નળ સરોવરમાં થતાં શિકાર અને માછીમારીને અટકાવી પક્ષી અભ્યારણ્યને સુરક્ષિત રાખવા ટાસ્ક ફોર્સની રચના કરવાનો સરકારનો નિર્ણય
અમદાવાદ નજીક આવેલું નળ સરોવર રાજયના જોવાલાયક સ્થાનોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ત્રીસ હજાર એકરમાં ફેલાયેલા આ સરોવરમાં શિયાળામાં દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ચાચાવર પક્ષીઓ આવે છે. જેમાં સુંદર રંગ અને દેખાવના કારણે આકર્ષણનું કેન્દ્ર બનતા ફલેમીંગો પક્ષીઓ મહત્વના છે. જેથી આ સરોવર ની મુલાકાતે કુદરતી સૌદર્ય અને પક્ષી પ્રેમીઓ દર વર્ષે મોટી સંખ્યામાં આવે છે. રાજય સરકારે આ સરોવરને પક્ષી અભયારણ્ય જાહેર કરીને વન વિભાગને તેની જાળવણીની જવાબદારી સોંપી છે. આવા નળ સરોવરની કાયાપલટ કરવા રુપાણી સરકારે કમર કસી છે. જે માટે સરકારે ટાસ્ટફોર્સ બનાવવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટમાં નળ સરોવરને બચાવવા બનાવવામાં આવી રહેલા એકશન પ્લાન અંગેની માહીતી આપતા રાજય સરકારે આ વિગતો આપી છે. સરકારે હાઇકોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે નળ સરોવરની સુરક્ષા માટે ટાસ્ટક ફોર્સની રચના કરવામાં આવશે. સુરેન્દ્રનગર જીલ્લા કલેકટરની આગેવાનીમાં બનાવવામાં આવનારી ટાસ્ક ફોર્સમાં પોલીસ અધિક્ષક, જીલ્લા વિકાસ અધિકારી, વન સંરક્ષક અને મન્સ્ય વિભાગના અધિકારીઓ સહીત ૧૧ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. આ ટાસ્ક ફોર્સ નળ સરોવર પક્ષી અભયારણ્ય માં થતા શિકારની ધટનાઓને અટકાવવાનો પ્રયત્ન કરશે. સ્થાનીક લોકોને આ સરોવરમાં માછીમારી કરતા અટકાવશે.
શિકાર અને માછીમારી કરીને ગુજરાન ચલાવતા લોકોને આ ટાસ્ક ફોર્સ વૈકલ્પિક આજીવિકા આપવવામાં મદદરુપ થશે. આ ટાસ્ક ફોર્સ અભયારણ્યની આસપાસ રહેતા લોકોને મુળભુત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં સહાયરુપ થશે. ટાસ્ક ફોર્સ દ્વારા ચલાવવામાં આવનારા તમામ કાર્યક્રમોમાં સ્થાનીક લોકોને સામેલ કરીને ચાચાવર પક્ષીઓનાં શિકાર અને માછીમારીની ઘટનાઓને અટકાવવામાં આવશે તેમ આ સોગંદનામામાં સરકારે જણાવ્યું છે
સુપ્રીમ કોર્ટે દેશની તમામ હાઇકોર્ટેને સરોવરની જમીન પર થતી અસામાજીક પ્રવૃતિઓને થતી અટકાવવા કાર્યવાહી કરવા સુચન કર્યુ હતું. જે બાદ ગુજરાત હાઇકોર્ટે વર્ષ ૨૦૧૭ માં નળ સરોવર મુદ્દે સુઓમોટો દાખલ કરીને આ જાહેર હિતની અરજીની સુનાવણી યોજી હતી.
ગુજરાત હાઇકોર્ટે નળ સરોવરનો મુદ્દો ઉઠાવ્યો હતો. કારણ કે સુપ્રીમ કોર્ટે દ્વારા અપાયેલા સુચન મુજબ સરોવરની જમીનમાં અસામાજીક પ્રવૃતિ દ્વારા કુદરતી સોંદર્ય અને વિદેશી પક્ષીઓનો નુકશાન કરનારી બાબત રાજયમાં એકમાત્ર નળ સરોવરમાં થતી હતી. આ જાહેર હિતની અરજીમાં સરકારી અધિકારીઓ પાસેથી નળ સરોવરના પક્ષી અભયારણ્યને પહોચેલા નુકશાન તથા આ માટે સરકાર દ્વારા લેવાયેલા પગલાઓ અંગેનો વિગતવાર અહેવાલ મંગાવ્યો હતો. હાઇકોર્ટે નળ સરોવરના સંરક્ષણ અને દેખરેખ રાખવા માટે લાયક વ્યકિતઓની સમીતી બનાવવાની ઇચ્છા વ્યકત કરી હતી. જેથી રાજય સરકારે આ ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે.