અરવિંદભાઈ મણીઆર ફાઉન્ડેશનનો સ્તુત્ય પ્રયાસ: શહેરીજનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ગીર ગાયનું દૂધ સુલભ બનશે
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ હેમુ ગઢવી હોલ ખાતેથી ગીર ગાય ગોલ્ડ દૂધ વિતરણ યોજનાના શ્રી ગણેશ કરાવ્યા હતા. અને આ યોજનાને સાકાર સ્વરૂપ આપવા માટે અરવિંદભાઇ મણિયાર ચેરિટેબલ ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ પ્રસંગે ઉપસ્થિત શહેરીજનોને કોલ આપતાં કહયું હતું કે, કરૂણા એમ્બ્યુલન્સ, કેટલ કેમ્પ, પશુ રોગ નિદાન કેમ્પ વગેરેથી પશુપાલન ઉદ્યોગ ધમધમતો કરશું અને તેનો લાભ રાજયની જનતા સુધી પહોંચાડશું. કૃષિ-પશુપાલન-મસ્યોદ્યોગના વિકાસ માટે રાજયસરકારની પ્રતિબધ્ધતા રજૂ કરતાં મુખ્યમંત્રીએ આ ક્ષેત્રના વિકાસ માટે રાજયસરકારે અમલી બનાવેલી વિવિધ લોક-કલ્યાણલક્ષી યોજનાઓની વિગતો તેમના વકતવ્યમાં ટાંકી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સહર્ષ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષોમાં દૂધ ઉત્પાદન ૭ ગણું વધ્યું છે, જેના સીધા ફળ રાજયની જનતાને મળી રહયાં છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે કહયું હતું કે, સમગ્ર દેશમાં ગૌહત્યાના સૌથી વધુ કડક કાયદા ગુજરાતમાં અમલી છે. મુખ્યમંત્રી વિજયભાઇએ નવનિર્મિત જિલ્લાઓમાં દુધ મંડળી અને સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કર્યાની બાબતનો પણ સગૌરવ ઉલ્લેખ કર્યો હતો, અને ઉમેર્યું હતું કે, રાજયસરકારના આ પગલાંથી પશુપાલકોની આવક બમણાથી પણ વધુ થવા પામી છે. રાજયના નાગરિકોને દૂધના વ્યવસાયમાં જોડાવા અને મિલ્ક પ્રોડકટ વિકસાવી રોજગારીના નવા સ્રોતો ઉભા કરવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઇજન આપ્યું હતું.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ગાય ગોલ્ડ દૂધ યોજનાનું વિમોચન કર્યું હતું. અરવિંદભાઇ મણિયાર ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા રાજકોટના નાગરિકોને “નહીં નફા-નહિં નુકસાનના ધોરણે ગીર ગાયનું એ ટુ કક્ષાનું ગોલ્ડ દૂધ પુરૂં પાડવાની આ યોજના આજથી જ અમલમાં મુકાઇ છે. મુખ્યમંત્રી તથા મહાનુભાવોના હસ્તે દિપપ્રાગટયથી કાર્યક્રમનો શુભારંભ થયો હતો. તમામ મહાનુભાવોને ગીર ગાયનું શુધ્ધ ઘી તથા ગાયની પ્રતિકૃતિ આયોજક તરફથી એનાયત કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં ગીર ગાયનું મહત્વ દર્શાવતી ડોકયુમન્ટ્રી પ્રાસારીત કરાઇ હતી. પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઇ કથીરિયાએ આજથી શરૂ થનારા ગીર ગાયના એ ટુ દૂધના સમગ્ર પ્રકલ્પની વિગતવાર માહિતી રજુ કરી હતી. છારોડી ગુરુકુળના સ્વામી માધવપ્રિયદાસજી, પ્રણામી સંપ્રદાયના મહંત કૃષ્ણમણિજી મહારાજ, આર્યમંદિર-મુંજકાના સ્વામી પરમાત્માનંદજી વગેરેએ શ્રોતાઓને આશીર્વચન પાઠવ્યા હતાં.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કૃષ્ણ ગોપાલજી, મેયર બીનાબેન આચાર્ય, સાંસદ મોહનભાઇ કુંડારિયા, ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તથા લાખાભાઇ સાગઠિયા, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ અંજલિબેન રૂપાણી, સરગમ કલબના પ્રમુખ ગુણવંત ડેલાવાળા, અરવિંદભાઇ મણિયાર ચેરિટેબલ ફાઉન્ડેશનના કલ્પકભાઇ મણિયાર, ડો. હિતેષ જાની, વિશાલ ચાવડા, દિલીપ સખીયા, દિલીપ અગ્રવાલ તથા મોટી સંખ્યામાં શહેરીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહયાં હતાં.