અંતે વાવણીલાયક વરસાદ થતા ખેડુતો ખુશખુશાલ: વિસાવદરમાં ૭૦ મીમી, લાઠીમાં ૬૩ મીમી, ધ્રાંગધ્રામાં ૬૦ મીમી, બગસરામાં ૫૯ મીમી, ભેંસાણમાં ૫૨ મીમી, અમરેલીમાં ૫૧ મીમી, વડીયામાં ૪૮ મીમી, સાવરકુંડલામાં ૪૩ મીમી, કાલાવડ અને દ્વારકામાં ૪૧ મીમી અને પડધરીમાં ૪૦ મીમી વરસાદ
વીજળીએ બે યુવાન અને એક યુવતીનો ભોગ લીધો
છેલ્લાં ઘણા સમયથી વરસાદની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી અંતે ગઈકાલે મેઘરાજાએ રીઝાયને સમગ્ર સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક મેઘમહેર વરસાવી હતી જેના લીધે લોકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભારે ગાજવીજ સાથે વરસેલા વરસાદ દરમિયાન વિજળી પડવાથી ૩ મોત નિપજયા હોવાનું પણ નોંધાયું છે. ગઈકાલે વાવણીલાયક વરસાદ વરસતાં ખેડુતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રમાં સહિત વધુ કોટડાસાંગાણીમાં ૩ ઈંચ, રાજકોટ અને ટંકારામાં અઢી ઈંચ વરસાદ પડયો હતો.
સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ પાછો ખેંચાતા ખેડુતોએ કરેલી વાવણી નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી ત્યારે ગઈકાલે મેઘમહેર થતાં ખેડુતોની વાવણી નિષ્ફળ જતા બચી ગઈ છે.
ગઈકાલે રાજકોટમાં ૭૬ મીમી, લીલીયામાં ૭૪ મીમી, વિસાવદરમાં ૭૦ મીમી, ટંકારામાં ૬૬ મીમી, રાજકોટમાં ૬૩ મીમી, લાઠીમાં ૬૩ મીમી, ધ્રાંગધ્રામાં ૬૦ મીમી, બગસરામાં ૫૯ મીમી, ભેંસાણમાં ૫૨ મીમી, અમરેલીમાં ૫૧ મીમી, વલ્લભીપુરમાં ૫૧ મીમી, વડીયામાં ૪૮ મીમી, હિંમતનગરમાં ૪૭ મીમી, ઉમરાળામાં ૪૬ મીમી, સાવરકુંડલામાં ૪૩ મીમી, ધારીમાં ૪૨ મીમી, જેસરમાં ૪૨ મીમી, કાલાવડમાં ૪૧ મીમી, દ્વારકામાં ૪૧ મીમી, પડધરીમાં ૪૦ મીમી, પાલીતાણામાં ૩૭ મીમી, ગોંડલમાં ૩૬ મીમી, ધોરાજીમાં ૩૫ મીમી, ઉપલેટામાં ૩૪ મીમી, જેતપુરમાં ૩૨ મીમી, જુનાગઢમાં ૩૦ મીમી, કેશોદમાં ૨૭ મીમી, વંથલીમાં ૨૭ મીમી, જસદણમાં ૨૨ મીમી, બાબરામાં ૨૨ મીમી, ખાંભામાં ૨૨ મીમી, જામકંડોરણામાં ૨૧ મીમી વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રભરમાં મેઘરાજા મન મુકીને વરસે તેવી રાહ જોવાય રહી હતી. ઠેક-ઠેકાણે મેઘરાજાને રીઝવવા માટે ધુન-ભજન સહિતનાં કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યાં હતા. આ વર્ષે વરસાદ પાછો ખેંચાતા લોકો ચિંતાતુર બન્યા હતા પરંતુ ગઈકાલે મેઘરાજાએ રીઝાયને મેઘમહેર વરસાવી હતી.
અઢીથી ત્રણ ઈંચ સુધીનાં વરસાદનાં કારણે અનેક શહેરોમાં ઠેક-ઠેકાણે પાણી ભરાઈ જવા પામ્યા હતા. લોકો પણ રવિવારની રજા હોય બહાર ન્હાવા માટે નિકળી ગયા હતા.
આ દરમિયાન વરસાદનાં કારણે અનેક જગ્યાએ વિજળી ગુલ થઈ જતાં રાતે લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડયો હતો.
આ ઉપરાંત ગાજવીજ અને પવન સાથે વરસેલા આ વરસાદથી અનેક શહેરોમાં વૃક્ષ અને વિજપોલ પણ પડયા હોવાનાં બનાવો સામે આવ્યા છે. રાજકોટમાં પંચનાથમાં વૃક્ષ ધરાશાયી થતાં આખો રોડ બ્લોક થઈ જવા પામ્યો હતો.
રાજકોટમાં સમી સાંજે ગાજ-વીજ સાથે અનરાધાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે શરૂ થયેલા વરસાદ દરમિયાન લાલપરી નદી કાંઠે વીજળી પડી હતી. તે સમયે જ શક્તિ સોસાયટી નવાગામ છપ્પન વારીયા કવાર્ટરમાં રહેતા યોગેશ મૈયાભાઇ ડાભી નામના ૨૫ વર્ષના યુવાન પસાર થતા તેના પર વીજળી પડતા મોત નીપજ્યું હતું. આજી ડેમ ચોકડી પાસે રવિવારી બજારમાં ખરીદી કરવા ગયેલા વેલનાથપરા સામે કૈલાશ પાર્કમાં રહેતા હરેશ ટપુભાઇ રાઠોડ (ઉ.વ.૨૧) અને તેના ભાણેજ સિધ્ધાર્થ સુખદેવ ટાંક (ઉ.વ.૫) પર વીજળી પડતા હરેશભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું અને તેના ભાણેજ સિધ્ધાર્થને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પડધરીના અંબાળા ગામે રહેતા વિનોદભાઇ માવજીભાઇ કાતરીયાની વાડીએ મજુરી કામ કરતી ગુજલીબેન ભાતલીયાભાઇ ભીલાડા નામની ૨૦ વર્ષની યુવતી પર વીજળી પડતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતું. આ ઉપરાંત રાજકોટની ભાગોળે વીજળી પડવાના કારણે એક ગાય અને એક ભેસનું મોત નીપજ્યાનું પોલીસમાં નોંધાયું છે.