામાં આવી હોવાનું તેમણે જાણવાયું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં સો ટકા લિટરેસી અને ઝીરો પર્સન્ટ ડ્રોપ આઉટ રેસીઓ તેમજ આધુનિક ટેક્નોલોજી યુક્ત ઉત્કૃષ્ઠ શિક્ષણ મળી રહે તે પ્રકારે નવી શિક્ષણ નીતિ તૈયાર કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય શિક્ષણમાં પણ અવ્વલ રહે તે માટે રૂ. ૩૦ હજાર કરોડનું પ્રાવધાન કરાયું છે. રેલવે, રક્ષા, ફોરેન્સિક, યોગા, મરિન સહીત અનેક નવી યુનિવર્સીટીના નિર્માણ થકી રાજ્યમાં શિક્ષણ અને રોજગારીની વિપુલ તકો ઉભી કરવામાં આવી છે. સ્વનિર્ભર શાળાઓ દ્વારા ગુજરાત રાજ્યના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહ્યું છે અને રાજ્ય સરકાર હરહંમેશ તેમને સ્વતંત્ર રીતે શિક્ષણની સેવા આપી રહે તે માટે સહયોગ આપેલો હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ અંતમાં જણાવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતી ભાષાને બચાવવા અને ગૌરવ અપાવવા માટે કોઇપણ માધ્યમમાં ગુજરાતીને ફરજીયાત બનાવીને માતૃભાષાની મોટી સેવા કરેલ છે. તે બદલ આ તકે મંડળ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું અદકેરૂ વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું. મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે સંસ્થાની ૪૭૦ શાળાની ડીરેકટરીનું વિમોચન અને શિક્ષણ શ્રેષ્ઠીઓ ગિજુભાઇ ભરાડ, ગુલાબભાઇ જાની, ડી.પી. પટેલ અને ભાઇલાલભાઇ પરડવાનું અભિવાદન કરવામાં આવ્યું હતું.
સંસ્થાના પ્રમુખ અજયભાઇ પટેલે જણાવ્યું હતું કે મંડળ સમાજના ઉપયોગી વિવિધ કાર્યો સાથે વિધાર્થી હીતની પણ પ્રવૃતિઓ કરે છે. શિક્ષકોના ઉત્કર્ષ માટે પણ મંડળ કાર્યો કરશે. તેમણે આ તકે સ્વર્નિભર શાળાઓ અને તથા શિક્ષકોને શ્રેષ્ઠ એવોર્ડ આપવા સુચન કર્યુ હતું એક બાળક એક વૃક્ષ અંતર્ગત રાજકોટ જિલ્લાને સ્વનિર્ભય શાળાના વિદ્યાર્થીઓ હરીયાળું બનાવશે ચાલું વર્ષે ૧૫૦મી ગાંધી જયંતિના ઉજવણી સંદર્ભે રેલી-પ્રદર્શન જેવા કાર્યક્રમો કરાશે.
આ પ્રસંગે પ્રારંભમાં ટ્રેઈન ધ ટ્રેઈનર વિષય પર અક્ષર મંદિરના સંત અપૂર્વમુનિ સ્વામિએ વકતવ્ય આપ્યુ હતું. આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠિયા, અંજલીબેન રૂપાણી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, અક્ષર મંદિરના કોઠારી સ્વામી સંત અપૂર્વ સ્વામી, જિલ્લા શિક્ષણાધિકારી ઉપાધ્યાય, ડી.વી. મહેતા, ભરતભાઇ ગાજીપરા, જિલ્લાના સ્વનિર્ભર શાળાના સંચાલકો, શિક્ષકો વિગેરે ઉપસ્થિત રહયાં હતાં. પ્રારંભમાં સૌનું સ્વાગત સંસ્થાના મંત્રી અવધેશભાઇ કાનગડે કર્યું હતું. આભાર દર્શન ઉપપ્રમુખ જયંતિભાઇ જલુએ કર્યું હતું. સંસ્થાના કોર કમીટી દ્વારા મુખ્યમંત્રીનું ફુલહારથી અભિવાદન કર્યું હતું. મંડળની વિવિધ ઝોનની શાળાઓના સંચાલકો દ્વારા પણ મુખ્યમંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.